મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે વિધાનસભા ગૃહમાં સ્પીકરની ચૂંટણી જીત્યા બાદ આજે બહુમત પણ સાબિત કરી દીધો હતો. સરકારના પક્ષમાં 164 મતો પડ્યા જ્યારે વિરુદ્ધમાં માત્ર 99 મત પડ્યા હતા. સરકારે વિશ્વાસ મત મેળવ્યા પછી એકનાથ શિંદેએ ગૃહમાં સભ્યોને સંબોધિત કર્યા હતા. દરમ્યાન, તેમના સ્વર્ગસ્થ સંતાનોને યાદ કરતાં એકનાથ શિંદે ભાવુક થઇ ગયા હતા.
મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ શિવસેના સાથે વિદ્રોહ કર્યા બાદ પોતાના પરિવાર પર જોખમની વાત કરતાં સંતાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમનાં મૃત્યુ થઇ ગયાં હતાં. તેમણે યાદ કરતા કહ્યું કે, જેવી રીતે તેમનાં સંતાનોનાં સતારામાં ડૂબવાથી મોત થઇ ગયાં હતા અને તેઓ સાર્વજનિક જીવનથી અળગા થઇ ગયા હતા. પરંતુ પછી તેમણે ફરીથી શિવસેના માટે કામ કરવાનું શરૂ કર્યું અને સંગઠન માટે કામ કર્યું હતું.
#WATCH | Maharashtra CM Eknath Shinde breaks down as he remembers his family in the Assembly, "While I was working as a Shiv Sena Corporator in Thane, I lost 2 of my children & thought everything is over…I was broken but Anand Dighe Sahab convinced me to continue in politics." pic.twitter.com/IVxNl16HOW
— ANI (@ANI) July 4, 2022
ગૃહમાં એકનાથ શિંદેએ કહ્યું, “જ્યારે હું થાણેમાં શિવસેના કાઉન્સિલર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે મેં મારાં બે સંતાનો ખોઈ દીધાં હતાં. ત્યારે વિચાર્યું હતું કે બધું જ ખતમ થઇ ગયું છે…હું ભાંગી પડ્યો હતો. પરંતુ આનંદ દીધે સાહેબે મને રાજકારણમાં ટકી રહેવા માટે બળ આપ્યું હતું.” એકનાથ શિંદે પોતાના બાળપણના કપરા દિવસો, ખાવાપીવામાં પડેલી મુશ્કેલીઓ, મોટા થયા બાદ પરિવાર સબંધિત સમસ્યાઓ અને બાળકોને અકસ્માતમાં ગુમાવી દેવાની વાતો યાદ કરીને ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખો ભરાઈ આવી હતી.
બાળાસાહેબનું સ્વપ્ન પૂરું થયું, તમામ 50 ધારાસભ્યોનો આભાર
એકનાથ શિંદેએ ગૃહમાં ભાષણ કરતાં કહ્યું હતું કે, શિવસેનાની ભાજપ સરકારનું બાળાસાહેબનું સપનું પૂરું થઇ ગયું છે. છેલ્લા 20 દિવસોથી તમામ 50 ધારાસભ્યોએ મારી ઉપર અને મારા નિર્ણય પર વિશ્વાસ કર્યો. હું એ તમામનો આભાર માનું છું. મને હજુ પણ વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભાષણ કરી રહ્યો છું. આ ઘટના ઐતિહાસિક છે.
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે, મિશન પર નીકળવાના એક દિવસ પહેલાં તેઓ પરેશાન હતા અને વિધાન પરિષદની ચૂંટણીમાં પણ તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, બાળાસાહેબની શિખામણે મને લડવાની હિંમત આપી. મને 50 ધારાસભ્યો પર ગર્વ છે જેમણે મારુ સમર્થન કર્યું. એ બધાએ મારી સાથે કેવો વ્યવહાર થયો હતો તે જોયું હતું.
શિંદેના ઘરે પથ્થર ફેંકે તેવો કોઈ પેદા નથી થયો
આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, એક તબક્કે તેમણે (ઉદ્ધવ ઠાકરેએ) લોકોને ચર્ચા કરવા માટે મોકલ્યા અને બીજી તરફ તેમણે મને ગૃહના નેતાના પદ પરથી હટાવી દીધો. તેમણે મારા ઘર પર હુમલો કરવાનો પણ આદેશ આપ્યો, પણ એક વાત કહીશ કે એકનાથ શિંદેના ઘરે પથ્થર ફેંકે તેવો કોઈ પેદા નથી થયો. મેં છેલ્લા 35 વર્ષથી શિવસેના માટે દિવસ-રાત કામ કર્યું છે.