Thursday, May 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ આસ્થાનું ઉત્તમ ઉદાહરણ: ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકાધીશ મંદિરે...

    હિંદુ આસ્થાનું ઉત્તમ ઉદાહરણ: ગુજરાત પર તોળાતા વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજા ચડાવાઈ

    સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે, જેમાં મંદિર પર એકસાથે બે ધજાઓ ફરકતી જોવા મળે છે. 

    - Advertisement -

    અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરની જાણકારી મુજબ વાવાઝોડું કચ્છના જખૌથી 420 કિલોમીટર દૂર છે અને 15 જૂને (બુધવારે) બપોરે ત્યાંથી પસાર થશે. આ દરમિયાન તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, જેનો સામનો કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો અમુક જોખમી સ્થળોએથી લોકોને પણ ખસેડાઇ રહ્યા છે. આ બધી તૈયારીઓની વચ્ચે દ્વારકામાં આસ્થાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું. દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજા ફરકાવવામાં આવી છે. 

    સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે, જેમાં દ્વારકાધીશ મંદિરે પર એકસાથે બે ધજા ફરકતી જોવા મળે છે. 

    દ્વારકાધીશમાં ગુજરાતના હિંદુઓને અપાર આસ્થા છે અને માન્યતા છે કે તેઓ ગમે તેટલા મોટા સંકટને પણ દૂર કરી દે છે. જેથી મંદિરે આજે બે ધજાઓ ફરકતી જોવા મળી હતી. એવી લોકમાન્યતા પણ છે કે મંદિરે બે ધજાઓ ચડાવવામાં આવે તો દ્વારકાધીશ સંકટ સમયે રક્ષા કરે છે અને ટાળી દે છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2021માં ‘ટાઉતે’ વાવાઝોડું આવ્યું ત્યારે પણ જગતમંદિરે બે ધજાઓ ચડાવવામાં આવી હતી. તે સમયે વાવાઝોડાનું સંકટ મહદંશે ટળ્યું હતું અને સ્થિતિ નિયંત્રણમાં લઇ લેવાઈ હતી. આવે ફરી એક વખત દ્વારકાધીશમાં આસ્થા રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    દ્વારકાધીશ મંદિરે ફરકતી ધર્મધજા 52 ગજની હોય છે અને સવારે 3 વખત અને સાંજે 2 એમ દિવસમાં પાંચ વખત ચડાવવામાં આવે છે. અબોટી બ્રાહ્મણો જ આ ધજા ચડાવતા હોય છે અને ગમે તે સંજોગોમાં ગમે તે પરિસ્થિતિમાં આ ધજા ચડાવવામાં આવે છે. જોકે, તે સમયે તેની સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. 

    સોશિયલ મીડિયા અને મીડિયામાં ‘અડધી કાંઠી’એ ધજા ફરકાવવામાં આવી હોવાની પણ વાતો ચાલે છે પરંતુ મંદિરના પૂજારીઓ અનુસાર તેમ કહેવું યોગ્ય નથી અને તેનાથી ખોટું અર્થઘટન થાય છે. આફતના સમયે ધજા નીચેના દંડ પર ચડાવવામાં આવે છે, જેથી અડધી પાટલીએ ધજા ચડાવી એમ કહી શકાય. 

    બિપરજોય વાવાઝોડું હાલ અરબ સાગરમાં છે અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જો દિશા ન બદલે તો જખૌ પાસે ટકરાવાની સંભાવના છે. જેનાથી કચ્છ, સૌરાષ્ટ્રનો અમુક ભાગ અને પાકિસ્તાનના દક્ષિણ ભાગે તેજ પવન ફૂંકાઈ શકે છે તેમજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં