Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પાર્ટીમાં દિલ્હી લેવલે કોઈ નેતા બચ્યો જ નથી': ભાજપમાં જોડાતાંની સાથે જ...

    ‘પાર્ટીમાં દિલ્હી લેવલે કોઈ નેતા બચ્યો જ નથી’: ભાજપમાં જોડાતાંની સાથે જ કોંગ્રેસ પર વરસ્યા પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, કહ્યું- ત્યાં કાર્યકરોને છૂટા મૂકી દેવાય છે 

    કાંતિ સોઢા પરમારે કહ્યું કે, "દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ નેતા ગુજરાતના આગેવાનોને મદદ કરવા ન આવ્યા."

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ MLA કાંતિ સોઢા પરમારે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ હવે તેમણે કેસરિયા કર્યા છે. તેમણે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરી લીધો હતો. કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા કે તરત જ તેમણે કોંગ્રેસ પર બળાપો કાઢવાનું શરુ કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા દિલ્હી કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા

    ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે કેસરિયા કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતિ સોઢા પરમારે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ નેતા ગુજરાતના આગેવાનોને મદદ કરવા ન આવ્યા.” આ સાથે તેમણે કહ્યું કે, PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતમાં આવે છે. કોંગ્રેસે એક પણ મોટો કાર્યક્રમ કર્યો નથી.” જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોંગ્રેસે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

    ‘કોંગ્રેસને કાર્યકરો કે આગેવાનોની કોઈ પડી નથી’

    ભાજપમાં જોડાતાં જ કાંતિ સોઢા પરમારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને એના કાર્યકરો કે આગેવાનોની કોઈ પડી નથી. ભાજપ તેમના આગેવાનો અને કાર્યકરોને ખૂબ મદદ કરે છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસને તેમના ગુજરાતના આગેવાનોની પણ કંઈ પડી નથી. આગેવાનો-કાર્યકરોને છૂટા મૂકી દેવામાં આવે છે. એટલે જ તેમની પાર્ટીમાંથી લોકો ભાજપમાં જોડાય છે. આ સાથે કહ્યું કે, ભાજપ કાર્યકરોને સાચવે છે, હું ઘણું બધુ જોતો આવ્યો છું. તેમણે ઉમેર્યું કે, વાસ્તવિકતા તો એ છે કે દિલ્હી લેવલે કોંગ્રેસમાં કોઈ નેતા જ નથી રહ્યો.

    - Advertisement -

    કોણ છે કાંતિ સોઢા પરમાર?

    કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે તેઓ કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળો સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. આ સાથે તેઓ આણંદ APMC અને ખરીદ વેચાણ સઘમાં કાર્યરત રહ્યા હતા. હાલ તેઓ આણંદ જિલ્લામાં અમૂલ ડેરીના ડિરેકટર છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે. કોંગ્રેસને વધુ એક ફટકા સ્વરૂપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. ભાજપનો ખેસ પહેરીને અંતમાં તેમણે જણાવ્યું હતું કે, “પક્ષમાં જે જવાબદારી આપશે તે નિભાવીશ. પક્ષમાં વફાદાર રહીને કામ કરવાની બાંયધરી આપુ છું.” તેઓ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર પક્ષમાં જોડાયા છે તેમ પણ ઉમેર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં