Monday, October 2, 2023
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિપરજોય વાવાઝોડું આગામી 12 કલાકમાં ગંભીર બનવાની શક્યતા, ગુજરાતના કાંઠે ટકરાય તેવી...

    બિપરજોય વાવાઝોડું આગામી 12 કલાકમાં ગંભીર બનવાની શક્યતા, ગુજરાતના કાંઠે ટકરાય તેવી શક્યતા ઓછી: હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સાબદું

    ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાવાની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાંથી પરત બોલવામાં આવ્યા છે અને શિવરાજપુર, દીવ, પોરબંદર સહિતના બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    ગુજરાત તરફ આવી રહેલું ‘બિપરજોય’ વાવાઝોડું આગામી 12 કલાકમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, વર્તમાન દિશા પ્રમાણે વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તેવી શક્યતા ઓછી છે. હવામાન વિભાગના મતે બિપરજોય ગુજરાતના પોરબંદરથી 200-300 કિમીના અંતરેથી પસાર થશે એટલે વાવાઝોડું રાજ્યમાં વિનાશ વેરે તેવી શક્યતા ઓછી છે.

    ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ તરફ જઈ રહેલાં વાવાઝોડાએ એકાએક દિશા બદલી નાખતાં ગુજરાત માટે સંકટ સર્જાયું હતું. બિપરજોયની હાલની દિશા પ્રમાણે તે કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે. જો વાવાઝોડાએ ફરી દિશા ન બદલી તો તે પોરબંદરથી 300 કિમી અને નલિયાથી 200 કિમી દૂરથી પસાર થઈ જશે. બિપરજોયના કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

    હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, “11 જૂન, 2023ના રોજ 2.30 કલાકે અત્યંત તીવ્ર બિપરજોય ચક્રવાત પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર પોરબંદરથી લગભગ 510 કિમીના અંતરે હતું, જેની તીવ્રતા આગામી છ કલાકમાં વધી શકે છે. બિપરજોય ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠે 15 જૂન, 2023 સુધી પહોંચવાની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને એ પછીના ત્રણ દિવસોમાં તેની દિશા ઉત્તર-ઉત્તરપશ્ચિમ થઈ જશે.”

    - Advertisement -

    ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાવાની આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાંથી પરત બોલવામાં આવ્યા છે અને શિવરાજપુર, દીવ, પોરબંદર સહિતના બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. કટોકટીની સંભાવનાને પગલે દરેક જિલ્લાના વહીવટ તંત્ર કામે લાગી ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર ખતરાને ધ્યાનમાં રાખતાં NDRF અને SDRFની ટીમો પણ તહેનાત થઈ ગઈ છે. તો કંડલા પોર્ટ સહિત તમામ પોર્ટ પર સિગ્નલ 2 લગાવાયું છે અને કોસ્ટ ગાર્ડ હવાઈ નિરીક્ષણ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. 13મીની રાત્રે કે 14મીની સવારે વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

    IMDની આગાહી અનુસાર, બિપરજોય ચક્રવાતને લીધે 11 અને 12 જૂને 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે જ્યારે 13થી 15 જૂન દરમિયાન પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક થઈ જશે. 10થી 15 જૂન દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં