Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાષ્ટ્રહિત માટે લાવવામાં આવી છે અગ્નિપથ યોજના’: દિલ્હી હાઇકોર્ટે યોજનાની બંધારણીય યોગ્યતાને...

    ‘રાષ્ટ્રહિત માટે લાવવામાં આવી છે અગ્નિપથ યોજના’: દિલ્હી હાઇકોર્ટે યોજનાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ ફગાવી, કહ્યું- કોર્ટ કોઈ હસ્તક્ષેપ નહીં કરે

    અરજીઓ ફગાવતાં કોર્ટે નોંધ્યું કે, આ યોજના રાષ્ટ્રના હિતમાં અને સશસ્ત્ર સેનાઓ વધુ મજબૂત બની શકે તે માટે લાવવામાં આવી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ યોજના દેશના હિતમાં લાવવામાં આવી છે અને કોર્ટને તેમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાઈ રહ્યું નથી. 

    દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સતિષ ચંદ્ર શર્મા અને સુબ્રમણ્યન પ્રસાદની બેન્ચે સોમવારે (27 ફેબ્રુઆરી, 2023) આ ચુકાદો આપ્યો હતો અને જેની સાથે અગ્નિપથ વિરુદ્ધ કરવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. 

    અરજીઓ ફગાવતાં કોર્ટે નોંધ્યું કે, આ યોજના રાષ્ટ્રના હિતમાં અને સશસ્ત્ર સેનાઓ વધુ મજબૂત બની શકે તે માટે લાવવામાં આવી છે. કોર્ટે કહ્યું, “આ કોર્ટ અગ્નિપથ યોજનામાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ જોતી નથી. તમામ અરજીઓ ફગાવવામાં આવે છે. નિષ્કર્ષ માટે એટલો જ નીકળે છે કે યોજના રાષ્ટ્રના હિતમાં લાવવામાં આવી છે.”

    - Advertisement -

    આ ઉપરાંત કોર્ટે ભરતી પ્રક્રિયા અટકાવવાની માંગ સાથે કરેલી અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે આ અરજીઓ પરનો ગત વર્ષનો 15 ડિસેમ્બરનો ચુકાદો અનામત રાખ્યો હતો. એ પણ નોંધનીય છે કે જુલાઈમાં સુપ્રીમ કોર્ટે પટના, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને કેરળ હાઇકોર્ટને અગ્નિપથ યોજના વિરુદ્ધની તમામ અરજીઓ દિલ્હી હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. 

    ઓગસ્ટમાં આ અરજીઓ પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે તેઓ વચગાળાનો આદેશ પસાર કરવાના બદલે આ અરજીઓ પર સુનાવણી કરશે. ત્યારબાદ ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં લશ્કરમાં ભરતી એ જરૂરી અને સાર્વભૌમિક કાર્ય છે. 

    શું છે અગ્નિપથ યોજના?

    અગ્નિપથ કેન્દ્ર સરકારની એક યોજના છે, જે ગત વર્ષે જૂન મહિનામાં લાવવામાં આવી હતી. આ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાનોને ભરતી કરવામાં આવશે. તેમને અગ્નિવીર સૈનિક તરીકે ઓળખવામાં આવશે. તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સેવા નિધિ પેકેજ પણ મળશે. 17.5 થી 21 વર્ષ સુધીની ઉંમરના યુવાનો આ માટે અરજી કરી શકશે. જોકે, સરકારે એક વર્ષ માટે વયમર્યાદા વધારીને 23 કરી હતી. 

    અગ્નિપથ યોજનામાં ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. 

    કાર્યકાળ પૂર્ણ થયા બાદ મોટાભાગના અગ્નિવીરો સેવામુક્ત થશે જ્યારે ભારતીય સેનાના રેગ્યુલર કેડરમાં સેવા આપવા માંગતા અગ્નિવીરો સ્વેચ્છાએ અરજી કરી શકશે. જે બાદ જે-તે વર્ષની જરૂરિયાત અને અગ્નિવીરની નિપુણતા અને ક્ષમતાને આધારે બેચમાંથી 25 ટકા અગ્નિવીરોની પસંદગી સેનાની રેગ્યુલર કેડરમાં કરવામાં આવશે અને જ્યાં તેમણે સેનાના નિયમો અનુસાર સેવા આપવાની રહેશે. 

    અગ્નિપથ યોજના લાવવામાં આવ્યા બાદ એક વર્ગે તેની વિરુદ્ધ ખૂબ અપપ્રચાર ફેલાવ્યો હતો તો જેના કારણે ક્યાંક હિંસાત્મક આંદોલનો પણ થયાં હતાં. ત્યારબાદ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો, આવા જ એક મામલે કોર્ટે યોજનાને રાષ્ટ્રહિતમાં જરૂરી ગણાવીને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં