Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં સ્થપાશે વધુ પાંચ મેડિકલ કોલેજો : 500 બેઠકો ઉમેરાશે, સરકારે 2500...

    ગુજરાતમાં સ્થપાશે વધુ પાંચ મેડિકલ કોલેજો : 500 બેઠકો ઉમેરાશે, સરકારે 2500 કરોડનું બજેટ ફાળવ્યું

    ગુજરાત રાજ્યને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના હેતુથી આ પાંચ શહેરોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે.

    - Advertisement -

    આગામી સત્રથી ગુજરાતમાં નવી પાંચ મેડિકલ કોલેજો શરૂ થવા જઈ રહી છે. આ માટે સરકારે અઢી હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. યોજના અનુસાર, ગુજરાતના મોરબી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. જેના કારણે મેડિકલ શિક્ષણની બેઠકોમાં પણ વધારો થશે. 

    ગુજરાત રાજ્યને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના હેતુથી આ પાંચ શહેરોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે.  હાલ ગુજરાતમાં છ સરકારી મેડિકલ કોલેજો છે અને આઠ મેડિકલ કોલેજો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. જે મળીને કુલ 5700 બેઠકો થાય છે. હવે નવી મેડિકલ કોલેજો ઉમેરાતા વધુ પાંચસો બેઠકો ઉમેરાશે

    કુલ 2500 કરોડમાંથી મોરબીમાં 627 કરોડના ખર્ચે, પોરબંદરમાં 390 કરોડના ખર્ચે, ગોધરામાં 512 કરોડના ખર્ચે, નવસારીમાં 542 કરોડ અને રાજપીપળામાં 529 કરોડના ખર્ચે મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ દરેક કોલેજમાં 100 બેઠકો હશે. તેમજ તમામ કોલેજોનું સંચાલન GMERS હેઠળ કરવામાં આવશે.

    - Advertisement -

    ગાંધીનગર સ્થિત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર ડૉ આર દીક્ષિતે જણાવ્યું હતું કે, “સ્વાસ્થ્ય સેવાઓને વધુ બહેતર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ સ્થાપવાની હાકલ કરી છે. જે મુજબ, આગામી શૈક્ષણિક વર્ષથી પોરબંદર, મોરબી, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં પાંચ નવી કોલેજો ઉમેરાશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક કોલેજમાં 100 બેઠકો હશે, એમ કુલ 500 બેઠકો ઉમેરાશે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નવી કોલેજો ઉપરાંત સિવિલ હોસ્પિટલ, આસરવા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં તબદીલ કરવામાં આવશે, જે આરોગ્ય અને તબીબી શિક્ષણને વધુ મજબૂત બનાવશે. તદુપરાંત, સરકારના એક અધિકારીએ પણ રાજ્યમાં પાંચ કોલેજો સ્થપાવાના સમાચારને પુષ્ટિ આપી હતી અને ઉમેર્યું હતું કે સરકારે આ માટે બજેટની ફાળવણી પણ કરી દીધી છે.

    આ ઉપરાંત, આગામી સમયમાં ગુજરાતના બોટાદ, ખંભાળીયા, વેરાવળ, તાપી અને વ્યારામાં પણ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ માટે કામ શરૂ થઇ ગયું છે અને બ્લુપ્રિન્ટ પણ તૈયાર થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં આ કોલેજો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવશે.

    અન્ય એક અહેવાલ મુજબ આ મેડીકલ કોલેજને જે તે શહેરની સરકારી હોસ્પિટલ સાથે જોડી દેવામાં આવશે અને તેના કારણે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ સારવારમાં મળતી તબીબી સુવિધાઓમાં વધારો થશે. ઉપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપના કારણે જે વ્યાપક લાભ થાય છે તે પણ વધશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં