ખેડાના ડાકોર ખાતે એક 22 વર્ષીય હિંદુ યુવતીએ મુસ્લિમ યુવકના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી અબ્દુલ્લા મોમિનની ધરપકડ કરી લેવામાં આવી છે.
મૃતક યુવતી ડાકોર ખાતે તેના પરિવાર સાથે રહેતી હતી અને નડિયાદની દિનશા પટેલ કોલેજમાં બી. એસસી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તેના પિતા ડાકોર પોલીસ મથકે ફરજ બજાવે છે. ગત 10 મેના રોજ યુવતીનો પરિવાર લગ્નપ્રસંગ હોઈ બહારગામ ગયો હતો જ્યારે તેની પરીક્ષા હોવાના કારણે તે ઘરે જ રોકાઈ હતી.
દરમ્યાન ગત 12 મેના રોજ યુવતીની માતાએ ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. ઘણા પ્રયત્નો પછી પણ ફોન ન ઉંચકતાં માતાએ પાડોશીને જાણ કરીને ઘરે જઈને જોવા જણાવ્યું હતું. તેમણે જઈને વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. આખરે દરવાજો તોડીને જોતાં યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ યુવતીના પરિજનોને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ડાકોર પહોંચ્યા હતા અને યુવતીના મૃતદેહને વતન લઇ જઈને ત્યાં અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
તમામ અંતિમવિધિ પૂર્ણ થયા બાદ બાદ ગત 18 મેના રોજ યુવતીના પિતાએ તેનો ફોન તપાસતાં અબ્દુલ્લા મોમિન નામનો ઈસમ તેને બ્લેકમેઈલ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતકના મોબાઈલ ફોનમાંથી ઘણા મેસેજ અને રેકોર્ડિંગ મળી આવ્યાં, જેમાં બંને વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થતું હતું કે અબ્દુલ્લા યુવતીને હેરાન કરીને ધમકી આપતો હતો. આ જ ધમકીઓ અને હેરાનગતિથી ત્રાસીને યુવતીએ અંતિમ પગલું ભર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
સબંધો પર પૂર્ણવિરામ મૂક્યા બાદ અબ્દુલ્લાએ હેરાનગતિ શરૂ કરી હતી
રિપોર્ટ્સ અનુસાર, યુવતીનો અગાઉ અબ્દુલ્લા સાથે પ્રેમ સબંધ હતો પરંતુ પછીથી તેણે સબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જેનાથી ઉશ્કેરાયેલા અબ્દુલ્લાએ યુવતીને હેરાન કરવાની શરૂ કરી હતી અને મોબાઈલ પર તેમજ કોલેજમાં પણ તે તેને સતત પરેશાન કરતો રહેતો હતો. યુવતીએ અનેક વખત આઇજી કર્યા છતાં તેણે આ હેરાનગતિ બંધ કરી ન હતી.
યુવતી અને આરોપી વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડિંગ્સ પરથી સ્પષ્ટ થયું હતું કે અબ્દુલ્લાએ યુવતીને તેના અન્ય યુવક સાથે સબંધો હોવાનું કહીને સમાજમાં બદનામ કરવાની અને કોલેજમાંથી રસ્ટિકેટ કરાવવાની ધમકી આપી હતી. અબ્દુલ્લા યુવતીને ‘તને બરબાદ કરીને જ છોડીશ’ તેમ કહીને ધમકી આપતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
યુવતી આજીજી કરતી રહી અને અબ્દુલ્લા હેરાન કરતો રહ્યો
બીજી તરફ, હેરાનગતિથી ત્રાસી ગયેલી યુવતીએ અનેક વખત આજીજી કરીને છોડી દેવા માટે કહ્યું હતું. ઉપરાંત તેણે ફોન ઉપર પણ અંતિમ પગલું ભરવાની તૈયારી બતાવી હતી અને કહ્યું હતું કે, તે બધા પુરાવાઓ મૂકીને જ જશે. અહેવાલ અનુસાર, ફોન ઉપર તે ‘તેં મને મારી નાંખી..’ કહીને જોરજોથી પોક મૂકીને રડતી અને અબ્દુલ્લાને આજીજી કરી રહી હતી, પરંતુ તેમ છતાં અબ્દુલ્લાએ હેરાનગતિ ચાલુ રાખતાં આખરે તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ રેકોર્ડિંગ્સ અને મેસેજના આધારે મૃતક હિંદુ યુવતીના પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવતાં ડાકોર પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આરોપી અબ્દુલ્લા મોમિનની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.