Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં રખડતા શ્વાનોના આતંકને ડામવા સેમીનાર, 'પશુ પ્રેમ'ના નામે માણસો બાખડયા: યોગિતા...

    દિલ્હીમાં રખડતા શ્વાનોના આતંકને ડામવા સેમીનાર, ‘પશુ પ્રેમ’ના નામે માણસો બાખડયા: યોગિતા ભયાનાનો લાફા મારવાનો વિડીયો વાયરલ

    પશુઓના નામે માણસોનું આ ધમાસાણ ત્યારે શરુ થયું જયારે યોગીતા ભાયના સૂત્રોચ્ચાર કરતા અચાનક સ્ટેજ પર ચઢી ગયા, ત્યાર બાદ ઝપાઝપી શરૂ થઈ હતી.

    - Advertisement -

    બુધવારે (10 મે 2023) દિલ્હીમાં રખડતા શ્વાનોના ત્રાસને ડામવા યોજાયેલા સેમીનારમાં ધમાસાણ મચ્યું હતું, આ સેમીનાર કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વિષય હતો – “કૂતરા કરડવાનો આતંક, શું છે તેનો ઉપાય.” પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલ દ્વારા આયોજિત સેમિનારમાં આ આતંકનો ઉપાય શું હતો તે સ્પષ્ટ ન થયું. પરંતુ આ સેમિનાર ‘પશુ પ્રેમ’ના નામે મારામારી અને લાફો મારવાનો વિડીયો વાયરલ થયા બાદથી ચર્ચામાં છે.

    વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, બે મહિલાઓ એકબીજાને થપ્પડો મારી રહી છે. તેમાંથી એક એનીમલ એક્ટિવિસ્ટ યોગિતા ભાયાના છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, યોગિતા ધક્કામુક્કી વચ્ચે એક મહિલાને થપ્પડ મારી રહી છે, તેના જવાબમાં મહિલા તેને પણ ખેંચીને લાફો ચોડી દે છે.

    પશુઓના નામે માણસોનું આ ધમાસાણ ત્યારે શરુ થયું જયારે યોગીતા ભાયના સૂત્રોચ્ચાર કરતા અચાનક સ્ટેજ પર ચઢી ગયા, ત્યાર બાદ ઝપાઝપી શરૂ થઈ હતી. જ્યારે સેમિનારમાં હાજર લોકોએ અને પોલીસે યોગિતા તથા અન્ય એક્ટિવિસ્ટોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપી થઈ હતી અને ગાળો ભાંડવામાં આવી હતી. યોગિતા ભાયનાએ દાવો કર્યો છે કે કાર્યક્રમના આયોજકો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, “અમે અમારા મનની વાત કહેવા માગતા હતા. અમને સ્ટેજ આપવાને બદલે, તેઓએ અમને માર મારવાનું શરૂ કરી દીધું.”

    - Advertisement -

    દિલ્હીમાં રખડતા શ્વાનોના સમાધાન માટે યોજાયેલા સેમીનારમાં ઘટેલી ઘટનાનો વિડીયો વિજય ગોયલે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો અને આ માથાકૂટ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું, “બુધવારે અમે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રખડતા કૂતરાઓના કરડવાની સમસ્યા પર એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સમગ્ર દિલ્હીના આરડબ્લ્યુએસ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. અહીં આવેલા તમામ લોકોએ રખડતા કૂતરા કરડવાની સમસ્યાના પોતાના વિચારો અને ઉકેલ આપ્યા હતા. અમારી મીટીંગ થઈ રહી હતી ત્યારે મેનકા ગાંધીના નામે બીજી એક બેઠક યોજાઈ. મને ખબર નથી કે તેમણે આ બેઠક મેનકા ગાંધીને બદનામ કરવા માટે કરી હતી કે પછી તેમણે જ બેઠક યોજી હતી. તેઓ અમારી સભામાં આવ્યા અને હંગામો મચાવ્યો. આ દરમિયાન તેઓ કહી રહ્યા હતા કે અમે મીટિંગ નહીં થવા દઈએ. “

    ગોયલે કહ્યું હતું કે “દેશભરમાં 6 કરોડ 40 લાખ શ્વાન છે. એકલા દિલ્હીની અંદર 6 લાખ શ્વાન છે, જે શેરી, મહોલ્લા અને બગીચામાં ગમે ત્યાં લોકોને કરડે છે. જેથી લોકો તેમનાથી ઘણા પરેશાન છે. તેઓ હાથમાં લાકડીઓ લઈને ચાલવા લાગ્યા છે. લોકો કૂતરાઓને નફરતથી ન જોવે, તેઓ તેમને આદરથી જુએ છે. આ માટે જરૂરી છે કે આપણે કેટલાક પગલા ભરીએ. પરંતુ તે લોકોએ હોબાળો મચાવ્યો હતો. આમ છતાં, બેઠક સફળતાપૂર્વક પૂરી થઈ. હંગામો મચાવનારા લોકોને બહાર કરી દેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વધુને વધુ કૂતરાઓની નસબંધી કરશે અને તે તમામની ગણતરી કરશે. તેમજ તમામ કૂતરાઓને હડકવાની રસી આપવી પડશે અને નિરાધાર શ્વાનોને દત્તક લેવા માટે રાષ્ટ્રીય નીતિ બનાવવી પડશે.”

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હી-એનસીઆરમાં બાળકોથી લઈને વૃદ્ધો પર કૂતરાના હુમલાના ઘણા મામલા સામે આવ્યા છે. માર્ચ 2023 માં દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં રખડતા કૂતરાઓ દ્વારા બે ભાઈઓને કરડી ખાતા તેમનું મોત થયું હતું. આ ભાઈઓમાંથી એકની ઉંમર 7 વર્ષની હતી અને બીજો ભાઈ માત્ર 5 વર્ષનો હતો. 2022માં દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક વર્ષની બાળકી રિયા પર એક રખડતા કૂતરાએ ઘાતકી હુમલો કર્યો હતો. કૂતરાના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 36 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં પીડિતાને 115 ટાંકા આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં