સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન રાજ્યસભા સાંસદ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ મંચ પરથી ધમકી આપી રહ્યા છે. આ વિડીયોએ મધ્યપ્રદેશની રાજનીતિમાં હલચલ મચાવી મૂકી છે. આ ધમકી પૂર્વ કોંગ્રેસી અને વર્તમાન ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીક માનવામાં આવી રહેલા નેતાને આપી છે.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બામોરી ખાતે કોંગ્રેસના કાર્યકરોની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ પહોચ્યા હતા. આ દરમિયાન દિગ્વિજયસિંહ મંચ પરથી ભાષણ કરી રહ્યા છે, ત્યારે તેમણે મંત્રી શબ્દ ઉચ્ચારીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે “સાંભળી લે મંત્રી, પ્રદેશમાં આમારી સરકાર આવી તો તને છોડીશું નહીં.”
પહેલી નજરે વિડીયોમાં આ સ્પષ્ટ થતું નથી કે દિગ્વિજય સિંહ કોને કહી રહ્યા છે. પરંતુ આખો મામલો જાણતા ખ્યાલ આવ્યો કે આ ધમકી તેમણે શિવરાજ સરકારના કેબિનેટ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાને આપી છે. સિસોદિયાએ જ્યોતિરાદિત્ય સિંધિયાના ખુબ જ નજીકના નેતા પણ માનવામાં આવે છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપામાં આવ્યા ત્યારે જ તેઓ પણ સાથે સાથે ભાજપામાં આવ્યા હતા. સિસોદિયા કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે અને વર્તમાન ભાજપા સરકારમાં પણ મંત્રી છે. જો કે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ પોતાના વિવાદિત નિવેદનોના કારણે હમેશા ચર્ચામાં રહે છે.
એક મીડિયા રીપોર્ટ અનુસાર બામોરીના કોંગ્રેસી કાર્યકર્તાઓએ મહેન્દ્ર સિંહ સિસોદિયા તેમને ધમકાવે છે તેવી ફરિયાદ કરી હતી. તેના પ્રતિઉતરમાં આ ધમકી આપી હતી. જો કે આ મામલે મહેન્દ્ર સિંહ સિસોદિયાની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું છે કે “મને ખબર નથી કે દિગ્વિજય શું કામ ધમકી આપી રહ્યા છે. બાકી હું ધારું તો બામોરીમાં કોંગ્રેસના સુપડા સાફ કરી મુકું. પરંતુ મારી માનસિકતા કોઈને નુકસાન પહોચડવાની નથી.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “હું ફક્ત ઈશ્વર અને મારા નેતાઓ સિવાય કોઈથી ડરતો નથી.”
અત્રે એ નોંધનીય છે કે ચાલુ વર્ષે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. આ બાબતને લઈને બંને પક્ષના નેતાઓ વાર પલટવાર કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી ભાજપાની સરકાર છે. ગત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ પાતળી સરસાઈથી જીતી હતી, પરંતુ ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપામાં આવતા ફરી પાછી ભાજપની સરકાર બની હતી.