Saturday, June 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદ્રૌપદી મુર્મૂની પુત્રીએ કહ્યું- ‘માને વડાપ્રધાનનો કૉલ આવ્યો હતો, ઘણીવાર સુધી કંઈ...

  દ્રૌપદી મુર્મૂની પુત્રીએ કહ્યું- ‘માને વડાપ્રધાનનો કૉલ આવ્યો હતો, ઘણીવાર સુધી કંઈ બોલી ન શકી, આંખમાં આંસુ હતાં’

  ગઈકાલે રાત્રે NDAના રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમની કેવી પરિસ્થિતિ થઇ હતી તેનું વર્ણન તેમની પુત્રી ઇતિશ્રીએ કર્યું છે.

  - Advertisement -

  રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ NDAનાં ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના (Draupadi Murmu) નામની પસંદગી કરી છે. દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાનાં જનજાતિ નેતા છે અને ઓરિસ્સા સરકારમાં મંત્રી તેમજ ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂક્યાં છે. ગઈકાલે રાત્રે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિ ઉમેદવારની ઘોષણા કરી હતી. દરમ્યાન, દ્રૌપદી મુર્મૂની પુત્રીએ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે ઘોષણા બાદ દ્રૌપદી મુર્મૂને પીએમ મોદીનો કૉલ આવ્યો હતો.

  ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, નીતિન ગડકરી તેમજ પાર્ટીના અન્ય હોદેદ્દારોની એક સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી માટે ચર્ચા કરવામાં આવી હતી. જેપી નડ્ડાએ કહ્યું કે પાર્ટીએ લગભગ 20 જેટલાં નામો પર ચર્ચા કર્યા બાદ દ્રૌપદી મુર્મૂના નામ પર મહોર મારી છે. 

  બીજી તરફ, જ્યારે રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે પોતાના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે દ્રૌપદી મુર્મૂ તેમના ઓરિસ્સા સ્થિત ઘરે હતાં. તેમની સાથે તેમની પુત્રી ઇતિશ્રી પણ હતી. 

  - Advertisement -

  તેમની પુત્રી ઇતિશ્રીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘોષણા બાદ દ્રૌપદી મુર્મૂને પીએમ મોદીનો કૉલ આવ્યો હતો અને જે બાદ દ્રૌપદી મુર્મૂ એકદમ નિઃશબ્દ બની ગયાં હતાં. 

  તેણે કહ્યું, “સાંજે એક કૉલ આવ્યો હતો, લગભગ વડાપ્રધાન મોદીનો (PM Narendra Modi) હતો. તેમણે શું કહ્યું તે ખબર નથી પરંતુ મા તે પછી ચૂપ થઇ ગઈ. તેમની આંખોમાં આંસુ હતાં, તે કંઈ બોલી ન શકી. થોડી ક્ષણો બાદ માત્ર ધન્યવાદ કહી શકી, તે પણ બહુ મુશ્કેલીથી.”

  ઇતિશ્રીએ કહ્યું કે, “મને માએ કહ્યું કે તેમના માટે આ એક સ્વપ્ન જેવું છે. ઝૂંપડીથી દેશના સર્વોચ્ચ પદના દાવેદાર બનવા સુધીની સફર એક સપનું જ હોય શકે. આદિવાસી સમુદાયના લોકો આવું સપનું પણ નથી જોતા.”

  ગઈકાલે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ આજે દ્રૌપદી મુર્મૂ પોતાના વતન ખાતે આવેલ મહાદેવના મંદિરે દર્શન માટે ગયાં હતાં. અહીં તેમણે મંદિર પરિસરમાં સાફ-સફાઈ પણ કરી હતી. જે બાબતે તેમની પ્રશંસા પણ ખૂબ થઇ હતી. 

  રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ દ્રૌપદી મુર્મૂને કેન્દ્ર સરકારે Z+ સુરક્ષા પૂરી પાડી છે. ગૃહમંત્રાલય દ્વારા ગઈકાલે જ CRPF ને દ્રૌપદી મુર્મૂની સુરક્ષા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેથી હવે તેઓ જ્યાં પણ જશે ત્યાં તેઓ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની (CRPF) સુરક્ષા હેઠળ રહેશે. આજે સવારથી જ CRPF દ્વારા તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 

  રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election 2022) આગામી 18 જુલાઈના રોજ યોજાનાર છે. આ માટે વિપક્ષ તરફથી યશવંત સિન્હાએ ઉમેદવારી કરી છે તો NDA તરફથી દ્રૌપદી મુર્મૂનું નામ જાહેર થયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રત્યક્ષ રીતે નહીં અને ઈલેક્ટોરલ કૉલેજની મદદથી થાય છે. હાલ દ્રૌપદી મુર્મૂ જીતે તેવી પ્રબળ સંભાવના છે. જીત્યા બાદ તેઓ ભારતના બીજાં મહિલા અને પહેલાં જનજાતિ રાષ્ટ્રપતિ બનશે. ટૂંક સમયમાં તેઓ નામાંકન દાખલ કરશે, જે દરમિયાન ભાજપ તેમજ સહયોગી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ-સાંસદો પણ હાજર રહી શકે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં