Saturday, May 4, 2024
More
    હોમપેજદેશકોઈએ કહ્યું ₹300 મળશે, કોઈ બોલ્યું- 'અમને નથી ખબર, નેતા લઈને આવ્યા...

    કોઈએ કહ્યું ₹300 મળશે, કોઈ બોલ્યું- ‘અમને નથી ખબર, નેતા લઈને આવ્યા છે’: દિલ્હીમાં I.N.D.I ગઠબંધનની રેલીમાં આવેલા લોકોના વિડીયો વાયરલ  

    INDI ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તેમના આ કાર્યક્રમને ભવ્ય જનસમર્થન મળી રહ્યું છે, પણ બીજી તરફ સોશિયલ મીડિયા પર કાંઇક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આ કાર્યક્રમની બહારના મેદાનમાં રહેલા લોકોના વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    રવિવારે (31 માર્ચ) દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I ગઠબંધને એક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા. વિપક્ષે આ રેલીને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં માહોલ બનાવવાના ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ સફળ ન થયા. બીજી તરફ, રેલીમાં લોકોને પૈસા આપીને લાવવામાં આવ્યા હોવાનું અને જેઓ આવ્યા હતા તેમને રેલી વિશે કોઇ જાણ જ ન હોવાનું ખુલી ગયું. સોશિયલ મીડિયા પર દિલ્હીમાં સ્થિત રામલીલા મેદાને યોજાયેલા INDI ગઠબંધનના આ કાર્યક્રમ અગાઉના અમુક વિડીયો ફરતા થયા છે, જેમાં લોકો જણાવે છે કે તેમને કોણ લાવ્યું અને કયા કારણોસર સભામાં આવ્યા હતા.

    દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમ વિશે INDI ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તેમના આ કાર્યક્રમને ભવ્ય જનસમર્થન મળી રહ્યું છે, પણ બીજી તરફ સોશિયલ મીડિયા પર કાંઇક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝરો આ કાર્યક્રમની બહારના મેદાનમાં રહેલા લોકોના વિડીયો શૅર કરી રહ્યા છે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્યક્રમમાં આવેલી સામાન્ય જનતા INDI ગઠબંધન અને તેમની આ સભાના ઉદ્દેશ્યથી અજાણ છે અને માત્ર ખાવા-પીવા માટે કે પછી તેમને પૈસાની લાલચ આપવામાં આવી હોવાના કારણે જ જોડાયા છે.

    સોશિયલ મીડિયા પર ફરતા થયા વિડીયો

    જાણીતા ટ્વીટર યુઝર અંકુર સિંઘે એક વિડીયો શૅર કર્યો અને લખ્યું કે, ‘રામલીલા મેદાનમાં INDI ગઠબંધનની મહા રેલીની વાસ્તવિકતા.’ પ્રથમ વિડીયોમાં એક લાલ કલરની સાડી પહેરેલી મહિલા જોઈ શકાય છે. જેઓ કેમેરાની પાછળથી પ્રશ્ન કરતા વ્યક્તિને જવાબ આપે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પ્રશ્ન પૂછનાર મહિલાને પૂછે છે કે તમે દિલ્હીથી જ છો? તમને અહીં કોણ લઈને આવ્યું? કઈ પાર્ટી તરફથી આવ્યા છો અને તમારા માંગ-મુદ્દા શું છે? તેના જવાબમાં મહિલા કહે છે કે, “ના અમને નથી ખબર, અમને નેતા લઈને આવ્યા છે.” આ દરમિયાન તે પાછળ ઉભેલી મહિલા તરફ હાથ કરીને કહે છે કે, “ભાઈ અમને નથી ખબર, આમને ખબર છે, અમે કશું જ નથી જાણતા.”

    - Advertisement -

    આ અંકુર સિંઘે જ અન્ય એક વિડીયો શૅર કર્યો છે. તેમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે ‘મહા રેલી’માં આવેલા લોકો કાર્યક્રમના ઉદ્દેશ્યથી અજાણ છે અને ખાલી ખાવા-પીવા જ આવ્યા છે. આ વિડીયોમાં પણ એક વ્યક્તિ ત્યાં હાજર મહિલાને પ્રશ્ન પૂછી રહ્યો છે. વિડીયોમાં સામેથી વ્યક્તિ પૂછી રહ્યો છે કે, “તમારું શું નામ છે અને ક્યાંથી આવ્યા છો? તમે ક્યા પક્ષ તરફથી આવ્યા છે? કાર્યક્રમમાં આપના મુદ્દા શું છે અને શું માંગ છે આપની? કોણ લઈને આવ્યું છે આપને? શા માટે આવ્યા છો?

    વ્યક્તિના આ સવાલો પર મહિલા જણાવે છે કે, “મારું નામ કાશી છે અને શાસ્ત્રી નગરથી આવ્યા છીએ, (વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેમને પાછળથી કોઈ જવાબ આપતાં શીખવી રહ્યું છે) કોંગ્રેસ તરફે આવ્યા છીએ. (મુદ્દા માંગના સવાલ પર) અમને કશી જ નથી ખબર.” કોણ લઈને આવ્યું છે તેના જવાબમાં આંખથી ઈશારો કરીને કેમેરાની બીજી તરફ ઉભેલી વ્યક્તિ તરફ ઈશારો કરે છે. ત્યારબાદ તેઓ આગળના સવાલો પર નકારમાં માથું હલાવે છે અને કહે છે કે ખાધું-પીધું છે, બીજું કશું જ નથી જાણતા.

    ભાજપે પણ આ પ્રકારના વિડીયો શૅર કરીને લીધી મજા

    માત્ર સોશિયલ મીડિયા યુઝરો જ નહીં, દિલ્હી ભાજપે પણ આ પ્રકારના કેટલાક વિડીયો શૅર કર્યા છે. એક વિડીયો શૅર કરીને લખ્યું કે, “રાહુલ ગાંધી રામલીલા મેદાનમાં પહોંચતાંની સાથે જ જે થોડા-ઘણા લોકો ત્યાં હતા તેઓ પણ પરત ફરવા માંડ્યા છે.”

    આ વિડીયોમાં પણ કેટલીક મહિલાઓ જોવા મળી રહી છે, વિડીયો બનાવનાર તેમને પ્રશ્ન પૂછી રહ્યો છે અને તેના જવાબમાં મહિલાઓ ફરિયાદના સૂરમાં કહી રહી છે કે, “અમે શાસ્ત્રી નગરથી આવ્યા છીએ, કશું જ નથી મળી રહ્યું..નથી નાસ્તો મળ્યો કે નથી પાણી મળ્યું.. બસ ખાલી કહી રહ્યા છે કે અમે વાત કરી રહ્યા છીએ.. તમારા માટે વાત કરી રહ્યા છીએ.. અમે લોકો આશા લઈને આવ્યા હતા હવે એમ જ પરત જઈ રહ્યા છીએ, ખાધા પીધા વગર જઈ રહ્યા છીએ.. અમે રામલીલા મેદાન ફરવા આવ્યા હતા અને હવે પાછા જઈ રહ્યા છીએ.”

    આવો જ એક બીજો વિડીયો પણ દિલ્હી ભાજપના X હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “આ બેન રામલીલા મેદાનમાં શા માટે આવ્યાં છે તે તેમને જ નથી ખબર.” વિડીયોમાં મહિલાને પૂછવામાં આવ્યું છે કે તેઓ અહીં શા માટે આવ્યા છે અને તેમને કોણ લઈને આવ્યું છે. સવાલ પર મહિલા કહે છે કે મને કશી ખબર નથી અને જે મેડમ મને લાવી છે તેનું નામ પણ નથી જાણતી.

    ન્યૂઝ એજન્સી IANSએ પણ એક યુવક સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું કે, જે વ્યક્તિ તેને લાવ્યો હતો તેણે કહ્યું હતું કે મને રેલીમાં આવવાના 300 રૂપિયા મળશે. યુવક પોતાનું નામ જણાવીને કહે છે કે તે દિલ્હીમાં જ રહે છે. જ્યારે પૂછવામાં આવે કે અહીં કેમ આવ્યો, તો જણાવે છે કે, “અમારા ઈવેન્ટ હેડે કહ્યું હતું કે તમારે આવવાનું છે અને અહીં-તહીં સમય પસાર કરવાનો છે.

    આગળ તેણે કહ્યું કે, “અમને કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલની રેલી છે અને કદાચ તે માટે પૈસા પણ મળશે. તેણે જણાવ્યું કે તેને 300 રૂપિયા મળી શકે છે. અંતે તેણે કહ્યું કે, રેલી થઈ રહી છે અને અમારે માત્ર ભીડમાં દેખાવાનું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં