લોકસભા ચૂંટણીના પરિણામોમાં આ વખતે પણ ભાજપે દિલ્હીની તમામ લોકસભા બેઠકો પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટી અને ખાસ કરીને રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલ માટે આ મોટો ફટકો છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં રહેલા અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને આવા પરિણામની અપેક્ષા નહોતી. હવે આમ આદમી પાર્ટીમાં હલચલ જોવા મળી રહી છે અને સીએમની ગેરહાજરીમાં સરકારના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને સીએમના ઘરે બોલાવવામાં આવ્યા છે. આ બેઠક આજે સાંજે 5 કલાકે મળવાની છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીના નેતાઓની આ પહેલી બેઠક છે, પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ 5 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેસવાના છે. આ બેઠક શા માટે બોલાવવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ બેઠકમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર રહેશે.
માનવામાં આવે છે કે સુનીતા કેજરીવાલે આ બેઠક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં મળ્યા બાદ બોલાવી છે. અહીં તે મંત્રીઓ અને ધારાસભ્યોને મુખ્યમંત્રીની માર્ગદર્શિકા રજૂ કરી શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં દિલ્હીના નવા CM કોણ બનશે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
દિલ્હી-પંજાબમાં AAPનું પ્રદર્શન ખુબ ખરાબ
લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન અપેક્ષા કરતા ખરાબ રહ્યું છે. પાર્ટી દિલ્હીની 4 લોકસભા સીટો પર હારી ગઈ અને તેના સહયોગી કોંગ્રેસને પણ 3 સીટો પર હારનો સામનો કરવો પડ્યો.
પંજાબમાં સત્તામાં હોવા છતાં, પાર્ટીને 13માંથી માત્ર 3 બેઠકો મળી શકી, અહીં AAPને આશા હતી કે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના સારી રીતે ચૂંટણી લડી શકશે. આજે યોજાનારી બેઠકમાં આમ આદમી પાર્ટી ચૂંટણીની સમીક્ષા પણ કરી શકે છે.