ભારતીય અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે તે વાત હવે ભારત વિરોધી બોલનારા લોકો પણ સ્વીકારી રહ્યા છે. અમેરિકી પત્રકાર ફરીદ ઝકારિયાએ હાલમાં જ મોદી સરકારના નેતૃત્વમાં ઝડપથી આગળ વધી રહેલી ભારતીય અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી છે. ફરીદ ઝકારિયા ભારતીય મૂળના જ પત્રકાર છે. તેમણે સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અર્થવ્યવસ્થાના મુદ્દે સારું કામ કર્યું છે. જોકે, સાથે તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમોના પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે પરિસ્થિતિ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે.
ફરીદ ઝકારિયાએ જણાવ્યું હતું કે, “જો મોદી સરકારની સરખામણી યુપીએ સરકાર સાથે કરવામાં આવે તો વર્તમાન સરકારે અર્થતંત્રની દિશામાં વધુ સારું કામ કર્યું છે. જે રીતે પાછલી ભારતીય સરકાર અર્થતંત્રનું સંચાલન કરતી હતી, એ મુજબ મોદી સરકારે આ કામ વધુ સારી રીતે કર્યું છે.” પત્રકારે એવું પણ કહ્યું કે, ભારતમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે અને સરકાર આમતેમ ભટકી નથી ગઈ. આ કામ ખૂબ ક્ષમતા સાથે કરવામાં આવ્યું છે.
‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં મોદી સરકારે પ્રશંસનીય કાર્ય કર્યું’
પત્રકાર ફરીદ ઝકારિયા ભારત સરકાર વિશે કહે છે કે, “સરકારે બહાર બહુ સુધારા નથી કર્યા અને કેટલાક સુધારા અટકાવી પણ દેવાયા છે. ભારતમાં કૃષિ કાયદા, જમીન અને મજૂરી અંગે કંઈ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને ભાજપ આમાં સફળ થઈ શક્યું નથી. પરંતુ, તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે. મોદી સરકાર અને પાછલી સરકારના સરેરાશ વિકાસ વચ્ચે બહુ તફાવત નથી.”
Exclusive: "Modi's govt has done very good job on economy…they've managed things much better…less corruption… they have not done many reforms…." Analyst & columnist @FareedZakaria states #Newstrack @rahulkanwal
— IndiaToday (@IndiaToday) June 16, 2023
Full show: https://t.co/2Hjfr7CgVa pic.twitter.com/vveYFP3ole
‘નરેન્દ્ર મોદી પાસે ગુજરાતનો અનુભવ હતો, જેથી કેન્દ્રમાં સારું કામ થયું’
જોકે, આ દરમિયાન ફરીદ ઝકારિયાએ એવો પણ દાવો કર્યો હતો કે રાજીવ ગાંધીના સમયથી જ લિબરલાઈઝેશન તરફી વલણ અપનાવવાનું શરુ થયું અને ભારતનો વિકાસ વધવા લાગ્યો. ફરીદ ઝકારિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગુજરાતનો અનુભવ હતો, જેનો ઉપયોગ કરીને તેમણે કેન્દ્રમાં સારું કામ કર્યું. ભારતીય લોકશાહી વિશે વાત કરતા પત્રકાર ઝકારિયાએ કહ્યું કે, સત્તારૂઢ ગઠબંધનમાં એક પણ મુસ્લિમ નેતા નથી, જ્યારે દેશમાં મુસ્લિમોની વસ્તી 20 કરોડથી પણ વધુ છે.