Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં ધોળા દહાડે યુવતીની હત્યા: નિકાહ કરવાની ના પાડતાં ઇરફાને માસીયાઈ બહેનને...

    દિલ્હીમાં ધોળા દહાડે યુવતીની હત્યા: નિકાહ કરવાની ના પાડતાં ઇરફાને માસીયાઈ બહેનને માથામાં સળિયો મારીને મારી નાખી, ધરપકડ

    મૃતક યુવતી અને ઈરફાનના પરિવારો વચ્ચે તેમના નિકાહ માટે અગાઉ ચર્ચા થઇ હતી પરંતુ યુવક કામધંધો ન કરતો હોવાના કારણે નરગિસના પરિજનોએ વાતનો વીંટો વાળી દીધો હતો.

    - Advertisement -

    દક્ષિણ દિલ્હીમાં એક યુવતીની હત્યા થયાનો મામલો સામે આવ્યો છે. આ યુવતી કમલા નેહરૂ કોલેજમાં અભ્યાસ કરતી હતી. માલવિયા નગરના એક પાર્કમાં તેની હત્યા કરી નાખવામાં આવી. મૃતકની ઓળખ નરગિસ તરીકે થઇ છે, જ્યારે આરોપીનું નામ ઈરફાન છે. બંને માસીયાઈ ભાઈ-બહેન હતાં. 

    જાણવા મળ્યા અનુસાર ઈરફાન અને નરગિસ વચ્ચે પ્રેમસબંધ હતો. ઈરફાન તેની સાથે નિકાહ કરવા માગતો હતો પરંતુ નરગિસના પરિવારે ના પાડી દીધી હતી. જેથી તેણે હત્યા કરવાનું મન બનાવ્યું અને એક પાર્કમાં નરગિસ પર હુમલો કરી દીધો, જેમાં તે મૃત્યુ પામી. પોલીસે FIR નોંધીને ઈરફાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

    પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવતી અને ઈરફાનના પરિવારો વચ્ચે તેમના નિકાહ માટે અગાઉ ચર્ચા થઇ હતી પરંતુ યુવક કામધંધો ન કરતો હોવાના કારણે નરગિસના પરિજનોએ વાતનો વીંટો વાળી દીધો હતો. ઈરફાન પહેલાં સ્વિગીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતો હતો પરંતુ તે કામ પણ તેણે મૂકી દીધું હતું. નરગિસ અને તેના પરિજનોએ નિકાહની ના પાડતાં આખરે તેણે હત્યાનો પ્લાન બનાવવાનું ચાલુ કર્યું હતું અને ત્રણ દિવસ પહેલાંથી તૈયારી કરી રહ્યો હતો. 

    - Advertisement -

    તેને નરગિસ ક્યારે, કેટલા સમયે અને ક્યાં જાય છે તેની ખબર હતી તેથી તે માલવિયા નગરના પાર્કમાં પહોંચી ગયો હતો, જ્યાં યુવતી તેની બહેનપણીઓ સાથે આવી હતી. અહીં ઇરફાને ફરી એક વખત સબંધો ચાલુ રાખવા માટે કહ્યું પરંતુ યુવતી એકની બે ન થઇ. આખરે ઇરફાને સળિયા વડે માથામાં હુમલો કરી દીધો હતો, જેના કારણે તે ઢળી પડી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને જોતાં તેની લાશ પડી હતી અને તેની બાજુમાં સળિયો પડ્યો હતો. ઈરફાનને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

    દિલ્હીમાં યુવતીની હત્યા બાદ ઘટનાની તપાસ કરવા પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના પાર્કમાં બની હતી. લગભગ 22થી 23 વર્ષની કોલેજની વિદ્યાર્થીની તેની બહેનપણી સાથે અહીં આવી હતી. માથામાં ઇજા પહોંચી છે, સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. પોલીસે તપાસ બાદ આરોપી ઈરફાનની ધરપકડ પણ કરી લીધી હતી. જેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં