દિલ્હીમાં ફટાકડા ફોડવા બદલ જેલભેગા થવું પડશે. હિંદુઓના મહાપર્વ દિવાળી પર દિલ્હીની કેજરીવાલ સરકારનું આવું ફરમાન જાહેર થયું છે. દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. સાથેજ ફટાકડા વેચનારને 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ જવું પડશે. દિલ્હીમાં દિવાળીના ફટાકડા ફોડનારને જેલમાં ધકેલી દેવાના ફરમાન વિષે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી છે.
અહેવાલો અનુસાર ગોપાલ રાયે બુધવારે (19 ઓક્ટોબર, 2022) મીડિયાને જણાવ્યું હતું કે રાજધાનીમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સાથે રાયે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર વિસ્ફોટક કાયદાની કલમ 9B હેઠળ 5000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થશે.
Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/MgY2RNnCzv
— AAP (@AamAadmiParty) October 19, 2022
તેમના જણાવ્યા મુજબ, 21 ઓક્ટોબરે જનજાગૃતિ અભિયાન “દિયા જલાઓ ફટાકડા નહીં” શરૂ કરવામાં આવશે. કેજરીવાલ સરકાર આ શુક્રવારે (21 ઓક્ટોબર 2022) કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 51,000 દીવાઓ પ્રગટાવશે.
અહેવાલો અનુસાર પ્રતિબંધ લાગુ કરવા માટે 408 ટીમો બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે મદદનીશ પોલીસ કમિશનર હેઠળ 210 ટીમોની રચના કરી છે, જ્યારે મહેસૂલ વિભાગે 165 અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે. મંત્રીએ કહ્યું કે ઉલ્લંઘનના 188 કેસ મળી આવ્યા છે અને 16 ઓક્ટોબર સુધીમાં 2,917 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બરમાં દિલ્હી સરકારે જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. આવા નિયંત્રણો 2020 થી લાગુ છે. રાયે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને સમગ્ર NCRમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. કારણ કે અહીં ફટાકડા સળગાવવાથી નીકળતો ધુમાડો દિલ્હીના લોકોને પણ અસર કરે છે. દિલ્હી સિવાય, હરિયાણાએ ગયા વર્ષે તેના 14 જિલ્લામાં તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, પ્રતિબંધો હોવા છતાં, દિલ્હી, નોઇડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા.