આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને સોમવારે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, EDના લોકો તેમની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. હાલ પણ અમાનતુલ્લાહના ઘરે EDની ટીમ હાજર હોવાનું પણ કહેવાયું છે. ઉપરાંત તેમના ઘરની બહાર ભારે માત્રામાં પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે. આ અંગેની જાણકારી અમાનતુલ્લાહ ખાને પોતે આપી છે. જોકે, મીડિયા અને એજન્સીના હવાલેથી હજુ સુધી ધરપકડની વાત સામે આવી નથી. પરંતુ AAP ધારાસભ્યે આ અંગેનો દાવો કર્યો છે.
સોમવારે (2 સપ્ટેમ્બર) વહેલી સવારે દિલ્હીના ઓખલાથી AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે EDએ દરોડા પાડ્યા હોવાનું કહેવાય રહ્યું છે. અમાનતુલ્લાહનો દાવો છે કે, EDના લોકો તેમની ધરપકડ કરવા માટે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો પણ પોસ્ટ કર્યો છે. તે વિડીયોમાં AAP ધારાસભ્ય અને એજન્સીના અધિકારીઓ વચ્ચેની વાતચીત પણ સાંભળી શકાય છે. વિડીયોમાં અમાનતુલ્લાહ ખાન કહી રહ્યા છે કે, “મેં તમારી પાસે ચાર દિવસનો સમય માંગ્યો હતો. મારી સાસુનું હમણાં જ ત્રણ દિવસ પહેલાં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તમે મારી ધરપકડ કરવા માટે આવી ગયા.”
ED की तानाशाही! pic.twitter.com/JgJgreIPfR
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) September 2, 2024
અધિકારી તેમને કહેતા સાંભળી શકાય છે કે, “તમે કેવી રીતે માની લીધું કે, અમે તમારી ધરપકડ કરવા માટે આવ્યા છીએ?” તેના પર ખાને કહ્યું કે, “જો તમે ધરપકડ કરવા નથી આવ્યા તો શા માટે આવ્યા છો?” અમાનતુલ્લાહ ખાનની પત્નીએ કહ્યું, “તમે ત્રણ રૂમના ઘરમાં શું શોધી રહ્યા છો? મારી માતાને કેન્સર છે. તેણે ઓપરેશન કરાવ્યું છે. જો મારી માતાને કંઈ થશે તો હું તમને કોર્ટમાં લઈ જઈશ.”
આ દરમિયાન AAP ધારાસભ્ય કહેતા રહ્યા હતા કે, “મારી પાસે શું છે કે, તમે લોકો સર્ચ માટે આવ્યા છો?” પોતાના એકાઉન્ટ પર વિડીયો શૅર કરતા તેમણે કહ્યું કે, “સવારના 7 વાગ્યા છે અને EDના લોકો મારી ધરપકડ કરવા માટે સર્ચ વોરંટના નામે મારા ઘરે આવ્યા છે, મારી સાસુ કેન્સરથી પીડિત છે, માત્ર ચાર દિવસ પહેલાં તેમનું ઓપરેશન થયું છે, તેઓ પણ મારા ઘરે છે અને મેં આ લોકોને લખ્યું પણ હતું. મેં તેમને આપવામાં આવેલી દરેક નોટિસનો જવાબ આપ્યો છે, સર્ચ વોરંટના નામે, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મારી ધરપકડ કરવાનો અને અમારું કામ રોકવાનો છે.”
अभी सुबह-सुबह तानाशाह के इशारे पर उनकी कटपुतली ED मेरे घर पर पहुँच चुकी है, मुझे और AAP नेताओं को परेशान करने में तानाशाह कोई कसर नहीं छोड़ रहा।
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) September 2, 2024
ईमानदारी से अवाम की ख़िदमत करना गुनाह है?
आख़िर ये तानाशाही कब तक?#EDRaid #Okhla pic.twitter.com/iR2YN7Z9NL
આ ઉપરાંત અમાનતુલ્લાહ ખાને મોદી સરકાર અને ED, CBI જેવી એજન્સીઓ પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, એજન્સીના લોકો આખી આમ આદમી પાર્ટીને હેરાન કરી રહ્યા છે. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, જુઠ્ઠા કેસ લગાવીને નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનને ટાંકીને ED પર આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે, તેમના ઘરની બહારનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં બહાર પોલીસ ફોર્સ ઊભેલી જોવા મળી રહી છે.
#WATCH | Delhi: Visuals from outside the residence of Aam Aadmi Party MLA Amanatullah Khan.
— ANI (@ANI) September 2, 2024
He claimed that ED officials have arrived at his residence to arrest him. pic.twitter.com/T4oFDByZQy
બીજી તરફ, ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે અમાનતુલ્લાહ ખાન પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “જેવુ વાવશો તેવું જ લણશો.” બીજી તરફ એજન્સીના સૂત્રોને ટાંકીને અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હી વક્ફ બોર્ડ કૌભાંડ મામલે અમાનતુલ્લાહ ખાનના ઘર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સાથે એ પણ નોંધવું જોઈએ, એક્સાઈઝ પોલિસી કૌભાંડને લઈને પણ AAPના કેટલાક નેતાઓ જેલવાસ ભોગવી ચૂક્યા છે, અરવિંદ કેજરીવાલ પણ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.