લોકસભા ચૂંટણી 2024ની તારીખ શનિવારે (16 માર્ચ) જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે આ જાણકારી આપી છે. કમિશન એક પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકસભા અને અમુક વિધાનસભા ચૂંટણીઓની તારીખોનું એલાન કરશે.
Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024
ચૂંટણી પંચે જણાવ્યું કે, 2024ની સામાન્ય ચૂંટણીઓ અને અમુક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની તારીખ 16 માર્ચ, શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કૉન્ફરન્સ દ્વારા જાહેર કરવામાં આવશે, જેનું લાઇવ પ્રસારણ ECIનાં તમામ સોશિયલ મીડિયા માધ્યમો પર થશે.
લોકસભા ચૂંટણી વિવિધ તબક્કાઓમાં યોજાઈ શકે છે. પહેલો તબક્કો એપ્રિલમાં જ્યારે અંતિમ તબક્કો મેમાં હોય શકે. જુદાં-જુદાં રાજ્યોમાં જુદા-જુદા સમયે ચૂંટણી યોજાશે. જે તમામ વિગતો ચૂંટણી પંચ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા જાહેર કરશે. ઘણા દિવસથી લોકસભા ચૂંટણીની તારીખની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે હવે ચૂંટણી પંચે અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.
નોંધવું જોઈએ કે 2019માં 10 માર્ચે ચૂંટણી જાહેર થઈ હતી. તે સમયે ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ હતું. 7 તબક્કાના મતદાન બાદ 23 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. 30 મેના રોજ પીએમ મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.
એક તરફ ચૂંટણીની તારીખોની રાહ જોવામાં આવી રહી હતી ત્યાં બીજી તરફ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરવાના પણ શરૂ કરી દીધા છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ 2 માર્ચના રોજ પહેલી યાદી બહાર પાડીને એકસાથે 195 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા. તાજેતરમાં બીજી યાદી આવી, જેમાં 72 નામો જાહેર કરવામાં આવ્યાં. બાકીનાં નામો પણ હવે તબક્કાવાર જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ પણ 2 યાદી જાહેર કરીને બેઠી છે. તૃણમૂલ કોંગ્રેસે બંગાળની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.