Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કૌભાંડ ખુલ્લાં પાડવાના દાવા કરનારો જ પાંજરે પૂરાયો’: તોડકાંડ વિશે બોલ્યા ભાજપ...

    ‘કૌભાંડ ખુલ્લાં પાડવાના દાવા કરનારો જ પાંજરે પૂરાયો’: તોડકાંડ વિશે બોલ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ, કહ્યું- પોતાના બચાવમાં બીજાનું નામ લેવું યોગ્ય નથી

    નામ લેવું અને પુરાવા રજૂ કરવા અલગ-અલગ વાત છે. નામ આપવાનો તેમનો અધિકાર છે પરંતુ પુરાવા આપવાની પણ તેમની ફરજ છે. પોતાના બચાવમાં કોઈ વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી: પાટીલ

    - Advertisement -

    ડમી કાંડમાં નામો જાહેર કરવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયા પડાવવાના આરોપસર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થયા બાદથી જ આ મુદ્દો ચર્ચામાં છે. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે આ મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ આવાં કાંડ ખુલ્લાં પાડવાના દાવા કરતો હતો તે જ આજે પાંજરે પુરાયો છે. 

    રવિવારે (23 એપ્રિલ, 2023) મીડિયા સાથે વાત કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે કહ્યું, “આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. તેણે કરોડો રૂપિયા આમાંથી પડાવી લીધા છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વિડીયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે.”

    યુવરાજસિંહ જાડેજાએ પોલીસ સામે હાજર થતાં પહેલાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના નેતાઓનાં નામો લઈને તેઓ પણ કૌભાંડમાં સામેલ હોવાના દાવા કર્યા હતા. પરંતુ પોલીસ સામેની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે, તેમની પાસે આ આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી અને અન્ય લોકોના કહેવાથી અને ધરપકડની આશંકાના કારણે આ નામો લીધાં હતાં. 

    - Advertisement -

    ‘નામ લેવું અને પુરાવા રજૂ કરવા- બંને અલગ બાબતો’

    આ બાબતને લઈને પૂછવામાં આવતાં ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, “નામ લેવું અને પુરાવા રજૂ કરવા અલગ-અલગ વાત છે. નામ આપવાનો તેમનો અધિકાર છે પરંતુ પુરાવા આપવાની પણ તેમની ફરજ છે. પોતાના બચાવમાં કોઈ વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી. તેમણે જે નામો આપ્યાં છે તેની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર પણ કર્યું છે કે, જે નામ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યાં હતાં તેમાંનું એક પણ નામ પોતાના નિવેદનમાં લખાવ્યું નથી કે કોઈ પુરાવા પણ આપ્યા નથી. જેથી ફક્ત વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સફળ થશે નહીં, કારણ કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.

    તેમણે ઉમેર્યું કે, “જે રીતે પુરાવા આવતા જાય છે તેને જોતાં અનેક ચોંકાવનારી બાબતો જાણવા મળશે તેમ લાગે છે. આ વ્યક્તિ આવાં કૌભાંડોમાં સંડોવાયેલો હશે તો તે અને સાથે અન્ય પણ લોકોનાં નામ ખુલશે તેમ લાગે છે.” 

    શું છે કેસ? 

    ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની તાજેતરમાં જ ભાવનગર પોલીસે ડમીકાંડમાં નામો જાહેર કરવાની ધમકી આપીને, ડરાવી-ધમકાવીને બે વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં ધરપકડ કરી લીધી હતી. તેમની સાથે અન્ય પાંચ લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ યુવરાજ પોલીસ રિમાન્ડ પર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં