Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી યુનિવર્સીટીના શિક્ષકોના પગારમાં વિલંબ, કોલેજોનાં વીજબિલ પણ ભરવાના બાકી: શિક્ષકોનો કેજરીવાલ...

  દિલ્હી યુનિવર્સીટીના શિક્ષકોના પગારમાં વિલંબ, કોલેજોનાં વીજબિલ પણ ભરવાના બાકી: શિક્ષકોનો કેજરીવાલ સરકાર પર આરોપ

  દિલ્હી યુનિવર્સીટી ટીચર્સ એસોશિએશન દ્વારા કેજરીવાલ સરકારનો વિરોધ કરી તમામ કોલેજો પોતાને હસ્તક લેવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

  - Advertisement -

  દિલ્હી યુનિવર્સીટી ટીચર્સ એસોશિએશન (DUTA) દ્વારા શુક્રવારે રાજ્યની કેજરીવાલ સરકાર સામે પ્રદર્શન કરીને સરખું મહેનતાણું ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમજ શિક્ષકોએ માંગ કેન્દ્ર સરકાર સમક્ષ આમ આદમી પાર્ટી પાસેથી કોલેજોનું સંચાલન લઇને પોતાના હસ્તક કરવા માટેની પણ અપીલ કરી હતી. ઉપરાંત, શિક્ષકો દ્વારા કેજરીવાલ સરકાર પર યુનિવર્સીટીની સંચાલક મંડળીઓમાં રાજકીય કાર્યકરોની નિમણૂંક કરવાનો પણ આરોપ લગાવ્યો છે. 

  નોંધનીય છે કે દિલ્હી યુનિવર્સીટી હેઠળ આવતી તમામ કોલેજોને દિલ્હી સરકાર ભંડોળ પૂરું પાડે છે. 

  DUTA અધ્યક્ષ એ.કે ભાગીએ દિલ્હી સરકાર દ્વારા ચાલતી કોલેજોમાં મોટાપાયે અવ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ તેમણે આમ આદમી પાર્ટી પર કોલેજોમાં રાજકારણ ઘૂસાડવાનો પણ આક્ષેપ કર્યો હતો. 

  - Advertisement -

  આ મુદ્દા વિશે વાત કરતાં ભાગીએ જણાવ્યું હતું કે, “ભંડોળની અછતના કારણે દિલ્હી સરકાર હેઠળ આવતી 12 કોલેજોના શિક્ષકોના પગારમાં છેલ્લાં બે વર્ષથી કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ મામલે શિક્ષકો દ્વારા સીએમ આવાસ બહાર ધરણાં પ્રદર્શન પણ કરવામાં આવ્યાં, ડેપ્યુટી સીએમ પાસે ગયા પરંતુ અમારી વાત કોઈએ નહીં સાંભળી. અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર આ કોલેજોને પોતાને આધીન લઇ લે.”

  તેમણે આગળ જણાવ્યું કે, દિલ્હી સરકાર હેઠળ આવતી 20થી વધુ કોલેજોમાં શાસન બરાબર ચાલતું નથી. સંચાલક બોડીનું પણ રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર દ્વારા જેને ભંડોળ પૂરું પાડવામાં આવે છે એવી 12 કોલેજોને લગભગ 85થી 90 કરોડ રૂપિયાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. 

  શિક્ષકો જ નહીં, વિદ્યાર્થીઓ પણ અસુવિધાઓથી પરેશાન

  DUTA અધ્યક્ષે જણાવ્યું કે માત્ર પ્રોફેસરોએ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પરિસરમાં પ્રાથમિક સેવાઓ પણ સરળતાથી ઉપલબ્ધ થતી નથી. તેમણે જણાવ્યું કે, “લોકોને મેડિકલ બિલ પણ પરત કરવામાં આવી રહ્યા નથી અને ભથ્થાંમાં પણ સમસ્યા છે. મેન્ટેનન્સ ન હોવાના કારણે શિક્ષકો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓએ પણ પરેશાની ભોગવવી પડી રહી છે. ક્યારેક પાણીની સમસ્યા હોય છે તો ક્યારેય વીજળી નથી હોતી. ક્યારેક બિલો નથી ભરવામાં આવતાં.”

  તેમણે દાવો કર્યો કે, કેજરીવાલ સરકારે કોલેજોમાં શિક્ષણવિદોની જગ્યાએ આમ આદમી પાર્ટીના સભ્યોની નિયુક્તિ કરી છે અને કેટલાકને પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ મુદ્દાઓને લઈને ઉપરાજ્યપાલ વી. કે સક્સેનાએ એક આવેદનપત્ર પણ સોંપ્યું હતું. જેને તેમણે જવાબ માટે દિલ્હી સરકારને આગળ મોકલ્યું હતું. જેના જવાબમાં કેજરીવાલ સરકારે શિક્ષકોને આપવામાં આવતા પગાર અંગે ખોટી જાણકારી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  DUTA અધ્યક્ષ અનુસાર, સ્થિતિ એટલી વિકટ છે કે DDU કોલેજને વીજળીનું બાકી બિલ ન ભરવા બદલ નોટિસ પણ મળી છે. તેમણે જણાવ્યું કે, ગત મહિને દીનદયાળ ઉપાધ્યાય કોલેજને ઉત્તર દિલ્હી પાવર લિમિટેડ તરફથી નોટિસ મળી હતી અને જણાવવામાં આવ્યું હતું કે વીજળીનું બિલ ભરવામાં નહીં આવે તો તેઓ વીજળી કાપી નાંખશે. અને હવે તેઓ સહાયક પ્રોફેસરો અને એસોસિએટ પ્રોફેસરોના પગારમાં કાપ મૂકી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષકોના પગારમાં વિલંબ થતો હતો પરંતુ હવે તો પગાર જ કાપવામાં આવી રહ્યો છે. 

  અકાદમિક પરિષદના સભ્ય સુનિલ કુમાર શર્માએ કહ્યું કે, હવે અરવિંદ કેજરીવાલનો સાચો ચહેરો સામે આવી રહ્યો છે. આ નોટિસ માત્ર ટીચિંગ સ્ટાફ માટેની છે, નોન-ટીચિંગ સ્ટાફમાં જેઓ 7થી 8 હજાર રૂપિયાના પગારથી નોકરી કરે છે તેમને પગાર નહીં મળે તો શું થશે તે વિચાર કરવો જોઈએ. 

  એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં જ કેટલાક અહેવાલોમાં સામે આવ્યું હતું કે, દિલ્હી યુનિવર્સીટીની કોલેજોને અઠવાડિયામાં માત્ર 5 જ દિવસ કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. વીજળી બચાવવા માટે અને ખર્ચ ઓછો ન આવે તે માટે કોલેજોએ કલાકો પણ ઓછા કરી નાંખ્યા હતા. 

  2 વિદ્યાર્થીઓને લૉન આપી, 19 કરોડ જાહેરાતોમાં ખર્ચી નાંખ્યા

  એક તરફ જ્યાં દિલ્હી સરકાર હેઠળ આવતી કોલેજો ભંડોળ માટે સંઘર્ષ કરી રહી છે ત્યાં બીજી તરફ ગત મહિને સામે આવ્યું હતું કે દિલ્હી સરકારે ‘દિલ્હી ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ગેરેન્ટી યોજના હેઠળ માત્ર 2 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 19 કરોડ રૂપિયા માત્ર જાહેરાત પાછળ ખર્ચી નાંખ્યા હતા. 

  ‘આપ’ સરકારે આ યોજના 2015માં લૉન્ચ કરી હતી. જેનો ઉદ્દેશ્ય દિલ્હીના 10-12 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને 10 લાખ સુધીની લૉન આપવાનો છે. જેથી તેઓ તેમનું કોલેજનું શિક્ષણ મેળવી શકે. જેમાં 2021-22માં 46 લાખ 22 હજારની જાહેરાતો પ્રિન્ટ મીડિયામાં અને 18 કરોડ 81 લાખની જાહેરાતો ટેલિવિઝન મીડિયામાં આપવામાં આવી હતી. એમ કુલ 19 કરોડની જાહેરાતો આપવામાં આવી હતી, જ્યારે આખા વર્ષમાં લૉન માત્ર 2 જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં