Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમંકી ગેટથી ભારતીયોમાં અળખામણા બનેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં...

    મંકી ગેટથી ભારતીયોમાં અળખામણા બનેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

    મંકી ગેટથી લાઇમલાઇટમાં આવનાર પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું ક્વિન્સલેન્ડ રાજ્યમાં એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

    - Advertisement -

    પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. ક્વિન્સલેન્ડ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર શનિવારે રાત્રે ટાઉન્સવિલથી લગભગ 50 કિલોમીટર દૂર આ કાર અકસ્માત થયો હતો.

    પોલીસે વધુમાં જણાવ્યું છે કે હર્વે રેન્જ રોડ પર સાયમન્ડ્સની એકમાત્ર કાર અકસ્માતગ્રસ્ત થઇ હતી. અત્યારસુધી મળેલી માહિતી અનુસાર રાત્રે 11 વાગ્યાના તુરંત બાદ જ કાર હર્વે રેન્જ રોડ પર ચલાવવામાં આવી રહી હતી અને એલિસ રિવર બ્રીજ નજીક આ કાર રસ્તાથી ફંટાઈ ગઈ હતી અને તેણે ગુલાંટ મારી હતી.

    46 વર્ષીય ડ્રાઈવર (એન્ડ્રુ સાઈમન્ડસ) ને બચાવવા માટે ઈમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ કારમાં રહેલા આ એકમાત્ર વ્યક્તિનું તેને થયેલી ઈજાઓને લીધે મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    પોતાના એક નિવેદનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે કે, “ઓસ્ટ્રેલિયન ક્રિકેટે ફરીથી પોતાના શ્રેષ્ઠ ક્રિકેટરને ગુમાવ્યો છે. એન્ડ્ર્યુ પેઢીયોથી ઓસ્ટ્રેલિયાને મળેલા ટેલેન્ટનો હિસ્સો હતો જેણે ઓસ્ટ્રેલિયાની વિવિધ વર્લ્ડકપની સિદ્ધિઓ તેમજ ક્વિન્સલેન્ડના અદભુત ક્રિકેટ ઇતિહાસમાં પોતાનો મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.”

    પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર આડમ ગીલક્રીસ્ટે એન્ડ્ર્યુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “આ ખરેખર દુઃખદાયક છે.”

    એન્ડ્ર્યુ સાયમન્ડ્સ 2008માં સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય ઓફસ્પિનર હરભજન સિંહ સાથે મેદાન પર થયેલા ઝઘડાને લીધે લાઇમલાઇટમાં આવ્યા હતા. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને તેમના સાથી ક્રિકેટર મેથ્યુ હેડનનો આરોપ હતો કે હરભજને સાયમન્ડ્સને મંકી કહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારનો શબ્દ જાતિય અપશબ્દ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ કરનારને સજા પણ કરવામાં આવે છે, પરંતુ ભારતીયોમાં સાયમન્ડ્સ એ સમયે અતિશય અળખામણા બની ગયા હતા.

    ત્યારબાદ હરભજન પર ICC દ્વારા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી અને સચિન તેંદુલકરે પણ હરભજન સિંહની તરફેણમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આ ઘટનાની તુરંત બાદ ભારતમાં IPLનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ ડેક્કન ચાર્જસ ટીમનો ભાગ બન્યા હતા. ત્યારબાદ જ્યારે એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાણ થયું ત્યારે તેઓ હરભજન સિંગ સાથે એક જ ટીમમાં રમ્યા હતા અને બંને સારા મિત્રો પણ બની ગયા હતા.

    સિડની ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર પૂર્વ ભારતીય ક્રિકેટર અને પંજાબ કિંગ્સના કોચ અનિલ કુંબલેએ પણ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને શ્રદ્ધાંજલિ આપી છે. કુંબલેએ ટ્વીટ કરતાં કહ્યું છે કે, એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. તેમના પરિવાર, મિત્રો અને શુભેચ્છકોને મારી સંવેદનાઓ.”

    એન્ડ્ર્યુ સાયમન્ડ્સે 1998માં પાકિસ્તાન સામેની વનડે ઇન્ટરનેશનલમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. સાયમન્ડ્સ 200થી પણ વધુ વનડે રમ્યા હતા જેમાં 39.75ની એવરેજથી તેમણે 5000થી પણ વધુ રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને વનડેમાં 6 સેન્ચ્યુરી અને 30 હાફ સેન્ચ્યુરી બનાવી હતી અને 133 વિકેટો લીધી હતી. સાયમન્ડ્સ 26 ટેસ્ટ્સ રમ્યા હતા અને 2 સેન્ચ્યુરી અને 10 હાફ સેન્ચ્યુરી સાથે તેમણે 1462 રન બનાવ્યા હતા. હજુ હાલમાં જ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લેગસ્પિનર શેન વોર્નનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું, આથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને ટૂંકાગાળામાં બે મોટા આઘાતનો સામનો કરવો પડ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં