Wednesday, May 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલેન્ડફૉલ શરૂ પરંતુ ‘વાવાઝોડાની આંખ’ હજુ કાંઠે ટકરાવાની બાકી: જાણો શું હોય...

    લેન્ડફૉલ શરૂ પરંતુ ‘વાવાઝોડાની આંખ’ હજુ કાંઠે ટકરાવાની બાકી: જાણો શું હોય છે ‘Eye of a cyclone’, કેમ કરે છે વધુ નુકસાન

    લેન્ડફૉલની પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યો છે કારણ કે વાવાઝોડાની આંખ (Eye of a cyclone) મોટી છે અને પચાસેક કિલોમીટરનો વ્યાસ ધરાવે છે.

    - Advertisement -

    ચક્રવાત બિપરજોયના લેન્ડફૉલની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. હાલ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ (15 જૂન, રાત્રે 9:45 વાગ્યે) ચક્રવાત કચ્છના જખૌથી 30 કિલોમીટર દૂર છે. મધ્ય રાત્રિ સુધી આ લેન્ડફૉલની પ્રક્રિયા ચાલશે, ત્યારબાદ પવનની ગતિ ધીમી પડવા માંડશે. જોકે, વાવાઝોડાની આંખ હજુ કાંઠા સાથે ટકરાઈ નથી. 

    હવામાન વિભાગ અનુસાર, હાલ વાવાઝોડું જખૌથી 30 કિમી જ્યારે દ્વારકાથી 110 કિલોમીટર અને કચ્છના નલિયાથી 60 કિમી દૂર છે. લેન્ડફૉલ દરમિયાન તેની ઝડપ 115થી 125 કિલોમીટર/કલાકની રહેવાની સંભાવના છે. મધ્ય રાત્રિ સુધીમાં લેન્ડફૉલ થયા બાદ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમેધીમે ઝડપ ઘટતી જશે. 

    હવામાન વિભાગે જણાવ્યું કે, લેન્ડફૉલની પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યો છે કારણ કે વાવાઝોડાની આંખ (Eye of a cyclone) મોટી છે અને પચાસેક કિલોમીટરનો વ્યાસ ધરાવે છે. જે રીતે વાવાઝોડું 12થી 15 કિલોમીટર પ્રતિ/કલાકની ઝડપે કાંઠા તરફ આવી રહ્યું છે તેને જોતાં તે લેન્ડફૉલ પ્રક્રિયા પૂર્ણ કરતાં 4 કલાકનો સમય લગાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    અહીં નોંધવું જોઈએ કે લેન્ડફૉલની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે પરંતુ વાવાઝોડાની આંખ હજુ કાંઠા સાથે ટકરાઈ નથી. વાવાઝોડાની આંખ કોઈ પણ ચક્રવાતનો સૌથી ખતરનાક ભાગ હોય છે. તે વાવાઝોડાનો એકદમ વચ્ચેનો ભાગ હોય છે, જ્યાં હવાની ઝડપ અત્યંત વધારે હોય છે. વાવાઝોડું એક ચોક્કસ વિસ્તાર બનાવીને આગળ વધે છે, તેના કેન્દ્રને તેની આંખ કહેવાય છે.

    વાવાઝોડાની આંખની આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થાય છે. જોકે જે વિસ્તાર આંખની બરાબર નીચે હોય ત્યાં હવામાન એકદમ સામાન્ય હોય છે અને ન પવનની ઝડપ વધુ હોય કે ન તેજ વરસાદ પડે છે. જેથી લાગે કે તૂફાન શમી ગયું છે, પરંતુ જેવી આંખ ત્યાંથી પસાર થાય કે તરત ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ જાય છે અને તબાહી મચાવી દે છે. આંખ પસાર થાય તે પહેલાં જો પવન પૂર્વથી પશ્ચિમ દિશામાં હોય તો પસાર થઇ ગયા પછી તે પશ્ચિમથી પૂર્વ દિશામાં થઇ જાય છે, જેના કારણે નુકસાન વધુ થાય છે. 

    જોકે, અહીં રાહતની વાત એ છે કે જખૌમાં જ્યાંથી આ વાવાઝોડાની આંખ પસાર થશે ત્યાં બહુ વસ્તી નથી. તેની આગળ કચ્છનું રણ આવેલું છે અને આગળ જતાં આંતરરાષ્ટ્રીય સરહદ આવી જાય અને ત્યાંથી પાકિસ્તાન શરૂ થઇ જાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં