Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાલિબિયામાં ભયંકર પૂરનો પ્રકોપ: આખેઆખું શહેર તબાહ થઈ ગયું, પાણીમાં વહ્યા મૃતદેહો,...

    લિબિયામાં ભયંકર પૂરનો પ્રકોપ: આખેઆખું શહેર તબાહ થઈ ગયું, પાણીમાં વહ્યા મૃતદેહો, 20 હજાર મોતની આશંકા

    પૂરની સૌથી વિનાશકારી અસર લિબિયાના ડર્ના શહેરમાં જોવા મળી છે. પૂરનું પાણી ડર્ના શહેરમાં ડેમ તોડીને અંદર ઘૂસી ગયું અને એક પછી એક બહુમાળી ઇમારતો ધરાશાયી થવા માંડી હતી. જેમાં હજારો પરિવારો ખુવાર થઈ ગયા.

    - Advertisement -

    ઉત્તર આફ્રિકાના દેશ લિબિયામાં પૂરને કારણે ભારે જાનહાનિ થઈ છે. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે દેશના 2 ડેમ તૂટી ગયા હતા. તેના પરિણામે આવેલા પૂરને કારણે લિબિયાનું ડર્ના શહેર તબાહ થઈ ગયું છે. આખું શહેર પૂરના પ્રકોપે નાશ પામ્યું છે. મૃતકોને સામૂહિક દફનાવવામાં આવી રહ્યા છે. મૃતદેહોના ઢગલા થઈ ગયા છે. સવા લાખની વસ્તી ધરાવતું ડર્ના શહેર સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે. ચારે બાજુ તૂટેલી ઇમારતો, કીચડ, વાહનોના ઢગલા જોવા મળી રહ્યા છે. આ હોનારતમાં 11 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે હજુ પણ 10 હજાર લોકો લાપતા છે.

    10 સપ્ટેમ્બર,2023ના રોજ લિબિયાના 2 ડેમ તૂટવાથી વિનાશકારી પૂરની સ્થિતિ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડાના કારણે ડેમ તૂટવાથી પૂર આવ્યું હતું. આ પૂરને લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પૂરની સૌથી વિનાશકારી અસર લિબિયાના ડર્ના શહેરમાં જોવા મળી છે. પૂરનું પાણી ડર્ના શહેરમાં ડેમ તોડીને અંદર ઘૂસી ગયું અને એક પછી એક બહુમાળી ઇમારતો ધરાશાયી થવા માંડી હતી. જેમાં હજારો પરિવારો ખુવાર થઈ ગયા. મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે તો બીજી તરફ હજુ પણ હજારો લોકો ગાયબ છે.

    એક અહેવાલમાં સરકારને કરાઈ હતી ટકોર

    લિબિયાના જે 2 ડેમ તૂટયા છે તે ઘણા જૂના હતા અને તેના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આ ઘટનાના એક વર્ષ પહેલાં જ એક અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં કહેવાયું હતું કે આ બંને ડેમને તાત્કાલિક સંભાળવાની જરૂર છે, નહીં તો ગમે તે દિવસે આ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાશે. બંને ડેમને યોગ્ય જાળવણીની જરૂર છે તેવી ટકોર કરવામાં આવી હતી અને કહેવાયું હતું કે જો આ તૂટશે તો ખીણમાં સ્થિત શહેર નાશ પામશે. રિપોર્ટમાં એ પણ કહેવાયું હતું કે ડેમમાં જમા થયેલો કચરો સાફ કરવો, જેથી તે યોગ્ય રીતે કામ કરી શકે. જો તેને સાફ કરવામાં નહીં આવે તો તે પરમાણુ બોમ્બથી ઓછા નથી.

    - Advertisement -

    લિબિયાના હાઇડ્રોલોજીસ્ટ અબ્દુલ વાનિસ અશૂરે જણાવ્યું હતું કે સૌને આ ડેમની હાલત વિશે જાણ હતી. પરંતુ કોઈ ધ્યાન આપી રહ્યું નહોતું. ન પ્રશાસન ધ્યાન આપી રહ્યું હતું કે ન તો સરકાર ધ્યાન આપી રહી હતી. લોકોને પણ ખ્યાલ હતો કે તેમની ઉપર મૃત્યુ તોળાઈ રહ્યું છે. જો પબ્લિક વોટર કમિશને ગયા વર્ષે પ્રકાશિત થયેલા અહેવાલ પર ધ્યાન આપ્યું હોત અને ડેમની સફાઇ કરાવી હોત તો કદાચ આ દ્રશ્ય જોવા ન મળત. હવે આ શહેરની લગભગ અડધી વસ્તી નાશ પામી છે અને હજુપણ મૃત્યુ પામેલા લોકોના આંકડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

    ડર્ના શહેરના મેયર અબ્દુલમેનમ અલ-ગૈથીએ કહ્યું હતું કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રોગચાળો ફેલાવવાની સંભાવનાઓ પણ વધી ગઈ છે. પાણીમાં મૃતદેહો સડી રહ્યા છે અને રસ્તાઓ પર પાણીની સાથે ગંદકી પણ વહી રહી છે. જેના કારણએ રોગચાળો ઊભો થઈ શકે છે. વિશ્વ હવામાન સંસ્થાએ જણાવ્યું હતું કે લિબિયામાં આટલા મૃત્યુને ટાળી શકાયા હોત. લિબિયા છેલ્લા એક દાયકાથી ગૃહયુદ્ધથી પીડિત છે અને દેશમાં બે અલગ-અલગ સરકારો દ્વારા શાસન ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે લિબિયામાં હવામાન વિભાગ સક્રિય નથી. જો દેશમાં હવામાન વિભાગ સક્રિય હોત તો કેટલીક આગાહીઓ થઈ શકી હોત અને લોકોને બચાવી શકાયા હોત.

    22 વર્ષીય અબ્દુલકાદર મોહમ્મદ અલફાકરીએ જણાવ્યું હતું કે જ્યારે પૂર આવ્યું ત્યારે તે ચોથા માળની છત પર દોડી ગયા હતા. અબ્દુલકાદરે તેમના પાડોશના લોકો અને ઇમારતોને પાણીમાં તણાઇ જતાં જોયા હતા. લોકો મોબાઈલની ટોર્ચ ઓન કરીને દયનીય રીતે મદદની માંગણી કરી રહ્યા હતા. કોઈને કઈ સમજાઈ રહ્યું નહોતું. રસ્તા પર પાર્ક કરેલા વાહનો ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર મૃતદેહો જ વહી રહ્યા હતા. લોકોના મૃતદેહો પાણી અને કાદવ સાથે તણાઈને અલગ-અલગ ઘરોમાં વહી રહ્યા હતા. તે એક ભયંકર દ્રશ્ય હતું.

    હાલની આ સ્થિતિને જોતાં લિબિયામાં પૂરના કારણે ભારે જાનહાનિ નોંધાઈ છે. 20 હજાર લોકોના મૃત્યુની આશંકા છે અને કહેવાય રહ્યું છે કે આંકડાઓમાં વધારો પણ થઈ શકે છે. મરનારા લોકોની સંખ્યાની સાથે ગુમ થયેલા લોકોની સંખ્યા પણ હજારોમાં છે. મૃતદેહોને દફનાવવા માટે ખાડા કરવા જેસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં