Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડાંગમાં હનુમાન જયંતીની ઉજવણીને લઈને વિવાદ: ખ્રિસ્તી અનુયાયીઓએ હોમ-હવનમાં વિક્ષેપ પાડી તકરાર...

    ડાંગમાં હનુમાન જયંતીની ઉજવણીને લઈને વિવાદ: ખ્રિસ્તી અનુયાયીઓએ હોમ-હવનમાં વિક્ષેપ પાડી તકરાર કરી હોવાનો આરોપ, સામસામી પોલીસ ફરિયાદ

    માંસ ન ખાવાના નિર્ણયને લઈને ખ્રિસ્તી અનુયાયીઓ ભડકી ઉઠ્યા હતા અને તેમણે સ્થળ પર પહોંચી જઈને ચાલુ પૂજાએ તકરાર કરી હતી. 

    - Advertisement -

    ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે હનુમાન જયંતીના કાર્યક્રમ દરમિયાન જૂથ અથડામણ થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. ગામના સ્થાનિક હિંદુઓએ ખ્રિસ્તી અનુયાયીઓ ઉપર હનુમાન જયંતીના કાર્યક્રમ દરમિયાન હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં વિક્ષેપ પાડીને તકરાર કરવાનો આરોપ લગાવ્યો છે જ્યારે સામે પક્ષેથી પણ પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. 

    ઘોડવહળમાં હનુમાન જયંતી નિમિત્તે 5 અને 6 એપ્રિલના રોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ બ્રાહ્મણ દ્વારા ગામના લોકોને સવા મહિના સુધી ગામમાં કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. જેને લઈને ખ્રિસ્તી અનુયાયીઓ વિરોધ કરતા ધસી ગયા હતા. 

    10-15 વર્ષ બાદ આવો કાર્યક્રમ યોજાયો, આગલા દિવસે પણ વિક્ષેપ પાડવાના પ્રયાસ કર્યા હતા: હિંદુ અગ્રણી

    મામલાને લઈને ડાંગ જિલ્લાના સ્થાનિક હિંદુ અગ્રણીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, ગામમાં 10-15 વર્ષ બાદ હનુમાન જયંતી નિમિત્તે આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દરમિયાન પાંચમી તારીખે ભજન-કીર્તનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ખ્રિસ્તી અનુયાયીઓએ 10-11 વાગ્યાના અરસામાં મોટા અવાજે સ્પીકરો ચાલુ કરી દીધા હતા અને જાણીજોઈને કાર્યક્રમમાં ભંગ પાડવામાં આવ્યો હતો. જોકે, તે દિવસે મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું ન હતું. 

    - Advertisement -

    ત્યારબાદ બીજા દિવસે યજ્ઞ બાદ બ્રાહ્મણે ગામલોકોને હવે સવા મહિના સુધી માંસ ન ખાવા માટે સંકલ્પ લેવડાવ્યો અને ગામના હિંદુઓએ પણ સર્વાનુમતે તેમ નક્કી કર્યું હતું. પરંતુ આ નિર્ણયને લઈને ખ્રિસ્તી અનુયાયીઓ ભડકી ઉઠ્યા હતા અને તેમણે સ્થળ પર પહોંચી જઈને ચાલુ પૂજાએ તકરાર કરી હતી. 

    હિંદુ અગ્રણીએ જણાવ્યા અનુસાર, ખ્રિસ્તીઓએ આવીને અમે તો ‘માંસ ખાઈશું જ’ અને ‘તમારે જે કરવું હોય તે કરી લો’ તેમ કહીને માથાકૂટ કરી હતી. જેને લઈને હિંદુ પક્ષેથી સાપુતારા પોલીસ મથકે 12 ખ્રિસ્તી અનુયાયીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. બીજી તરફ, ખ્રિસ્તી પક્ષેથી પણ 7 હિંદુઓ સામે મારામારીની ફરિયાદ કરી હતી. 

    બંને પક્ષેથી ફરિયાદ મળી છે, હજુ FIR થઇ નથી: પોલીસ

    આ મામલે પોલીસ મથકનો સંપર્ક કરતાં સાપુતારા પોલીસના અધિકારી વિનેશ ચૌધરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “બંને પક્ષેથી સામસામી અરજી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી FIR દાખલ કરવામાં આવી નથી. આજે બંને પક્ષો સમાધાન માટે ભેગા થવાના હતા તેવી અમને જાણકારી મળી છે.”

    ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો ગેરકાયદેસર ધર્માંતરણથી અત્યંત અસરગ્રસ્ત છે. અવારનવાર અહીં ગેરકાયદેસર રીતે લોકોને લોભ-લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં