રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ગુજરાતનાં રાજ્યપાલ રહી ચૂકેલાં કમલા બેનીવાલનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે જયપુરની ફોર્ટીઝ હોસ્પિટલમાં બુધવારે (15 મે) અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતાં. બુધવાર (15 મે, 2024) બપોરે જમતી વેળાએ તેમની તબિયત વધુ લથડતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું.
વર્ષ 1927માં જન્મેલાં કમલા બેનીવાલ 97 વર્ષનાં હતાં. તેઓ 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. સાથે જ અશોક ગેહલોતની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યાં હતાં. તેઓ ગુજરાત, ત્રિપુરા, મિઝોરમના રાજ્યપાલ પણ રહ્યાં. નોંધનીય છે કે ગુજરાતના તેમના રાજ્યપાલ કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. વર્ષ 2009માં 27 નવેમ્બરે તેમની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. કમલા બેનીવાલને રાજસ્થાન કોંગ્રેસમાં તેમને એક મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવતાં. તેઓ કોંગ્રેસની સરકારમાં અનેક મહત્વપૂર્ણ પદ પર પણ રહી ચૂક્યાં છે.
ઉલ્લેખ્મીય છે કે રાજસ્થાનના ઝૂંઝનુ જિલ્લાના એક ગામમાં જન્મેલાં કમલા બેનીવાલે પ્રાથમિક શિક્ષણ ઝૂંઝનુની શાળામાં જ લીધું હતું. બાદમાં તેમણે ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રમાં સ્નાતકની ડીગ્રી લીધી હતી. ઈતિહાસમાં તેમણે MA પણ કર્યું હતું. તેમણે 11 વર્ષની ઉમરમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમને પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા તામ્રપત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 1954માં માત્ર 27 વર્ષની ઉમરમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ ખરાં. તેઓ રાજસ્થાન સરકારમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા હતાં. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતની સરકારમાં તેઓ ગૃહમંત્રી, શિક્ષણ મંત્રીથી માંડીને કૃષિ મંત્રી સુધીની જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આટલું જ નહીં, તેઓ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રીની ખુરશી પર પણ રહી ચૂક્યાં છે.