Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો’: વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો, લગ્નની નોંધણી...

    ‘કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરો’: વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો, લગ્નની નોંધણી જે-તે જિલ્લામાં જ ફરજિયાત કરવાની પણ માંગ

    અમુક કિસ્સાઓમાં પ્રેમલગ્ન કે કોર્ટ મેરેજ મા-બાપની મંજૂરી વગર થાય છે, જેના કારણે ક્રાઇમ રેશિયો પણ ઊંચો જાય છે. જો માતા-પિતાની મંજૂરીથી આવાં લગ્ન થાય તો આ કિસ્સાઓમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળશે: ભાજપ MLA

    - Advertisement -

    કોર્ટ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી અનિવાર્ય કરવાની માંગ ગુજરાતમાં અગાઉ પણ ઉઠતી રહી છે ત્યારે હાલ ચાલતા વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ફરી ચર્ચાયો હતો. ધારાસભ્યોએ માંગ કરી છે કે રજિસ્ટર્ડ કોર્ટ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેમજ જે-તે જિલ્લામાં જ લગ્નની નોંધણી કરવામાં આવે. 

    કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરતાં કહ્યું કે, રજિસ્ટર્ડ કોર્ટ મેરેજના મામલામાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવામાં આવવી જોઈએ અને આ રજીસ્ટર્ડ મેરેજ જે-તે જિલ્લામાં જ થવાં જોઈએ.

    કેટલાક કિસ્સાઓમાં અસામાજિક તત્વો લોભ-લાલચ આપીને પાર્ટનરને ફસાવી દેતા હોય છે જેના કારણે માતાપિતાએ કોર્ટના દરવાજા પણ ખખડાવવા પડે છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું કે અમુક કિસ્સાઓમાં આપઘાત પણ થતા હોય છે. જેને નિવારવા માટે પગલાં લેવાં જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના જ મતવિસ્તારમાં તેઓ આવા કિસ્સાઓ બનતા જોઈ ચૂક્યા છે. 

    - Advertisement -

    મીડિયા સાથેની વાતચીતમાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે, અમુક કિસ્સાઓમાં પ્રેમલગ્ન કે કોર્ટ મેરેજ મા-બાપની મંજૂરી વગર થાય છે, જેના કારણે ક્રાઇમ રેશિયો પણ ઊંચો જાય છે. જો માતા-પિતાની મંજૂરીથી આવાં લગ્ન થાય તો આ કિસ્સાઓમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળશે. 

    આગળ તેમણે કહ્યું કે, અમુક કિસ્સાઓમાં કોર્ટ મૅરેજ જે-તે વિસ્તારોમાં નોંધવામાં આવતા નથી અને છોકરા-છોકરીઓ દસ્તાવેજો સંતાડીને અન્ય જગ્યાએ જઈને લગ્નની નોંધણી કરાવે છે. જેથી અમે સરકારને વિનંતી કરી છે કે આવા કાયદામાં બદલાવ કરીને તેમાં સુધારો કરવો જોઈએ અને સરકાર આ મામલે સકારાત્મક પગલાં ઉઠાવશે. 

    કોંગ્રેસનું પણ સમર્થન, કહ્યું- ગામમાં જ થવી જોઈએ નોંધણી 

    ભાજપ ધારાસભ્યની આ માંગ પણ કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, લવ મેરેજની નોંધણી જે-તે ગામમાં જ કરવામાં આવવી જોઈએ. જો લવ મેરેજ ધાર્મિક વિધિ પ્રમાણે કરવામાં આવે તો તે ગામના જ મંદિરમાં કરવામાં આવવાં જોઈએ. તેમજ એવી પણ માંગ કરવામાં આવી કે આ સ્થિતિમાં પંચમાં ગામના જ વ્યક્તિઓને સામેલ કરવામાં આવવા જોઈએ. 

    તેમણે કહ્યું કે, “ડોક્યુમેન્ટ લઈને, મા-બાપ અને સગાં-સબંધીઓને અજાણ રાખીને લગ્ન કરે તો તે અંતે દીકરી માટે જ દુઃખદાયક હોય છે. જ્યારે પોતાની વાતનું ભાન થાય અને જ્યારે તકલીફ થાય ત્યારે પસ્તાવો કરતી હોય છે પણ તે સમયે તેના હાથની વાત રહેતી નથી. કોઈ પણ સમાજ હોય કે પરિવાર હોય, ત્રણ-ચાર પેઢીઓ સુધી ઘસાતો હોય ત્યારે તેની પ્રતિષ્ઠા બને છે. પરંતુ અસામાજિક વ્યક્તિના કારણે પરિવારની પ્રતિષ્ઠા ખરડાય છે. જેથી કોર્ટ મેરેજ કે લવ મેરેજ થાય તેનો વાંધો નથી પરંતુ ગામમાં નોંધણી થવી જોઈએ અને ધાર્મિક વિધિ પણ ગામમાં જ તેવી જોઈએ તે પ્રકારની આજે વિધાનસભા ગૃહમાં માંગણી કરવામાં આવી હતી.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં