કર્ણાટકની કોંગ્રેસ સરકારના સહકારિતા મંત્રી શિવાનંદ પાટીલે ખેડૂતોને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે ખેડૂતો પર આરોપ લગાવતા કહ્યું છે કે, ખેડૂતો વારંવાર એવું ઈચ્છે છે કે દુષ્કાળ પડે અને લોન માફ થઈ જાય. જે બાદ કર્ણાટક ભાજપે સિદ્ધારમૈયાના મંત્રી શિવાનંદ પાટીલના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે કોંગ્રેસ સરકારના મંત્રીનું આવું નિવેદન અસંવેદનશીલ ગણાવ્યું છે. ભાજપે આ નિવેદનને ખેડૂતોનું અપમાન ગણાવ્યું છે અને શિવાનંદ પાટીલને મંત્રીપદ પરથી હટાવવાની માંગ કરી છે.
કર્ણાટકના ચિક્કોડીમાં એક કાર્યક્રમ દરમિયાન કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી શિવાનંદ પાટીલ ત્યાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે સંબોધન પણ કર્યું હતું. તેમણે ખેડૂતો પર આરોપ લગાવતા કહ્યું કે, “કૃષ્ણા નદીનું પાણી ફ્રી છે, વીજળી પણ ફ્રી છે. ઉત્તરી કર્ણાટકના ઘણા વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો છે, તેથી મુખ્યમંત્રી બિયારણ અને ખાતર પણ મફત આપે છે. હવે ખેડૂતો ઈચ્છે છે કે રાજ્યમાં વારંવાર દુષ્કાળ પડવો જોઈએ અને લોન માફ થઈ જવી જોઈએ. જે યોગ્ય રસ્તો નથી.” કોંગ્રેસ સરકારના મંત્રીનું આ નિવેદન વિવાદોમાં સપડાયું છે.
ರಾಜ್ಯದಲ್ಲಿ @siddaramaiah ಅವರ ಸಚಿವ ಸಂಪುಟದಲ್ಲಿ ಅಜ್ಞಾನಿಗಳು ಅವಿವೇಕಿಗಳೇ ತುಂಬಿದ್ದಾರೆ.
— BJP Karnataka (@BJP4Karnataka) December 25, 2023
ರೈತರು ಪರಿಹಾರದ ಹಣಕ್ಕಾಗಿ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆಂದು ನಾಲಿಗೆ ಹರಿಬಿಟ್ಟಿದ್ದ ಸಕ್ಕರೆ ಸಚಿವ ಶಿವಾನಂದ ಪಾಟೀಲ್ ಇದೀಗ ರೈತರು ಬರಗಾಲ ಬರಲಿ ಎಂದು ಕಾಯುತ್ತಿರುತ್ತಾರೆ ಎಂದಿದ್ದಾರೆ.
ಬರ ಬರಲಿ ಎಂದು ರೈತರು ಕಾಯ್ದು ಕೂತಿರಲಿಲ್ಲ,… pic.twitter.com/LGQkVJWROu
શિવાનંદ પાટીલે વધુમાં કહ્યું, “આબોહવાની પરિસ્થિતિના લીધે રાજ્યમાં દર 3-4 વર્ષમાં એકવાર દુષ્કાળ પડે છે. આ દરમિયાન સરકાર ખેડૂતોની મદદ માટે હાજર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “અગાઉના મુખ્યમંત્રીઓએ પણ આવા સમયમાં સહાય પૂરી પાડી હતી. યેદિયુરપ્પા હોય, એચડી કુમારસ્વામી હોય કે સિદ્ધારમૈયા હોય. દરેકે સંકટના સમયે મદદ કરવાની ઈચ્છા રાખી છે. પણ હવે એ સમજવાની જરૂર છે કે, સરકારો માટે ખેડૂતોને મદદ કરવી હંમેશા શક્ય નથી.”
‘અન્નદાતાનું અપમાન કરવું એ કોંગ્રેસની સંસ્કૃતિ’
કર્ણાટક ભાજપે પાટીલને તેમનું નિવેદન પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ ખેડૂતોની માફી માંગવા માટે પણ કહેવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે, “એવું લાગે છે કે, કોંગ્રેસે અન્નદાતાને અપમાનિત કરવા, તેમનું જીવન બગાડવું અને તેમને અપશબ્દો કહેવાને જ પોતાની સંસ્કૃતિ બનાવી લીધી છે. એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ મંત્રી પાટીલને ખેડૂતોનું અપમાન કરવાની જ જવાબદારી સોંપવામાં આવી છે.”
ભાજપ પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ રાજ્યની કોંગ્રેસ સરકારને અસંવેદનશીલ ગણાવી છે. તેમણે કહ્યું છે કે, આ એક એવી સરકાર છે જે જાડી ચામડીવાળા મંત્રીઓને પોષણ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, “હું કોંગ્રેસ મંત્રી પાટીલને જલ્દીથી માફી માંગવા માટેની માંગ કરું છું.”