Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂર્વ PAAS નેતાઓમાં કહી ખુશી કહી ગમ: હાર્દિક પટેલ આજે રંગેચંગે ભાજપમાં...

    પૂર્વ PAAS નેતાઓમાં કહી ખુશી કહી ગમ: હાર્દિક પટેલ આજે રંગેચંગે ભાજપમાં જોડાયા, તો બીજી બાજુ NCP નેતા રેશ્મા પટેલ પોક મૂકીને રડતાં જોવા મળ્યા

    PAASના કાર્યકર્તાઓ એક પછી એક જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં જોડાઈ ગયા છે એમાં પણ PAASનો ચહેરો હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાતાં તેના પૂર્વ સાથી રેશમા પટેલ એક લાઈવ ટીવી કાર્યક્રમમાં રડી પડ્યા હતાં.

    - Advertisement -

    આજે જ્યારે હાર્દિક પટેલ કોબા ખાતેના ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે ગઇકાલે એક સમાચાર ચેનલા પર આ વિષયમાં વાત કરતી વખતે હાર્દિકના એક વખતના સાથી રેશ્મા પટેલના આંસુ નીકળી પડેલ જોવા મળ્યા હતા.

    ગઈ કાલે ગુજરાતી ન્યૂઝચેનલ VTVના એક લાઈવ કાર્યક્રમમાં હાર્દિકના ભાજપમાં જોડાવાની વાત પર પોતાની પ્રતિક્રિયા આપતા NCP નેતા રેશ્મા પટેલ પોક મૂકીને રડી પડ્યા હતા. રેશમા પટેલે રડતાં રડતાં કહ્યું હતું કે “હાર્દિકભાઈ પોતે વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજ સાથે અન્યાય કર્યો છે. તે ખરાબ પોલિટીક્સ કરી રહ્યા છે. તેણે સાચા આંદોલનને ખોટા રસ્તે લઈ જઈને સમાજ સાથે ખોટું કર્યું છે. અમે ઘણી વખત તેને ખુલ્લો પાડવાની ટ્રાય કરી પણ અમે નાના પડતાં હતા. તેને કોંગ્રેસમાં સ્વાર્થ લાગ્યો તો ત્યાં જોડાયા પણ ત્યાં પણ સ્વાર્થ ન પૂરો થયો તો જે થાળીમાં ખાધું તેમાં જ થૂંકી દીધું.”

    હાર્દિકે પોતાને 14 મૃત પાટીદાર યુવાનો વિષે પ્રશ્ન પૂછાતાં જવાબ માં કહ્યું હતું કે, “હું થોડી તેમણે સળગાવવા ગયો હતો.” જેના પર ટિપ્પણી કરતાં રેશ્માએ કહ્યું હતું કે હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે વધુમાં કહ્યું હતું કે “હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે હાર્દિક શું કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.” રેશ્મા પટેલે હાર્દિક પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તે સિંહ નહીં પણ એક ખિસકોલી છે.

    - Advertisement -

    રેશ્મા પટેલે સ્વીકાર્યું કે પાટીદાર આંદોલનના બધા નેતાઓ ફેલ છે

    રેશ્મા પટેલે કહ્યું હતું કે “મૃતકોના પરિવારજનોને અમે ફોન પણ નથી કરી શકતા. તેઓને પૈસા આપવાથી કશું નહીં થાય. અમે ફોન પર વાત નથી કરી શકતા કારણ કે તેઓ સમજે છે કે અમારા કારણે તેમના દીકરાઓ શહીદ થયા.”

    તેમણે વધુમાં કહ્યું હતું કે “હું સ્વીકારું છું, પાટીદાર આંદોલનના અમે બધા જ ફેલ છીએ, શહીદના પરિવારને ફોન કરીને પણ શું કરીએ? અમે આગેવાની લઈને નીકળ્યા હતા પણ હવે સમાજ સાથે અન્યાય થયો છે અને એ ભાજપે કર્યો છે. ભાજપે આગેવાનોની હાજરીમાં આપેલ વચનો પૂરા કર્યા નથી.”

    રેશ્મા પટેલના આંસુ પર નેટિઝન્સની પ્રતિક્રિયાઓ

    આ સમગ્ર ઘટનાક્રમ પ્રા નેટિઝન્સે પણ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. રેશ્મા પટેલના આંસુ પરની પ્રતિક્રિયાઓમાં એક વાત ઉડીને આંખે વળગી રહી હતી કે હવે ગુજરાતીઓ આ આંદોલનજીવીઓ પર કોઈ પ્રકારનો વિશ્વાસ નથી કરી રહ્યા.

    ટ્વિટર પર @patel___ નામના એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “નાટકમાં પહેલો નંબર આવે. અત્યાર સુધી તો યાદ આવ્યાં ન હતા અચાનક કેમ આંસુ આવી ગયા.. બધા કાંચિડા ભર્યા છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર @mital2911 એ ટ્વિટ કરીને લખ્યું હતું કે, “આ બેન ભાજપ માં હતા 2017 માં ટિકિટ ના મળી એટલે કોંગ્રેસ બાજુ ગયા ત્યાં કોઈ ભાવ ના પૂછ્યો એટલે હવે NCP મા છે ને હાર્દિક ભાજપમાં આયો એટલે નાટક કરે છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર અલ્કેશ પટેલે કહ્યું, “#પાટીદાર આંદોલનમાં શહીદ થયેલ 14 પાટીદાર યુવાનોના પરિવારને નોકરી આપવાની અને આંદોલન સમયે પાટીદારો પર થયેલા બાકી મોટાભાગના કેસો પાછા ખેંચી લેવાની ડીલ થયા બાદ #HardikPatel નો #BJP માં પ્રવેશ.”

    અહિયાં નોંધનીય છે કે 2015માં થયેલ પાટીદાર અનામત આંદોલન વખતે બનેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના એક સમયના સાથી એવા હાર્દિક પટેલ અને રેશ્મા પટેલની સ્થિતિ આજે એકદમ વિરોધાભાસી દેખાઈ રહી છે. રેશ્મા પટેલ એ સૌ પહેલા નેતાઓમાંથી હતા જેમણે PAAS છોડીને ભાજપમાં જોડવાનું પસંદ કર્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપ પણ છોડી દીધું હતું ને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા અને NCP તરફથી 2019ના માણાવદર વિધાનસભા બેઠક લડીને હાર્યા હતા. હાલ તેઓ NCPમાં પ્રદેશ મહિલા પ્રમુખનું દાયિત્વ નિભાવી રહ્યા છે. બીજી બાજુ PAAS છોડીને હાર્દિક પટેલ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં તેઓ ગુજરાતનાં કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી છોડીને આજે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે. તો શું હવે ભાજપમાં પોતાને જે ન મળ્યું એ હાર્દિકને મળશે એ વિચારીને રેશ્મા પટેલના આંસુ નીકળ્યા હશે એ પણ વિચાર કરવાનો વિષય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં