ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) નું મિશન ચંદ્રયાન-3 શુક્રવાર (14 જુલાઈ, 2023)ના રોજ એટલે કે આજે બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવનાર છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ ગુરુવારે (13 જુલાઈ) આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ચંદ્રયાન-3ના નાના મોડલ સાથે પ્રક્ષેપણ પહેલા ભગવાનને પ્રાર્થના કરી હતી. પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને ગેમ ચેન્જર ગણાવ્યું છે.
એટલું જ નહીં ભારતના આ મિશનથી અમેરિકાને પણ ઘણી આશાઓ છે. અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું કે તેમનો દેશ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણની રાહ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. નોંધનીય છે આ સિદ્ધિ અત્યાર સુધી અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘે(USSR) હાંસલ કરી છે.
શું કહ્યું નંબી નારાયણે?
ISRO ના પુર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે કહ્યું, “ચંદ્રયાન-3 ચોક્કસપણે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે અને મને આશા છે કે તે સફળ થશે. ભારત સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બનશે. ચાલો લોન્ચની રાહ જોઈએ અને સફળ પરીક્ષણ માટે પ્રાર્થના કરીએ…”
VIDEO | "We are ensuring that problems that occurred in Chandrayaan-2 do not repeat with Chandrayaan-3," says former ISRO scientist Nambi Narayanan Chandrayaan-3, which is scheduled to be launched on July 14. pic.twitter.com/y5TDJB3td9
— Press Trust of India (@PTI_News) July 13, 2023
આ મિશન અંગે ઈસરોના પુર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણે કહ્યું કે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગની સાથે ભારત આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ચોથો દેશ બનશે. જેનાથી દેશમાં અવકાશ વિજ્ઞાનના વિકાસની સંભાવનાઓ વધશે. તેમણે કહ્યું કે આનાથી ભારતને વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં તેનો હિસ્સો વધારવામાં પણ મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં 600 અબજ ડોલરના વૈશ્વિક અંતરિક્ષ ઉદ્યોગમાં ભારતનો હિસ્સો માત્ર બે ટકા છે. ભારત જે ઝડપે આ ક્ષેત્રમાં પોતાના પગ મજબૂતીથી ફેલાવી રહ્યું છે, તેનાથી ભારતનો હિસ્સો વધવાની અપેક્ષા છે. નારાયણે કહ્યું કે ભારત હવે ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસમાં ખાનગી ભાગીદારીને આમંત્રિત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ખાનગી જુથોના પ્રવેશ સાથે પ્રાઈવેટ કંપનીઓ અને વધુ સ્ટાર્ટઅપ્સની ભાગીદારીનો અવકાશ વધશે. “ઘણી વિદેશી કંપનીઓ પણ તેમના સ્ટાર્ટઅપ્સ સાથે અહીં આવી શકે છે અથવા હાલના સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ કરી શકે છે.” તેઓએ ઉમેર્યું.
નારાયણે કહ્યું કે દેશના અસ્તિત્વ માટે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી જરૂરી છે. ISRO ની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ISRO તેના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે ઓછામાં ઓછી રકમનો ઉપયોગ કરવા માટે જાણીતું છે. અન્ય દેશોની સરખામણીએ આવા અભિયાનો માટે આપણો ખર્ચ ઘણો ઓછો છે. આ ચંદ્રયાન-3 માટે કુલ ₹ 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે ખુબ ઓછો કહી શકાય.
ચંદ્રયાન-3ની સફળતાને પ્રત્યક્ષ રીતે ભારતના અર્થતંત્ર સાથે જોડતા નંબી નારાયણે કહ્યું કે મિશનની સફળતા એ વિજ્ઞાનની સાથે-સાથે અર્થવ્યવસ્થાને પણ મોટું પ્રોત્સાહન આપશે. ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરવામાં સફળ રહ્યું, પરંતુ કેટલાક કારણોસર તેનું સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ ગયું. તેમણે કહ્યું કે ચાર વર્ષથી તેના દરેક પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેના સોફ્ટ લેન્ડિંગની અપેક્ષા છે.