હરિયાણામાં રાજસ્થાન પોલીસ પર FIR દાખલ કરવામાં આવી છે. ગૌતસ્કરોની તથાકથિત હત્યાના આરોપમાં રાજસ્થાન પોલીસે કરેલા દમન બાદ ગૌરક્ષક શ્રીકાંતની માતા દુલારી દેવીએ આ ફરિયાદ નોંધાવી છે. રાજસ્થાન પોલીસ પર શ્રીકાંતની ગર્ભવતી પત્નીના પેટ પર લાત મારીને બાળકની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. તો બીજી તરફ ગૌરક્ષક મોનુ માનેસરના સમર્થનમાં આજે (21 ફેબ્રુઆરી 2023) એક મહાપંચાયત યોજવામાં આવી હતી. જેમાં હિંદુ સંગઠનોએ ઘટનાની CBI તપાસની પણ માંગ કરી હતી.
અહેવાલો અનુસાર હરિયાણામાં રાજસ્થાન પોલીસ પર FIR દાખલ કરી દેવામાં આવી છે, પરંતુ નવજાત બાળકના મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે. મૃત જન્મેલા આ બાળકના પોસ્ટમોર્ટમ માટે હરિયાણા પોલીસે 19 ફેબ્રુઆરીએ મરોડા ગામના સ્મશાનમાં દફનાવવામાં આવેલા બાળકની લાશને બહાર કાઢી હતી, જયારે ગૌરક્ષકની માતાએ 18 તારીખે જ રાજસ્થાન પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીકાંતની માતાએ નૂંહના નગીના પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી ફરિયાદ બાદ આજે FIR થઈ છે. તો બીજી તરફ ગઈકાલે (20 ફેબ્રુઆરી2023) શ્રીકાંતના મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દુલારી દેવીએ કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઘટ 17 તારીખે 30 થી 40 રાજસ્થાન પોલીસના કર્મીઓ બળજબરીથી તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને પરિવાર સાથે મારપીટ કરી હતી. તે દરમિયાન એક પોલીસકર્મીએ ગૌરક્ષક શ્રીકાંતની ગર્ભવતી પત્નીના પેટ પર લાત મારી હતી. જેના કારણે તેના ગર્ભમાં રહેલા શિશુનું મોત થયું હતું.
આ મામલે હરિયાણા પોલીસે 30 થી 40 રાજસ્થાન પોલીસના અજ્ઞાત કર્મીઓ વિરુદ્ધ IPCની કલમ 148,149, 452, 312 અને 354 અંતર્ગત FIR દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોનુ માનસરના સમર્થનમાં મહાપંચાયત, CBI તપાસની માંગ
તો બીજી તરફ આ તમામ ઘટનાના પડઘા રૂપે મંગળવારે (21 ફેબ્રુઆરી 2022) માનેસરના ભીષ્મ મંદિરમાં મહાપંચાયત યોજાઈ હતી, જેમાં જુનૈદ-નાસિર હત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે માનેસરને શક્ય તમામ મદદ કરવામાં આવે. ગુરુગ્રામના માનેસર ખાતે યોજાયેલી મહાપંચાયતના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે પણ માનેસરના ગ્રામીણ અને હિંદુ સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
માનેસરના ભીષ્મ મંદિરમાં આયોજિત મહાપંચાયતમાં ગૌરક્ષા અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય હિંદુ સંગઠનો સાથે સંકળાયેલા સેંકડો લોકોએ ભાગ લીધો હતો. મહાપંચાયતે રાજસ્થાન પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરને નકલી ગણાવી હતી અને મોનુ માનેસર અને શ્રીકાંત કૌશિકને નિર્દોષ ગણાવવામાં આવ્યા હતા.
મહાપંચાયત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે, મેવાતમાં માત્ર ગાયની તસ્કરી જ નહીં, ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ પણ સામાન્ય બની ગયા છે. દરમિયાન એક વક્તાએ કહ્યું હતું કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવા ગુનાઓ પર અંકુશ લાગ્યો છે. આનું કારણ મોનુ માનેસર અને તેની ટીમ છે.” આ સિવાય પણ અન્ય એક વક્તાએ કહ્યું હતું કે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓના કારણે જ આ વિસ્તારમાં હિંદુઓ સુરક્ષિત છે.