Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્વિટર ડીલ ફરી ચર્ચામાં: કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘરભેગા કરી દેવાની ઈલોન...

    ટ્વિટર ડીલ ફરી ચર્ચામાં: કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘરભેગા કરી દેવાની ઈલોન મસ્કની યોજના, કંપનીએ મૌન સેવ્યું

    મસ્કે કંપની ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો તે પહેલાં પણ ટ્વિટરમાંથી ચોથા ભાગના કર્મચારીઓને છૂટા કરવાની યોજના બની રહી હોવાનો અહેવાલોમાં દાવો.

    - Advertisement -

    અબજોપતિ ઈલોન મસ્ક અને તેમની ટ્વિટર ડીલ સતત ચર્ચામાં રહે છે. હવે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈલોન કંપનીમાંથી 75 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહ્યા છે. આ વાત ઈલોન મસ્કે સોદાના સંભવિત રોકાણકારોને જણાવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. 

    રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં ટ્વિટરમાંથી મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, એમ પણ જણાવવામાં આવ્યું છે કે મસ્ક ટ્વિટર ખરીદે કે ન ખરીદે, પરંતુ ટ્વિટરમાંથી આવનાર સમયમાં મોટાભાગના કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. એનું કારણ એ છે કે મસ્કે કંપની ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો તે પહેલાં પણ ટ્વિટરમાંથી ચોથા ભાગના કર્મચારીઓને છૂટા કરવાની વાતો ચાલી રહી હતી, જેથી પગારના 800 મિલિયન ડોલર બચાવી શકાય. 

    જોકે, ઈલોન મસ્ક ટ્વિટરના 75 ટકા કર્મચારીઓને છૂટા કટવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો બાદ કંપનીના હ્યુમન રિસોર્સ સ્ટાફે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ પ્રકારની કોઈ યોજના બનાવી રહ્યા નથી. પરંતુ વોશિંગટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, ડોક્યુમેન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે કર્મચારીઓ ઓછા કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઘટાડવા માટે મસ્કના પ્રસ્તાવ પહેલાંથી જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ વિશે કંપનીએ કોઈ અધિકારીક પ્રતિક્રિયા આપી નથી. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે ચાલુ વર્ષે 13 એપ્રિલના રોજ પ્રખ્યાત સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ખરીદવાનું એલાન કર્યું હતું. તેમણે કંપનીને 54.2 ડૉલર પ્રતિ શૅરના ડરે 44 અબજ ડોલરમાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ડીલને ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વાર મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. 

    જોકે, સ્પામ અને ફેક અકાઉન્ટના કારણે ઈલોન મસ્કે ડીલ સ્થગિત કરી દીધી હતી. બીજી તરફ, ટ્વિટરે મસ્કના દાવા નકારી કાઢીને કહ્યું હતું કે તેમના પ્લેટફોર્મ ઉપર માત્ર પાંચ ટકા જ સ્પેમ અકાઉન્ટ છે. ત્યારબાદ મસ્કે 8 જુલાઈના રોજ ડીલ તોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તેમણે ફરી ડીલમાં રસ દાખવ્યો અને પૂરી કરવા માટે તૈયાર થયા હતા. 

    દરમ્યાન, ટ્વિટરે સોદાને લઈને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ કોર્ટમાં સુનાવણી આગળ વધે તે પહેલાં જ મસ્કે નવેસરથી ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સોશિયલ મીડિયા કંપનીએ સ્વીકારી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં