Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની ઘોષણા; સ્ટાર્ક સિરીઝ શરુ કરવા માટે...

    બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમની ઘોષણા; સ્ટાર્ક સિરીઝ શરુ કરવા માટે શંકાસ્પદ, નવા સ્પિનરને તક અપાઈ

    ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલ રમવા માટે આ સિરીઝ જીતવી અત્યંત મહત્વની છે આથી જો ચારેય કેન્દ્રોમાં પીચ ટર્નીંગ ટ્રેક જ હશે તો નવાઈ નહીં લાગે.

    - Advertisement -

    આવનારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે તેની ટીમ જાહેર કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દર બે વર્ષે એક બીજાના ગૃહમાં રમાતી આ સિરીઝ ટેસ્ટ ક્રિકેટ વિશ્વની સહુથી મોટી સ્પર્ધાઓમાંથી એક ગણવામાં આવે છે. વર્ષ 2004 બાદ ઓસ્ટ્રેલિયા ક્યારેય આ ટ્રોફી ભારતમાં નથી જીત્યું આથી તેના માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.

    ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઇલીએ પેટ કમિન્સની કપ્તાની હેઠળની આ ટીમ જાહેર કરતાં જણાવ્યું હતું કે “અમે એ પ્રકારની ટીમ સિલેક્ટ કરી છે જે ગમે તે પરિસ્થિતિને અનુકુળ થઈને અમારી રમતને ઊંડાણ આપે તેમજ સમય આવે તેમાં ફેરફાર પણ કરી શકાય.”

    ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ વખતે ચાર સ્પિનર્સ જોવા મળશે જ્યારે પાંચ ફાસ્ટ બોલર્સ પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમના મુખ્ય સ્પિનર નેથન લાયનની સાથે મિચેલ સ્વિપસન અને એશ્ટન એગાર તો હશે જ પરંતુ આ વખતે ટીમમાં અનકેપ્ટ્ડ સ્પિનર ટોડ મર્ફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    કેપ્ટન પેટ કમિન્સ સાથે મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને સ્કોટ બોલેંડ ફાસ્ટ બોલિંગનો મોરચો સંભાળશે. જો કે મિચેલ સ્ટાર્કની સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં થયેલી આંગળીની ઈજા હજી સુધી રુઝાઈ ન હોવાથી તે નાગપુર ખાતેની પ્રથમ ટેસ્ટ ગુમાવશે તેમ પણ જાણવા મળ્યું છે.

    વર્ષો બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરનારા મેથ્યુ રેનશો અને પીટર હેન્ડ્સકોમ્બે પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મેળવ્યું છે. જો કે માર્કસ હેરીસ આ વખતે ઓસ્ટ્રેલિયન સિલેક્ટરોને પસંદ આવ્યો નથી એથી તેને પડતો મુકવામાં આવ્યો છે.

    ભારતની પીચો મુખ્યત્વે સ્પિનર્સને જ મદદ કરતી હોય છે એવામાં ઓસ્ટ્રેલિયા દ્વારા ચાર સ્પિનર્સની પસંદગી કરવી સ્વાભાવિક છે. જો કે પ્લેયિંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલર્સ રહેશે કે ત્રણ સ્પિનર્સ એ જોવાનું રહેશે.

    બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની ચાર ટેસ્ટ્સ નાગપુર ઉપરાંત નવી દિલ્હી, ધરમસાલા અને અમદાવાદમાં રમાશે. જેમાં ઐતિહાસિક રીતે નાગપુરની પીચ ફાસ્ટ બોલર્સને શરૂઆતમાં મદદ કરતી હોય છે પરંતુ બાકીની પીચો સ્પિનર્સને જ મદદ કરતી હોય છે.

    ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલ રમવા માટે આ સિરીઝ જીતવી અત્યંત મહત્વની છે આથી જો ચારેય કેન્દ્રોમાં પીચ ટર્નીંગ ટ્રેક જ હશે તો નવાઈ નહીં લાગે. આ ઉપરાંત ભારત સતત પોતાના ઘરે અને ઓસ્ટ્રેલિયામાં જીતીને આ ટ્રોફી જાળવી રાખતું આવ્યું છે આથી આ રેકોર્ડને બચાવી રાખવા માટે પણ આ પ્રકારની પીચો આપવામાં આવી શકે છે.

    બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 માટે ઓસ્ટ્રેલિયન ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેંડ, એશ્ટન એગાર, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખવાજા, ટ્રેવીસ હેડ, નેથન લાયન, માર્નસ લબુશેન, ટોડ મર્ફી, લાન્સ મોરીસ, સ્ટિવ સ્મિથ, મેથ્યુ રેનશો, મિચેલ સ્વિપસન, ડેવિડ વોર્નર અને મિચેલ સ્ટાર્ક

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં