કોલકાતાની RG કર મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે રેપ અને ત્યારબાદ હત્યાના ઘૃણાસ્પદ બનાવ બાદ બંગાળ અને દેશમાં અન્ય ઠેકાણે ચાલતાં પ્રદર્શનો વચ્ચે હાઈકોર્ટે મામલો CBIને મોકલી આપ્યો છે. કોર્ટે તાત્કાલિક કેસને લગતા તમામ દસ્તાવેજો કેન્દ્રીય એજન્સીને સોંપવા માટે આદેશ કર્યો છે.
નોંધવું જોઈએ કે ગત શુક્રવારે (9 ઑગસ્ટ) કોલકાતાની આ હૉસ્પિટલમાં એક પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડૉક્ટરનો મૃતદેહ મળી આવી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની સાથે રેપ થયા બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જે મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. બીજી તરફ, ન્યાયની માંગ સાથે કોલકાતા તેમજ દેશનાં અન્ય શહેરોમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.
આ મામલે મૃતકના માતા-પિતાએ કોર્ટમાં અપીલ કરીને કોર્ટની દેખરેખ હેઠળ મામલાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. બીજી તરફ, CBI તપાસની માંગ કરતી કેટલીક જાહેરહિતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.
આ પહેલાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જે રીતે હૉસ્પિટલ ઑથોરિટી કેસ સંભાળી રહી હતી, તેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મેનેજમેન્ટ તરફથી અમુક બાબતોમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મૃતદેહ રસ્તા પરથી નહતો મળી આવ્યો, એક હૉસ્પિટલમાં આ ઘટના બની હતી અને એટલે તેના સુપ્રિટેન્ડેન્ટ કે મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલે ફરિયાદ નોંધાવવી જોઈતી હતી.
કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને પણ આડેહાથ લીધી હતી અને પ્રશ્ન કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે આખરે શા માટે RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે રાજીનામું આપ્યાના થોડા જ કલાકોમાં તેમની નિમણૂક અન્ય મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે કરી દેવામાં આવી? કોર્ટે કહ્યું કે, પહેલાં મહિલા ડૉક્ટરના મૃત્યુને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પછીથી પૂર્વ પ્રિન્સિપાલે બિનજવાબદારીભર્યાં નિવેદનો આપ્યાં હતાં.
‘જો તેઓ પદ પરથી ઉતરી ગયા હોય તો ફરી નિમણૂક કરવાની શું જરૂર હતી?’
કોર્ટે કહ્યું, “જો તેઓ નૈતિક જવાબદારી સ્વીકારીને પદ પરથી ઉતરી ગયા હોય તો પછી તમારે (સરકાર) તેમની ફરી નિમણૂક શા માટે કરવી જોઈએ? કામ કરતા તમામ ડૉક્ટરોની જવાબદારી પ્રિન્સિપાલની છે. તેઓ સંવેદના નહીં દર્શાવે તો કોણ દર્શાવશે? તેમણે કામ જ ન કરવું જોઈએ. તેમને ઘરભેગા કરો. તેઓ એટલા શક્તિશાળી છે કે સરકારના વકીલો તેમનો પક્ષ રાખી રહ્યા છે.
આ સિવાય કોર્ટે કહ્યું કે, જે ડૉક્ટરો પ્રદર્શનો કરી રહ્યા છે તેઓ ખોટા નથી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તે વ્યાજબી છે. રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે કે આ ડૉક્ટરોને સાંભળવામાં આવે. કોર્ટે આ મામલે એક સીલ કરેલા કવરમાં વિગતો માંગી હતી અને પૂછ્યું હતું કે આખરે શા માટે તપાસ CBIને સોંપવામાં ન આવી. આખરે આદેશ પસાર કરીને મામલો CBIને મોકલી આપવામાં આવ્યો છે.