1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ મામલે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ચાર સાગરીતોની ધરપકડ કરી લીધી છે. આ ચારેયની ઓળખ અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઇ છે. તમામ 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ છે.
ચારેય ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેઓ પોતાનાં ઠેકાણાં બદલતા રહેતા હતા. તેમજ બોગસ પાસપોર્ટનો સહારો લઇ વિવિધ દેશોમાં ભટકતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાં તેઓ દુબઇમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમદાવાદ આવતા હોવાનું જાણવા મળતા ચારેયને પકડી લેવામાં આવ્યા હતા.
Gujarat ATS arrests four accused in the 1993 Bombay serial blasts case.
— ANI (@ANI) May 17, 2022
પકડાયેલા ચારેય આતંકવાદીઓએ 1993 મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત, તેઓ દાઉદ ગેંગના સંપર્કમાં હોય તેવી પણ આશંકા છે. જેથી ધરપકડ બાદ ચારેયની પૂછપરછ સેન્ટ્રલ એજન્સીઓ કરશે અને જે બાદ દાઉદ ગેંગ વિશે પણ વધુ માહિતીઓ બહાર આવી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ચારેયના અમદાવાદ કનેક્શન અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે આ ચારેય આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહીમના દુબઇ સ્થિત રહેઠાણ ‘વ્હાઇટ હાઉસ’માં ભેગા થયા હતા અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. તદુપરાંત, પ્લાન અમલમાં મૂકવા પહેલાં તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા માટે પણ ગયા હતા.
1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસ
12મી માર્ચ, 1993 ના દિવસે મુંબઈમાં બે કલાકના સમયગાળામાં કુલ 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ 1000 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિઓ નષ્ટ થઇ ગઈ હતી.
આ કેસમાં તપાસ કરતા મુંબઈ પોલીસે 1994 માં 129 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 2006 માં ટાડા કોર્ટે 100 લોકોને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. આ જ કેસમાં યાકુબ મેમણને 2015 માં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. આ જ કેસમાં સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર અબૂ સાલેમને પણ દોષી ઠેરવ્યો હતો. તેણે કબુલ્યું હતું કે તેણે સંજય દત્તને હથિયારો પૂરાં પાડ્યાં હતાં.
મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા એક અન્ય કેસમાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને કોર્ટે દોષી ઠેરવ્યો હતો. સંજય દત્ત પર ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ લાગ્યો હતો અને જે કેસમાં તેને પાંચ વર્ષની સજા પણ થઇ હતી. સાલેમ ગુજરાતથી હથિયારો મુંબઈ લઇ ગયો હતો અને કેટલાંક હથિયાર તેણે સંજય દત્તને પણ આપ્યાં હતાં. તેણે સંજય દત્તને 16 જાન્યુઆરી 1993 ના રોજ એકે 56 રાઇફલો, કારતૂસ અને હેન્ડગ્રેનેડ આપ્યા હતા અને 18 જાન્યુઆરીએ સાલેમ અને તેના સાગરીતો આવીને સંજય દત્તના ઘરેથી રાઇફલ અને કારતૂસ લઇ ગયા હતા. સંજય દત્તને અબુ સાલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી ગેરકાયદેસર હથિયારો લઈને તેને સાચવવા અને નષ્ટ કરવાના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો.