લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. તાજેતરના કેટલાક દિવસોમાં જ વિપક્ષોના અઢળક નેતાઓએ રાજીનામાં આપીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજીનામાંનો દોર પણ વધી રહ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે જાણવા મળી રહ્યું છે કે, જામનગરના AAP પ્રમુખ કરશન કરમુર સહિત 17 હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીને ‘રામ રામ’ કહી દીધું છે. એકસાથે 17 રાજીનામાં પડતાં રાજકારણ પણ ગરમાયું છે. કરમુરે રાજીનામાં અંગે કહ્યું છે કે, AAPનું (આમ આદમી પાર્ટીનું) કેન્દ્રીય નેતૃત્વ કમિટમેન્ટ પૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે.
મંગળવારે (2 એપ્રિલ, 2024) મોડી રાત્રે જામનગરના AAP પ્રમુખ કરશન કુરમુરે સહિત 17 હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. કરશન કરમુરેની સાથે ઉપપ્રમુખ આશિષ સોજિત્રા અને આશિષ કટારીયાએ પણ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત AAP નેતા અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામાં સાથે કહેવાયું છે કે, હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવેલા વાયદા પૂર્ણ ન થતાં રાજીનામું આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓએ ગુજરાત AAP પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને સામૂહિક રાજીનામું આપ્યું છે. આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, આ તમામ નેતાઓ ભાજપમાં જોડાશે.
રાજીનામાં આપનાર નેતાઓમાં જામનગર AAPના પ્રમુખ કરશનભાઈ પરબતભાઈ કરમુર, AAPના શહેર મહામંત્રી આશિષ કંટરીયા, ઉપપ્રમુખ આશિષ સોજિત્રા, ઉપપ્રમુખ અશ્વિન પ્રજાપતિ, જયંતીભાઈ સાવલિયા, પ્રભાતસિંહ જાડેજા, મયુરભાઈ પેડીયા, હિનાબેન પંડયા, રેખાબેન પંડયા, સંગઠન મંત્રી સાગર સોમૈયા, સૂરુભા સોલંકી, મહિલા મોરચા ઉપપ્રમુખ નિર્મલાબેન મકવાણા, સાવન ચોટાઈ, રાશિક ગોહિલ, મિતેન કાનાણી, રાજુભાઈ અને શહેર મહિલા મોરચા પ્રમુખ નીરમલાબેન મકવાણાનો સમાવેશ થાય છે. રાજીનામાં પત્ર સાથે લખવામાં આવ્યું છે કે, “અમો ઉપર સહી કરનાર, જામનગર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીએ છીએ.”
આ સાથે કારણ લખવામાં આવ્યું છે કે, “ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કરશનભાઈ કરમુરને ઉમેદવારી કરાવી હતી અને પાર્ટી તથા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક દ્વારા કરશનભાઈને અનેક કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા. જે અમારી વારંવાર રજૂઆત છતાં પાર્ટી તરફથી પૂર્ણ કરવામાં આવ્યા નથી. તેથી ઉપરોક્ત તમામ હોદ્દેદારોનું રાજીનામું સ્વીકારવા વિનંતી.”
#WATCH | Jamnagar: AAP leader Karshan Karmur who resigned from the party says, "I had joined the party three years ago and everyone was running the party together. When there were assembly elections, the party had made a commitment with me that we would do these things, but they… pic.twitter.com/DVaV0XIJyK
— ANI (@ANI) April 3, 2024
આ ઉપરાંત કરશન કરમુરે રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, “મે ત્રણ વર્ષ પહેલાં પાર્ટી જોઈન કરી હતી અને બધા સાથે મળીને પાર્ટી ચલાવી રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે પાર્ટીએ મારી સાથે ઘણા કમિટમેન્ટ કર્યા હતા. તે કમિટમેન્ટ હજુ સુધી પૂર્ણ કર્યા નહીં. એટલા માટે મે રાજીનામું આપી દીધું અને મારી સાથે મારી પાર્ટીના જેટલા જવાબદાર લોકો હતા તેમણે પણ રાજીનામું આપી દીધું છે.”