રાષ્ટ્રપતિ તરીકે બહુમતીથી ચૂંટાયા બાદ આજે દ્રૌપદી મુર્મૂએ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આજે સવારે સંસદ ભવન ખાતે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંસદ ભવનના સેન્ટ્રલ હૉલમાં આયોજિત સમારોહમાં દેશના ચીફ જસ્ટિસ એન.વી રમન્નાએ દ્રૌપદી મુર્મૂને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
સવારે 8:30 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાજઘાટ પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પણ કર્યાં હતાં. જે બાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતાં, જ્યાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. જે બાદ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકો દ્વારા તેમને રાષ્ટ્રીય સલામી આપવામાં આવી હતી.
LIVE: President-elect Smt Droupadi Murmu pays homage to Mahatma Gandhi at Rajghat https://t.co/72sto2wDl3
— President of India (@rashtrapatibhvn) July 25, 2022
દસ વાગ્યે રાષ્ટ્રપતિ મુર્મૂ અને સેવાનિવૃત્ત થતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બોડીગાર્ડ સાથે સંસદ ભવન માટે રવાના થયા હતા. જ્યાં દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત, અનેક આગેવાનોની હાજરીમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.
LIVE: Swearing-in-Ceremony of the President-elect Smt Droupadi Murmu https://t.co/34DbgoUw1H
— President of India (@rashtrapatibhvn) July 25, 2022
શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવન જવા માટે રવાના થશે, જ્યાં તેમને ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે અને સેવાનિવૃત્ત થઇ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સન્માન કરવામાં આવશે.
દ્રૌપદી મુર્મૂ ભારતનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યાં છે. તેમજ તેઓ ભારતનું આ સર્વોચ્ચ પદ સંભાળનારા સૌથી ઓછી ઉંમરનાં વ્યક્તિ હશે.
ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂકેલાં દ્રૌપદી મુર્મૂને એનડીએ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. તેમની સામે વિપક્ષ તરફથી પૂર્વ ટીએમસી નેતા યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી હતી. 18 જુલાઈએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયું હતું, જે બાદ 21 જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂનો જંગી બહુમતીથી વિજય થયો હતો. તેમને 64 ટકા મતો મળ્યા હતા. ચૂંટણીમાં એનડીએના સભ્યોએ તો તેમના પક્ષમાં મતદાન કર્યું જ હતું, પરંતુ ક્રોસ વોટિંગ પણ થયું હતું. આજે દ્રૌપદી મુર્મૂએ અધિકારીક રીતે દેશના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.