Wednesday, April 24, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનના લઘુમતિ નેતા અને તેમના બે પુત્રો પર નાનકાના સાહિબમાં જીવલેણ હુમલો

    પાકિસ્તાનના લઘુમતિ નેતા અને તેમના બે પુત્રો પર નાનકાના સાહિબમાં જીવલેણ હુમલો

    શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકદેવજીના જન્મ સ્થળ નાનકાના સાહિબ ખાતે એક શીખ પરિવાર પર પાકિસ્તાની ઇસ્લામી કટ્ટરપંથીઓ અને માફિયાઓએ હુમલો કર્યો હતો અને શીખોએ આ મામલે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટને વિનંતી કરી છે.

    - Advertisement -

    પાકિસ્તાનના લઘુમતિ નેતા તેમજ તેમના પરિવાર પર સ્થાનિક પાકિસ્તાનીઓએ નાનકાના સાહિબમાં જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સરદાર મસ્તાન સિંગ અને તેમના બે પુત્રો દિલાવર સિંગ અને પલ્લા સિંગ પર ઇસ્લામિક કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં આવેલા શીખો માટે પવિત્ર એવા નાનકાના સાહિબમાં હુમલો કર્યો હતો.

    સરદાર મસ્તાન સિંગ એ શીખ નેતા હોવા ઉપરાંત પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ અધ્યક્ષ પણ છે. ઉપરોક્ત હુમલામાં તેમના બંને પુત્રોને ગંભીર ઈજા પહોંચી હતી અને હાલમાં આ બંને નાનકાના સાહિબની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    ગઈકાલે સોશિયલ મિડિયામાં આ પરિવાર પર થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયો હતો.

    - Advertisement -

    આ વિડીયોમાં દિલાવર સિંહ એવું કહેતા સંભળાય છે કે, “અમે આઝાદીના સુત્રો પોકાર્યા હતા. હવે જુઓ અમારી સાથે શું થઇ રહ્યું છે. છેલ્લા દસ વર્ષથી આ લોકોએ અમારા પર વારંવાર હુમલો કર્યો છે. આજે નાનકાના ખાતે અમારી ફરીથી તેમની સાથે લડાઈ થઇ હતી. હું દિલાવર સિંહ છું. હું નાનકાના સાહિબમાં રહું છું. મારા મામાની અને અમારી અહીં પોતાની જમીનો છે. અમે ખૂબ તકલીફો વેઠીને આ જમીન પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. પરંતુ આ લોકો અને પોલીસ સતત અમારી સાથે આ જમીન છોડી દેવા અંગે વાતચીત કરવા આવતા હોય છે. તે અમને તકલીફ પહોંચાડતા રહે છે. આજે જ્યારે અમે અમારા પાકની લણણી કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો અચાનક જ આવી ચડ્યા અને અમને ખૂબ ખરાબ રીતે માર માર્યો હતો.”

    તેમણે ઉમેર્યું હતું કે, “તેમણે તેમની બંદુકોમાંથી કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા, તેમણે આવું અમને ધમકી આપવા માટે જ કર્યું હતું. આ મારો ભાઈ છે. તેમણે તેને લાકડીઓથી મારીને ઈજા પહોંચાડી છે. આ લડાઈમાં થયેલી ઈજાઓની સારવાર માટે અમે અહીં આવ્યા અને થોડી વાર અગાઉ જ બે વ્યક્તિઓ અહીંથી ગયા છે. અહીંયા અમને કોઈજ સાંભળતું નથી. સમાજમાં અમને જોકર તરીકે જોવામાં આવે છે. તમે જ કહો અમે અહીં કેવી રીતે આઝાદ છીએ? શું અમને અહીં આ જ આઝાદી મળી છે? આ લોકો અમને અને અહીં રહેલી અમારી સંપત્તિને નુકશાન પહોંચાડે છે. સાચી આઝાદી તો એ છે કે હું કેમેરા સમક્ષ ખુલ્લા દિલે કહી શકું કે છેલ્લા દસ વર્ષથી અમને અમારી સમસ્યાઓનું સમાધાન મળ્યું નથી. અમને પોલીસ સહીત અન્ય તમામ હેરાન કરે છે. અમને જોકર કહેવામાં આવે છે. હું સુપ્રિમ કોર્ટને વિનંતી કરું છું કે અમારી વિનંતી સાંભળવામાં આવે.” દિલાવર સિંહે કહ્યું છે કે તેમના ભાઈ પલ્લા સિંહની હાલત નાજુક છે અને પોલીસે હજી સુધી તેમના પર થયેલા હુમલા બાબતે કોઇપણ ધરપકડ કરી નથી. તેમણે કહ્યું હતું કે સરકારી અધિકારીઓ અને પોલીસના આંખમીંચામણાંથી જમીન માફિયાઓ દરરોજ લોકોની જમીનો હડપ કરીને વધુને વધુ મજબુત બનતા જાય છે. તેમણે કહ્યું હતું કે ઘણા લોકોએ આ ખતરનાક માફિયાઓના હાથે પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ આ લોકો હજી પણ પોલીસ કસ્ટડીની બહાર જ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં