Wednesday, April 24, 2024
More
  હોમપેજદેશશું વિક્રમ અને પ્રજ્ઞાન હવે ક્યારેય નહીં જાગે? ચંદ્રયાન-3 અંત ભણી?: પૂર્વ...

  શું વિક્રમ અને પ્રજ્ઞાન હવે ક્યારેય નહીં જાગે? ચંદ્રયાન-3 અંત ભણી?: પૂર્વ ISRO ચીફે આપ્યા સંકેત, કહ્યું- મિશનની સફળતાથી ભવિષ્યમાં મળશે મોટી મદદ

  પૂર્વ ISRO ચીફ એએસ કિરણે આગળ જણાવ્યું કે, "ISROએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે નિશ્ચિતરૂપે એ મિશનો પણ થશે કે જેમાં ભવિષ્યમાં ત્યાંથી સામાન ઉઠાવીને ધરતી પર લાવવામાં આવશે. ભવિષ્યમાં તેને લઈને ઘણી યોજના બનાવવામાં આવશે."

  - Advertisement -

  23 ઓગસ્ટ, 2023નો એ દિવસ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ દિવસે જ ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. 14 દિવસ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરે પોતાનું ધ્યેય પૂર્ણ કર્યા બાદ ચંદ્ર પર રાત્રિ થવાથી બંનેને સ્લીપ મોડમાં મૂકાયા હતા. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને લઈને પૂર્વ ISRO ચીફ એએસ કિરણે મહત્વની વાત કરી છે. પૂર્વ ISRO ચીફે ચંદ્રયાન-3 મિશનના અંતનો સંકેત આપ્યો છે.

  ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતા બાદ હવે ISROના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્રયાન-3 મિશનના અંતનો સંકેત આપતા દાવો કર્યો છે કે હવે વિક્રમ લેન્ડર (Vikram Lander) અને પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) ફરી એક્ટીવેટ થવાની સંભાવના નથી. પાછલા દિવસોમાં ISROએ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક સાધી શકાયો નહોતો. નોંધનીય છે કે ચંદ્રયાન-3 મિશનના જે ધ્યેયો હતા તે તમામ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

  ચંદ્રયાન-3 મિશન સાથે સતત જોડાયેલા પૂર્વ ISRO ચીફ એએસ કિરણે કહ્યું કે, “પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમ ફરી સક્રિય થવાની સંભાવના નથી, કારણ કે જો સક્રિય થવાના હોત તો હમણાં સુધી થઈ ગયા હોત.” જોકે, ISROનું આ મિશન 14 દિવસ પૂરતું જ હતું અને તેમાં સંપૂર્ણપણે સફળ પણ થયું છે. ISROએ સ્લીપ મોડ બાદ સંપર્ક સાધવાનો એક સામાન્ય પ્રયત્ન જ કર્યો હતો.

  - Advertisement -

  શું મળ્યું ચંદ્રયાન-3 મિશનથી?

  પૂર્વ ISRO ચીફે કહ્યું કે, “ચંદ્રયાન-3 મિશનમાં આપણે જે પ્રાપ્ત કર્યું છે તે એ છે કે આપણે એક એવા ક્ષેત્ર (દક્ષિણી ધ્રુવ) પર પહોંચી ગયા છીએ, જ્યાં કોઈપણ નથી પહોંચી શકયું. વાસ્તવમાં આ ખૂબ જ ઉપયોગી જાણકારી છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ભવિષ્યમાં જે પણ મિશનો થશે, તેની યોજના બનાવવામાં તેનાથી ખૂબ મદદ મળશે.”

  પૂર્વ ISRO ચીફ એએસ કિરણે આગળ જણાવ્યું કે, “ISROએ ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે નિશ્ચિતરૂપે એ મિશનો પણ થશે કે જેમાં ભવિષ્યમાં ત્યાંથી સામાન ઉઠાવીને ધરતી પર લાવવામાં આવશે. ભવિષ્યમાં તેને લઈને ઘણી યોજના બનાવવામાં આવશે.”

  ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારત દુનિયાનો એવો પહેલો દેશ બન્યો છે જે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચ્યો છે. એ સિવાય ચંદ્રની સપાટી પર વિવિધ પ્રયોગો કરીને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે પોતાના ધ્યેયને 100% પૂર્ણ કર્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં