કૅશ ફોર ક્વેરી કૌભાંડ મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રા વિરૂદ્ધ ફરિયાદ કરનાર તેમના પૂર્વ મિત્ર જય અનંત દેહદ્રાઇએ MP ઉપર શ્વાન ચોરીનો પણ આરોપ લગાવ્યો હતો. જેને લઈને ફરિયાદ પણ કરવામાં આવી હતી. આખરે આ ‘હેનરી’ નામનો શ્વાન જય અનંતને પરત મળી ગયો છે.
જય અનંત દેહદ્રાઈએ ગુરૂવારે (9 નવેમ્બર) X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘વેલકમ બૅક હેનરી. આપ સૌના સમર્થન, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ આભારી છું. ઘરે આવીને હેનરી ખૂબ ખુશ છે.’ સાથે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે સંભવતઃ તેમના ઘરનો છે. જેમાં હેનરી દોડીને તેમની પાસે જતો અને વ્હાલ કરતો જોવા મળે છે.
Welcome back Henry!
— Jai Anant Dehadrai (@jai_a_dehadrai) November 9, 2023
Thank you for all the support, prayers and wishes ❤️
Henry is thrilled to be back home. pic.twitter.com/xFxfgqXLDJ
વાસ્તવમાં હેનરી પર મહુઆ મોઈત્રા અને જય અનંત બંનેએ દાવો માંડ્યો હતો. જોકે, જય અનંતનું કહેવું હતું કે તેની ઉપર સંપૂર્ણપણે તેમનો જ અધિકાર છે અને તેના બાળપણથી પોતે જ તેની સારસંભાળ રાખે છે. પરંતુ મહુઆ મોઈત્રાએ તેને ગેરકાયદેસર રીતે ચોરી લીધો હતો. જેને લઈને તેમણે ગત 19 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસ કમિશનરને એક પત્ર પણ લખ્યો હતો.
પત્રમાં તેમણે લખ્યું હતું કે, “મારો હેનરી (શ્વાન) સાથેનો સંબંધ પિતા અને સંતાન જેવો છે. તે જ્યારે 40 દિવસનો હતો ત્યારથી હું તેની સંભાળ રાખું છું અને તેની દરેક બાબતની કાળજી લઉં છું. મોઈત્રાએ જાણીજોઈને હેનરીને કિડનેપ કરી લીધો છે અને 10 ઓક્ટોબર, 2023થી મારાથી દૂર કરી દીધો છે. તેમણે કહ્યું કે, 14 ઑક્ટોબરના રોજ તેમણે દાખલ કરેલી એક ફરિયાદ બાદ તેમને હેરાન કરવા અને બ્લેકમેલ કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.
પોતાનો શ્વાન પરત મેળવવા માટે મદદ કરવાની અપીલ સાથે તેમણે લખ્યું કે, “હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હેનરી તેના સાચા વાલીને મળવો જોઈએ. હું વિનંતી કરીશ કે કૃપા કરીને મને વહેલામાં વહેલી તકે મને હેનરી પરત અપાવો. આ પરિસ્થિતિમાં મને મારા જીવન પર પણ જોખમ જણાઈ રહ્યું છે. મારી સુરક્ષા કરીને મારો શ્વાન હેનરી પરત મેળવવામાં મદદ કરશો.”
ત્યારબાદ 21 ઓક્ટોબરના રોજ જય દેહદ્રાઈએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “મને એક શુભચિંતકે જણાવ્યું કે હેનરીને ટેલિગ્રાફ લેનના નિવાસસ્થાને જાણીજોઈને કેદ કરવામાં આવ્યો છે, જેથી CBIને અંદર આવતી રોકી શકાય.” આગળ તેમણે લખ્યું, “હેનરી મોટા કદનો રોટવિલર (શ્વાનની પ્રજાતિ) છે અને આમ તો ડાહ્યો છે પણ રક્ષા પણ કરી જાણે છે. હું તેની સુરક્ષાને લઈને ભયભીત છું.” નોંધનીય છે કે ટેલિગ્રાફ લેનના નિવાસસ્થાનનો સંદર્ભ મહુઆ મોઈત્રાના ઘર સાથે છે.