Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 88 વર્ષની વયે...

    ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું 88 વર્ષની વયે નિધન

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ઓપી કોહલીના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

    - Advertisement -

    ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું (OP Kohli) નિધન થયું છે. આજે 88 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

    તેમની પ્રપૌત્રી કર્ણિકા કોહલીએ આ બાબતની જાણકારી આપી છે. આવતીકાલે 11:30 કલાકે નવી દિલ્હી નિગમબોધ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ઓપી કોહલીના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઉપરાંત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મંત્રીઓ-ધારાસભ્યો અને નેતાઓએ પણ પૂર્વ રાજ્યપાલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    - Advertisement -

    ઓમપ્રકાશ કોહલી વર્ષ 2014થી લઈને 2019 સુધી, પાંચ વર્ષ ગુજરાત રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. ગુજરાત સિવાય પણ તેમણે મધ્ય પ્રદેશ અને ગોવાના રાજ્યપાલ તરીકે પણ કામગીરી કરી હતી. 

    1935માં જન્મેલા ઓપી કોહલીએ દિલ્હી યુનિવર્સીટીમાંથી માસ્ટર ઑફ આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો અને 37 વર્ષ સુધી દિલ્હી યુનિવર્સીટી હેઠળ આવતી  હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં પ્રધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1994માં તેઓ સેવાનિવૃત્ત થયા હતા. 

    તેઓ દિલ્હી યુનિવર્સીટીમાં વિદ્યાર્થી નેતા હતા અને સતત ત્રણ ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ રહ્યા હતા. ઉપરાંત, તેઓ દિલ્હી યુનિવર્સીટી ટીચર્સ એસોશિએશન અને નેશનલ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. 

    પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરી ત્યારે MISA હેઠળ તેમને જેલમાં પણ નાંખવામાં આવ્યા હતા અને 19 મહિના સુધી દિલ્હી, આગ્રા અને વારાણસીની જેલમાં રહ્યા હતા. 

    1994થી 2000 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા અને હાઉસિંગ કમિટી સહિતની સમિતિઓનું નેતૃત્વ કર્યું હતું. તેઓ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. પહેલાં 1991થી ‘95 અને ત્યારબાદ 2009થી 2010 એમ બે વખત તેમણે દિલ્હી ભાજપના પ્રમુખની જવાબદારી નિભાવી હતી. ઉપરાંત, ભાજપના નેશનલ સેક્રેટરી પદે રહેતાં તેમણે જમ્મુ-કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પ્રભારી તરીકેની ફરજ પણ બજાવી હતી. 

    વર્ષ 2014માં ઓપી કોહલીને ગુજરાતના રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યા હતા અને પાંચ વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. આ ઉપરાંત, 6 ઓગસ્ટથી 25 ઓગસ્ટ, 2014 દરમિયાન ગોવાના રાજ્યપાલનો અને 8 સપ્ટેમ્બર 2016થી 19 જાન્યુઆરી 2018 સુધી મધ્ય પ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ પણ તેમણે સંભાળ્યો હતો. 

    ઓમપ્રકાશ કોહલીનું નિધન થયા બાદ ગુજરાત અને દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં