Monday, April 22, 2024
More
  હોમપેજગુજરાતબિપરજોય આજે કચ્છના જખૌમાં કરશે લેન્ડફોલ: વાવાઝોડાથી સંભવિત તબાહીને પગલે તંત્ર સજ્જ,...

  બિપરજોય આજે કચ્છના જખૌમાં કરશે લેન્ડફોલ: વાવાઝોડાથી સંભવિત તબાહીને પગલે તંત્ર સજ્જ, 74,000નું સ્થળાંતર, સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા

  બિપરજોય એટલે કે ‘આફત’ને પગલે તંત્ર ઉપરાંત રેસ્ક્યુ ટીમ પણ સજ્જ થઈ જાય છે. NDRFની 15 અને SDRFની 12 ટુકડીઓ તહેનાત થઈ ગઈ છે. તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) પણ સંભવિત પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયું છે.

  - Advertisement -

  અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું બિપરજોય આજે કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે ત્યારે દરિયાકાંઠા સહિતના વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાંથી ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર પર તોળાતાં સંકટને પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે અને જોખમી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  વાવાઝોડું બિપરજોય બુધવારે સાંજ સુધીમાં જખૌથી 240 કિમી, દ્વારકાથી 260 કિમી, પોરબંદરથી 310 કિમી અને નલિયાથી 260 કિમી દૂર હતું. અહેવાલ અનુસાર, જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

  હવામાનની આગાહી મુજબ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 8 કલાક અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે. બિપરજોયને કારણે 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

  - Advertisement -

  હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાંજે પાંચ વાગ્યા બાદ વાવાઝોડાંની તીવ્ર અસર જોવા મળશે. આ દરમિયાન પવનની ગતિ 130-145 કિમી/કલાકની રહેશે અને સાંજે વાવાઝોડું ટકરાયા બાદ તેની અસર 4 થી 6 કલાક રહેવાની શક્યતા છે. વાવાઝોડું કચ્છના જખૌ ખાતે લેન્ડફોલ કરશે અને ત્યાંથી લખપતથી કચ્છના રણને વટાવીને રાજસ્થાનમાં શાંત થવાની શક્યતા છે.

  આ દરમિયાન, અરબ સાગરમાં જોવા મળેલા ‘બિપરજોય’ ચક્રવાતનું રૌદ્ર સ્વરૂપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જોવા મળ્યું હતું. જેના પરથી ચક્રવાતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે.

  બિપરજોય એટલે કે ‘આફત’ને પગલે તંત્ર ઉપરાંત રેસ્ક્યુ ટીમ પણ સજ્જ થઈ જાય છે. NDRFની 15 અને SDRFની 12 ટુકડીઓ તહેનાત થઈ ગઈ છે. તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) પણ સંભવિત પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયું છે. બીએસએફ ગુજરાતના ઇન્સ્પેક્ટર જનરલ રવિ ગાંધીએ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  બીજી તરફ બિપરજોયની આફત વચ્ચે 14 જૂનના રોજ કચ્છમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મે 2021માં આવેલા ‘તાઉતે’ બાદ ગુજરાતમાં બે વર્ષમાં આ બીજું વાવાઝોડું આવ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં