Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિપરજોય કચ્છના જખૌથી 80 કિલોમીટર દૂર, રાત્રે લેન્ડફૉલ કરશે: ભુજ, જામનગર અને...

    બિપરજોય કચ્છના જખૌથી 80 કિલોમીટર દૂર, રાત્રે લેન્ડફૉલ કરશે: ભુજ, જામનગર અને રાજકોટના એરપોર્ટ બંધ કરાયા, NDRFની 18 ટીમ તહેનાત 

    અનુમાન મુજબ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર પરથી પસાર થશે. લેન્ડફોલ સાંજે 9-10 વાગ્યાની આસપાસ શરૂ થશે અને મધ્ય રાત્રિ સુધી ચાલશે.

    - Advertisement -

    અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય કચ્છ તરફ આગળ વધી રહ્યું છે અને આ લખાય રહ્યું છે ત્યારે તે જખૌથી માત્ર 80 કિલોમીટર દૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દરમ્યાન, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

    અનુમાન મુજબ બિપરજોય આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર પરથી પસાર થશે. લેન્ડફોલ સાંજે 9-10 વાગ્યાની આસપાસ શરૂ થશે અને મધ્ય રાત્રિ સુધી ચાલશે. IMDના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, કાંઠે ટકરાયા બાદ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને સવાર સુધીમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર/કલાક સુધીની થઇ જશે. 

    વાવાઝોડું ટકરાય ત્યારે સૌથી વધુ અસર કચ્છના હવામાન પર થશે, જેની અસર અત્યારથી દેખાવાની શરૂ થઇ ગઈ છે અને ભુજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પવનની ગતિ 110થી 125 કિલોમીટર/કલાકની રહેવાનું અનુમાન છે. આમ તો વાવાઝોડાની ગતિ ઓછી થઇ છે પરંતુ પવનની આટલી ગતિ પણ ખતરનાક માનવામાં આવે છે. 

    - Advertisement -

    IMD અધિકારીઓ અનુસાર, વાવાઝોડું ટકરાય ત્યારે સ્ટ્રક્ચરલ ડેમેજ થઇ શકે છે અને કાચાં મકાનોને અસર થઇ શકે છે. આ ઉપરાંત હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો અને વીજળી અને ટેલીફોનના થાંભલાને પણ મોટી સંખ્યામાં નુકસાન થઇ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠા પર આવેલા જિલ્લાઓ  પોરબંદર, દ્વારકા, મોરબી, જામનગરમાં સૌથી વધુ અસર થઇ શકે છે, જેથી હવામાન વિભાગે લોકોને બહાર ન ફરવા તેમજ માર્ગ, હવાઈ અને રેલવે તમામ પરિવહન હાલ પૂરતા સ્થગિત કરવા માટે જણાવ્યું છે. દરિયામાં 16મીની સવાર સુધી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 

    ભુજ, જામનગર અને રાજકોટ એરપોર્ટ બંધ કરાયા

    વાવાઝોડાને કારણે ભુજ, જામનગર અને રાજકોટ એરપોર્ટ પર કામચલાઉ ધોરણે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યાં છે. જામનગર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે હાલ માત્ર ઇમરજન્સી ફ્લાઈટ્સ જ ઉડાવવામાં આવશે અને સંપૂર્ણ ધ્યાન બચાવકાર્ય પર આપવામાં આવી રહ્યું છે. આ માટે પૂરતા ઇંધણની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ એરપોર્ટ ઉપર કોઈ પણ પ્લેન પાર્ક કરવામાં આવ્યાં નથી. 

    રાજકોટ એરપોર્ટ પર આજની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે ભુજ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે.  જોકે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે. 

    NDRFની 18 ટીમો તહેનાત

    વધુમાં, વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની કુલ 18 ટીમ તહેનાત કરવામાં આવી છે. આ સાથે દીવમાં વધારાનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. NDRFની કચ્છમાં 6 ટીમ જ્યારે દ્વારકા, વલસાડ, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથમાં એક-એક ટીમ મૂકવામાં આવી છે. આ તમામ ટીમો સાધનોથી સજ્જ છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે તેમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અમુક ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે, જેને જરૂર પડ્યે એરલિફ્ટ કરી દેવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં