પોંડીચેરી સ્થિત દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ (DCLM) દ્વારા શુક્રવારે કેથોલિક ચર્ચમાં દલિતો સામે થઇ રહેલા કથિત જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત ખ્રિસ્તી સમુદાયે સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરીને ચર્ચના તમામ સ્તરોએ દલિતોને સમાન અધિકારો અને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત વિરોધ કરનારાઓએ સમુદાયમાં જ્ઞાતિ ભેદભાવને નાબૂદ કરવા માટે દલિત આર્કબિશપની નિમણૂંક કરવાની પણ માંગણી કરી હતી. જે બાદ તે જ દિવસે સાંજે DCLMના પ્રમુખ મેરી જોહ્નની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પોંડીચેરીના ઉપ-રાજ્યપાલને મળ્યું હતું અને વડાપ્રધાનને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ખ્રિસ્તી દલિત સમુદાય પોંડીચેરી-કડ્ડલોરના નવા આર્કબિશપ તરીકે ફ્રાન્સિસ કાલિસ્ટની નિમણૂંકનો વિરોધ કરે છે. તેમજ જણાવવામાં આવ્યું હતું કે આર્કબિશપ તરીકે દલિત સમુદાયના વ્યક્તિને નીમવામાં આવે તેવી માંગ સાથે આ ચળવળ ચલાવવામાં આવી રહી છે.
The problems within the Church can no longer be treated as internal religious matter since it involves denial of secular, civil and human rights by the church hierarchy. Dalit Christians need protection of law against caste discrimination in the Church,” https://t.co/62Rgp4jKft
— Articles Daily (@wearticlesdaily) April 30, 2022
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, ચર્ચની અંદરની સમસ્યાઓને હવે આંતરિક ધાર્મિક બાબતો ગણી શકાય નહીં કારણ કે તેમાં ચર્ચ દ્વારા ધર્મનિરપેક્ષ, નાગરિક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન જેવી ઘણી બાબતો સામેલ છે. દલિત ખ્રિસ્તીઓને ચર્ચમાં જ્ઞાતિગત ભેદભાવ વિરુદ્ધ કાયદાના સંરક્ષણની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ભારત અને નેપાળના અપોસ્ટોલિક નન્સીઓ દ્વારા DCLM પ્રતિનિધિમંડળને મળવા માટે સમય ન આપવામાં આવતા તે વિરુદ્ધ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખ્રિસ્તી દલિત સમુદાયે કહ્યું કે, નવા આર્કબિશપની નિમણૂંક માટે અપોસ્ટોલિક પોંડીચેરીમાં આવ્યા હતા, પરંતુ તેમણે DCLM પ્રતિનિધિમંડળને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
જોકે, ચર્ચમાં દલિત ખ્રિસ્તી સમુદાય સાથે જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દક્ષિણ ભારતના દલિત ખ્રિસ્તી સમુદાયના લોકોએ નન્સીઓને મળીને ચર્ચમાં થઇ રહેલા જ્ઞાતિગત ભેદભાવો મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને નાબૂદ કરવાની અપીલ કરી હતી.
દલિત ખ્રિસ્તી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ બીજી ફેબ્રુઆરીના રોજ તમિલનાડુના વેલ્લોરેમાં અપોસ્ટોલિક નન્સીઓને મળ્યું હતું. જેમાં પણ તેમણે પોંડીચેરી અને કડ્ડલોરમાં દલિત ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિને આર્કબિશપ તરીકે નીમવા માટે અપીલ કરી હતી. જોકે, આ મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે નન્સીઓના જવાબ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
DCLM ના પ્રમુખ મેરી જોહ્ને મુલાકાત બાદ જણાવ્યું હતું કે, તેમણે અમારી ફરિયાદો સાંભળી પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કેથલિક ચર્ચ ઓફ ઇન્ડિયામાં દલિતો સામે જ્ઞાતિ ભેદભાવોને સમાપ્ત કરવા મુદ્દેના તેમના પ્રશ્નોની અવગણના કરવામાં આવી હોવાનું દલિત ખ્રિસ્તી પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ફરિયાદો સાંભળીને જ્ઞાતિગત ભેદભાવના સત્યને સ્વીકારવાને બદલે કે આ મામલે કેથલિક ચર્ચના મામલામાં હસ્તક્ષેપની ખાતરી આપવાને બદલે પોપ નન્સીયોએ આ મામલે કોઈ પણ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી ન હતી. અમે તેમના આવા પ્રતિભાવથી ખૂબ નિરાશ થયા છીએ.
ઉલ્લેખનીય છે કે દલિત ખ્રિસ્તી લિબરેશન મુવમેન્ટ દ્વારા અગાઉ પણ ચર્ચમાં દલિત ખ્રિસ્તીઓ સાથે થઇ રહેલા જાતિગત ભેદભાવો મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવતા રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના 2.5 કરોડ ખ્રિસ્તીઓમાંથી 60 ટકા દલિત અને આદિવાસીઓ છે.