Sunday, April 21, 2024
More
  હોમપેજગુજરાતહવે UPIથી ખરીદી શકાશે બસની ટિકિટ, છુટા પૈસાની નહીં થાય માથાકૂટ: ગુજરાત...

  હવે UPIથી ખરીદી શકાશે બસની ટિકિટ, છુટા પૈસાની નહીં થાય માથાકૂટ: ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય, નવી 40 એસટી બસોનું લોકાર્પણ

  વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ST નિગમને વધુ 40 બસ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15, મહેસાણા વિભાગને 7, બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે

  - Advertisement -

  ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી ભારત આજે ખૂબ આગળ વધી રહ્યું છે. ડિજિટલ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિ નોંધવા લાયક છે. ગુજરાત પણ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે લોકોને વધુ એક ડિજિટલ સુવિધા આપી છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. હવે રાજ્યની ST બસમાં UPI થકી પેમેન્ટ ચૂકવી શકવાની સુવિધાનો શુભારંભ થયો છે. સરકારી બસોમાં આ પ્રકારની સુવિધા માત્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. એટલે ગુજરાત એ પહેલું રાજ્ય બન્યું છે કે જ્યાં UPI દ્વારા બસની ટિકિટ ખરીદી શકાય છે. એ ઉપરાંત ST વિભાગને 40 નવી બસો પણ સોંપવામાં આવી છે.

  બુધવાર (25 ઓકટોબર, 2023)ના રોજ ગુજરાતીઓને એક મોટી ભેટ મળી છે. ગાંધીનગર ખાતે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ST બસમાં UPI સેવાનો પ્રારંભ થયો છે. જેમાં હવે યાત્રિકો રોકડ નાણાંની જગ્યાએ UPI થકી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. પ્રથમ તબક્કામાં આ સુવિધા 7 ડિવિઝનોમાં આપવામાં આવી રહી છે.

  ST નિગમ દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રથમ તબક્કામાં UPI થકી ટિકિટ પેમેન્ટની સુવિધાનો લાભ 7 ડિવિઝનના 2500 રૂટ પર મળશે. એક્સપ્રેસ પ્રીમિયમની સાથોસાથ ગ્રામ્ય રૂટમાં પણ સૌ પ્રથમવાર UPI થકી પેમેન્ટ સેવાનો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ ક્રમશઃ રાજ્યભરની દરેક ST બસોમાં આ નવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે.

  - Advertisement -

  હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ

  ગાંધીનગરમાં UPI થકી પેમેન્ટની સુવિધાનો શુભારંભ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે થયો છે. આ પ્રસંગે ગાંધીનગરના મેયર અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી સુવિધાનો શુભારંભ કર્યા બાદ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “ST નિગમ રાત-દિવસ ખૂબ સારી રીતે કાર્યરત છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ST નિગમની આખી ટીમ સાથે મળીને ગુજરાતના નાગરિકોની સેવામાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં સફળ થશે.”

  તેમણે વધુમાં કહ્યું હતું કે, “આજે વિભાગ દ્વારા 2000 જેટલા UPI સુવિધાના સાધનો ST નિગમને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે પછી સામાન્ય રીતે બસમાં જ્યારે પ્રવાસ કરતાં હોઈએ ત્યારે એક રૂપિયા, બે રૂપિયાના છુટાના જે વિષયો રહે છે, રોકડા આપવા અને રોકડા જમા કરાવવા જેવી જે ઝંઝટો રહે છે તેમાંથી બહાર આવવું, સ્ટાફનો સમય બચાવવો તે માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયાસ ST નિગમ દ્વારા કરવામાં આવ્યો છે.”

  40 નવી બસને બતાવી લીલીઝંડી

  આ ઉપરાંત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ST નિગમને વધુ 40 બસ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15, મહેસાણા વિભાગને 7, બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 1 વર્ષમાં ઘણી મોટી સંખ્યામાં નવી બસો સામેલ કરાઇ છે અને આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ફરવા લાયક સ્થળોએ ST બસની કનેક્ટિવિટી વધારવા વિષે પણ કહ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં