Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્રમાં હવે દહીં-હાંડીને રમતનો દરજ્જો અપાશે, સીએમ શિંદેની જાહેરાત: ગોવિંદાઓને મળશે સ્પોર્ટ્સ...

    મહારાષ્ટ્રમાં હવે દહીં-હાંડીને રમતનો દરજ્જો અપાશે, સીએમ શિંદેની જાહેરાત: ગોવિંદાઓને મળશે સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી, ‘પ્રો દહીં-હાંડી લીગ’ પણ આયોજિત થશે

    લાંબા સમયથી થઇ રહેલી માંગને પગલે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે દહીં-હાંડીને રમતનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    જન્માષ્ટમીના તહેવાર પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે લોકોને ખાસ ભેટ આપી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે (18 ઓગસ્ટ 2022) એક મહત્વપૂર્ણ જાહેરાત કરી મહારાષ્ટ્રમાં દહીં-હાંડીને રમતનો દરજ્જો આપવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત, જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લેતાં તેમણે રાજ્યમાં ‘પ્રો દહીં-હાંડી સ્પર્ધા’ રાખવાની પણ જાહેરાત કરી હતી. 

    મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં દહીં-હાંડીને રમતનો દરજ્જો  પ્રો-દહીં હાંડી પણ આયોજિત થશે. તેમજ ગોવિંદાઓને સ્પોર્ટ્સ કેટેગરીમાં નોકરીઓ પણ મળશે. તેમજ તમામ ગોવિંદાઓને 10 લાખનું વીમાકવર પૂરું પાડવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી. 

    દહીં-હાંડી ઉત્સવ સમન્વય સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખીને દહીં-હાંડીને સાહસિક રમતનો દરજ્જો આપવાની માંગ કરી હતી. સમિતિના સભ્ય અરુણ પાટીએ આ અંગે માહિતી આપતાં જણાયું હતું કે, “લાંબા સમયથી આ બાબતે માંગણી કરવામાં આવી રહી હતી. વર્ષે તહેવારના દિવસે માત્ર એક વખત રમવા કરતાં અમે આશા રાખીએ છીએ કે પ્રો કબડ્ડી જેવી સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજવામાં આવે જેથી ગોવિંદાઓ પ્રેક્ટિસ કરી શકે તેમજ આખા વર્ષ દરમિયાન રમી શકે અને હરીફાઈ કરી શકે.”

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું હતું કે, આનાથી ગોવિંદાઓને વધુ પ્રેક્ટિસ કરવા માટે મદદ મળી રહેશે તેમજ આખું વર્ષ હ્યુમન પિરામિડ બનાવવા માટે સ્વસ્થ રહેશે. અમે સરકારના સભ્યોને સાથે રાખીને એક સમિતિ બનાવીશું અને આને યુવાનો માટેની રમત તરીકે કઈ રીતે વિકસાવી શકાય તે માટેની યોજના ઘડીશું. 

    અહીં નોંધવું જોઈએ કે, પાછલી ઉદ્ધવ ઠાકરે સરકારે બે વર્ષથી દહીં-હાંડી મનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકારે કોરોના મહામારીનું કારણ આપીને હ્યુમન પિરામિડ બનાવીને દહીં-હાંડીના જાહેર કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જે બાદ હિંદુ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીએ તત્કાલીન ઠાકરે સરકારના આ નિર્ણયનો વિરોધ પણ ખૂબ કર્યો હતો. 

    હિંદુ તહેવારો પર લેફ્ટ-લિબરલો દ્વારા સતત કરવામાં આવતા હુમલાઓ વચ્ચે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, તહેવાર અને પરંપરાને જોખમી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં તેને પ્રતિબંધિત કરવાની અરજી પણ કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે દહીં હાંડી પર હ્યુમન પિરામિડની ઊંચાઈ વગેરે બાબતે અમુક નિયંત્રણો લગાવી દીધાં હતાં. કોર્ટે પિરામિડની મહત્તમ ઊંચાઈ 20 ફુટ નક્કી કરી હતી તેમજ સગીરોને ભાગ લેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

    અગાઉ બૉમ્બે હાઇકોર્ટે નિર્દેશો જારી કરીને કહ્યું હતું કે ઊંચાઈ અને વયમર્યાદાને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશોનું કડકપણે પાલન કરવામાં આવે. કોર્ટે ત્યારે દહીં-હાંડીને સાહસિક રમતનો દરજ્જો આપવા બદલ તત્કાલીન સરકારને પણ સવાલોના કઠેડામાં ઉભી રાખી દીધી હતી. પછીથી મુંબઈના એક એક્ટિવિસ્ટ સ્વાતિ પાટીલે એક જાહેરહિતની  અરજી કરી દહીં-હાંડીની ઉજવણી દરમિયાન હાઇકોર્ટના આદેશના ઉલ્લંઘન અને ઉજવણી દરમિયાન થતી ઈજાઓ મામલે સવાલો ઉઠાવ્યા હતા. 

    તેમણે અરજીમાં કહ્યું હતું કે, “ગોવિંદાઓ દ્વારા હાંડી તોડવા માટે બનાવવામાં આવતું હ્યુમન પિરામિડ ભગવાન કૃષ્ણનું હાંડીમાંથી દહીં ખાવા સાથે સબંધિત છે. આ તહેવાર રમત તરીકે ઉજવવાને બદલે તહેવાર તરીકે જ મનાવવામાં આવવો જોઈએ. આપણી પાસે કબડ્ડી અને કહો-કહો જેવી અન્ય રમતો છે, જ્યાં ખેલાડીઓ પાસે રમવા માટેનાં સારાં મેદાનો પણ નથી. સરકારે એક સાહસિક રમત તરીકે માનવપિરામિડની જગ્યાએ વર્તમાન આઉટડોર રમતોને પુનર્જીવિત કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ.” 

    એ પણ નોંધનીય છે કે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આ વર્ષે જુલાઈ મહિનામાં દહીં હાંડી સબંધિત આંદોલન મામલે દાખલ કરવામાં આવેલ તમામ કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. સીએમ શિંદેએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, માર્ચ 2023 સુધીમાં આવા તમામ કેસો પરત ખેંચી લેવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં