18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election 2022) માટે મતદાન યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિજેતા બન્યાં છે. દ્રૌપદી મુર્મૂને ત્રીજા રાઉન્ડની ગણતરી બાદ જ જરૂરી 50% થી વધુ મત મળી ગયા હતા. સંપૂર્ણ ગણતરી બાદ અધિકારીક રીતે મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણીના વિજેતા ઘોષિત કરવામાં આવશે. થોડા જ સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રૌપદી મુર્મુને શુભેચ્છાઓ પાઠવવા તેમના નિવાસસ્થાને જશે.
I heartily congratulate #DroupadiMurmu on her victory in Presidential Election 2022. I hope—indeed,every Indian hopes—that as 15th President she functions as Custodian of Constitution without fear or favour. I join fellow countrymen in extending best wishes to her: Yashwant Sinha pic.twitter.com/ncJCddJRQ6
— ANI (@ANI) July 21, 2022
વિજેતા બન્યાં બાદ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) દેશનાં 15મા અને પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં છે. તેમની જીત સાથે જ ઓરિસ્સા ખાતેના તેમના વતન ખાતે ઉત્સવ શરૂ થઇ ગયો છે. તેમજ દેશભરમાંથી તેમની ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.
દ્રૌપદી મુર્મૂ હવે આગામી 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. જે બાદ તેઓ વિધિવત રીતે દેશના આગામી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારના (18 જુલાઈ 2022) રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 99 ટકા જેટલું મતદાન થયું હતું. ચૂંટણીમાં મનોનીત સાંસદોને બાદ કરતાં 776 સાંસદો અને 4.033 ચૂંટાયેલા ધારાસભ્યો સહિત કુલ 4,809 મતદારો મતદાન માટે પાત્ર હતા. જેમાંથી અમુક સાંસદો-ધારાસભ્યો સ્વાસ્થ્ય કારણોસર તો અમુક જેલમાં હોવાના કારણે મતદાન કરી શક્યા ન હતા. ભાજપ સાંસદ સની દેઓલે પણ મતદાન કર્યું ન હતું, કારણ કે તેઓ સારવાર માટે વિદેશ ગયા છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના કારણે તેઓ પણ મતદાન કરી શક્યા ન હતા.
18 જુલાઈએ થયેલા મતદાનમાં સંસદના બંને બૂથમાં કુલ 728 મત પડ્યા હતા. જેમાંથી 719 સાંસદો હતા, જ્યારે 9 ધારાસભ્યોને પણ સંસદ ભવનમાં મતદાનની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાત, ગોવા, હિમાચલ સહિતનાં 12 રાજ્યો એવાં હતાં, જ્યાં 100 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં હાલ 3 બેઠકો ખાલી છે, જેથી 178 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સા રાજ્ય સરકારમાં મંત્રી ઉપરાંત ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂક્યાં છે. વર્ષ 2015માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડનાં 9મા રાજ્યપાલ નીમવામાં આવ્યાં હતાં. તેની સાથે ઝારખંડનાં પહેલાં મહિલા રાજ્યપાલ બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સાથે જ તેઓ કોઈ પણ ભારતીય રાજ્યનાં રાજ્યપાલ બનનાર પ્રથમ આદિવાસી મહિલા છે.
1997 માં ભાજપમાં સામેલ થયેલાં દ્રૌપદી મુર્મૂને પાર્ટીમાં પણ અનેક મહત્વપૂર્ણ પદ મળી ચૂક્યાં છે. વર્ષ 2006 થી લઈને 2009 સુધી તેઓ ઓરિસ્સા ભાજપ એસટી મોરચાનાં પ્રમુખ રહ્યાં હતાં. વર્ષ 2013 થી 2015 સુધી તેઓ ભાજપ એસટી મોરચામાં રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય રહ્યાં હતાં. તેમજ 2010 થી 2013 સુધી મયૂરભંજ પશ્ચિમનાં ભાજપ જિલ્લા અધ્યક્ષ પણ રહ્યાં હતાં.