પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં સતત મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે. અનાજ અને લોટની અછતના કારણે ત્યાં લોકોમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે અને પડાપડી કરી રહ્યા છે. મોઘવારી સાતમા આસમાન પર છે. હવે પડ્યા પર પાટું પડ્યું હોય તેમ સમાચાર આવ્યા છે કે, પાકિસ્તાનમાં ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ છે.
મળતી માહિતી મુજબ આજે સોમવારે સવારથી જ પાકિસ્તાનનો એક મોટો હિસ્સો અંધારામાં ગરકાવ થઇ ગયો હતો. તેમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલતાન ક્ષેત્રના શહેરો અને કરાચી જેવા અનેક જિલ્લાઓ સહિત બલૂચિસ્તાનના 22 જિલ્લાઓમાં પાવર કટ થઈ ગયો છે. લાહોરમાં મોલ રોડ, કેનાલ રોડ અને અન્ય વિસ્તારોમાં લોકો પાવર કટના સંકટનો સામનો કરી રહ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રાન્સમિશન લાઈનમાં ટેક્નિકલ ખામીને કારણે સિંધ, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને રાજધાનીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
પાકિસ્તાનમાં વીજળી સંકટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેના કારણે સરકારે મોલમાં વીજળી ઓછી વાપરવા માટે પણ અપીલ કરી છે. તમામ મોલને રાત્રે 8:00 વાગે જ બંધ કરી દેવા માટે આદેશ કર્યો હતો.
પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને દાવો કર્યો છે કે આજે સવારે 7:30 વાગ્યે જ્યારે દેશના દક્ષિણ ભાગમાં જામશોરો અને દાદુ વચ્ચે એક પછી એક તમામ પાવર જનરેટીંગ યુનિટ શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે ફ્રીક્વન્સીમાં મોટા પ્રમાણમાં તફાવત જોવા મળ્યો હતો. જેના કારણે વોલ્ટેજમાં વધઘટ હતી અને તેની વધતી અસરને કારણે એક પછી એક વીજ ઉત્પાદન એકમો બંધ થઈ ગયા હતા. આ કોઈ મોટી કટોકટી નથી. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. ખાને દાવો કર્યો હતો કે કેટલાક ગ્રીડ સ્ટેશનો પર વીજ પુરવઠો પહેલાથી જ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે પાવરને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં 12 કલાકનો સમય લાગશે.
હંમેશા પ્રજા માટે નહીં પરંતુ આંતકવાદને પોષતું પાકિસ્તાન આજે તેની ખોટી નીતિઓના કારણે ચારેય બાજુથી ઘેરાઈ ગયું છે. પાકિસ્તાનનું નેતૃત્વ પણ લાચારી અનુભવી રહ્યું છે અને વૈશ્વિક સંગઠનો અને દેશો પાસે ભીખ માંગી રહ્યું છે. ત્યારે હવે પાકિસ્તાનમાં વીજળી ડૂલ થઇ જતાં વધુ સમસ્યા સર્જાઈ છે.