Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી: લેખક અમિષ...

    ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી: લેખક અમિષ ત્રિપાઠીએ જણાવ્યું કે શા માટે PM મોદીને આપશે વોટ, કહ્યું- જોઈએ ચાણક્ય જેવું નેતૃત્વ

    અમિષ ત્રિપાઠી કહે છે કે, વૈશ્વિક ઇતિહાસના આવા નિર્ણાયક સમયમાં આપણને એવા નેતૃત્વની જરૂર છે જે ઊંડી પ્રેરણા અને ઉત્તમ ક્ષમતાઓથી સજ્જ હોય, મહેનતુ હોય અને જનતાને પોતાની સાથે લઈને ચાલે. દેશ અને સભ્યતાને આજે ચાણક્ય જેવા નેતૃત્વની જરૂર છે.

    - Advertisement -

    દેશના જાણીતા લેખક અમિષ ત્રિપાઠીએ લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તેઓ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાજપને મત આપવા માંગે છે. ‘Shiva Trilogy’થી દેશભરમાં જાણીતા બનેલા લેખક અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે રાજનીતિ પર કંઈ નહીં બોલવાનો નિયમ બનાવ્યો હતો, પરંતુ તેઓ પોતે જ બનાવેલા આ નિયમને તોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની રાષ્ટ્રીય સરકારને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જરૂરી છે કે, ભાજપના ઉમેદવારોના માધ્યમથી PM મોદીને વોટ આપવામાં આવે.

    પોતાના નિર્ણય પાછળની વિચારસરણીને સમજાવતા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, ગરીબીમાં નાટકીય રીતે ઘટાડો થયો છે, ભારતની નાણાંકીય સ્થિતિ અને આવક મજબૂત થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક સુધારો થયો છે, આ સુધારો તેઓ મુંબઈથી જોઈ શકે છે, જ્યાં તેઓ રહે છે. સાથે જ વારાણસીમાં પણ તેમને આ સુધારો જોવા મળ્યો છે. GDP વિકાસ દર વધી રહ્યો છે, સ્ટાર્ટઅપ્સને સમર્થન મળી રહ્યું છે, લઘુ ઉદ્યોગો માટે લોન આપવામાં આવી રહી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે તેમણે તેમના વાચકો, ખાસ કરીને યુવાનો પાસેથી સાંભળ્યું છે.

    આ કારણો ઉપરાંત, અમિષ ત્રિપાઠીએ ગણાવ્યું કે, જન કલ્યાણની યોજનાઓ પણ સામાન્ય લોકો સુધી સીધી પહોંચી રહી છે, જ્યારે પહેલાં તેમાં ગેરરીતિઓ થતી હતી. જોકે, તેમણે PM નરેન્દ્ર મોદીને મત આપવાનું મહત્વનું કારણ એ ગણાવ્યું છે કે, 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી જે વૈશ્વિક વ્યવસ્થાઓનો જન્મ થયો હતો, તે હવે તેના અંત તરફ છે. IIM કોલકાતામાં ભણેલા અમિષનું માનવું છે કે, વિશ્વના જુદા-જુદા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, જૂનાં ગઠબંધનો તૂટી રહ્યાં છે.

    - Advertisement -

    અમિષ ત્રિપાઠીનું માનવું છે કે, પેઢીઓમાં એકવાર આવતી કોરોના જેવી મહામારીની અસરોનો સામનો કરવા માટે વિશ્વ એકસાથે આવવા સક્ષમ નથી. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ ઋણ સંકટ છે, સમુદ્રી ચાંચિયાગીરીનો મુદ્દો છે, યુદ્ધમાં વપરાતા હાઈટેક હથિયારોની કિંમતમાં ઘટાડો થયો છે, જેના કારણે હુથી વિદ્રોહીઓ સુએઝ નહેરને રોકી શકે છે, પર્યાવરણની સમસ્યા છે. આ સમસ્યાઓને ટાઈમ બૉમ્બ ગણાવતાં અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આમાંથી મોટા ભાગની સમસ્યાઓનો સામનો કરવા માટે દુનિયા તૈયાર નથી, જ્યારે આ તો ફાટવા માટે તલપાપડ છે.

    અમિષ ત્રિપાઠી એવા લેખક છે, જેમના પુસ્તકોની 75 લાખથી વધુ નકલો વેચાઈ છે. તેમણે કહ્યું, “જ્યારે કોઈ વૈશ્વિક વ્યવસ્થા ધ્રુજી ઉઠે છે, ત્યારે તે સામાન્ય રીતે અરાજકતા, ઉથલપાથલ અને ઘણીવાર યુદ્ધ તરફ દોરી જાય છે. આપણે અરાજકતા અને ગહન પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ અને વિશ્વ હવે પોતાના પગ પર ઊભું રહી શકે છે કે નહીં, તે આગામી સદીઓ માટે વૈશ્વિક વ્યવસ્થા નક્કી કરશે. આવા સંવેદનશીલ સમયમાં આપણને એક ઉમદા નેતૃત્વની જરૂર છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે અસાધારણ નેતૃત્વ હતું. તેનાથી વર્તમાન વૈશ્વિક ઓર્ડરનો જન્મ થયો, જે USA માટે ફાયદાકારક રહ્યું.”

    દોઢ દાયકા સુધી અનેક બેન્કોમાં કામ કરી ચૂકેલા અમિષ ત્રિપાઠી કહે છે કે, વૈશ્વિક ઇતિહાસના આવા નિર્ણાયક સમયમાં આપણને એવા નેતૃત્વની જરૂર છે જે ઊંડી પ્રેરણા અને ઉત્તમ ક્ષમતાઓથી સજ્જ હોય, મહેનતુ હોય અને જનતાને પોતાની સાથે લઈને ચાલે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા ઘણા લોકો છે, ઘણા જુદું વિચારે છે. લેખકે PM મોદીની વિરુદ્ધમાં રહેલા લોકોને અપીલ કરી છે કે, ઇતિહાસના આ મોટા વળાંક પર આપણને સ્પષ્ટ બહુમતીવાળી મજબૂત સરકારની જરૂર છે જે વિશ્વ સાથે સારો તાલમેલ જાળવી શકે અને અશાંતિના આ સમયમાં પણ ભારત શીર્ષ પર પહોંચે તે સુનિશ્ચિત કરી શકે.

    2019માં ભારત સરકાર દ્વારા લંડન સ્થિત ‘ધ નેહરુ સેન્ટર’ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદથી રાજદ્વારી કાર્યમાં પણ સક્રિય રહેલા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, જો ભારત મજબૂત છે તો આપણા બધા પાસે મજબૂત બનવાની તક છે. તેમણે કહ્યું કે, જો ભારત પાછળના (1950-1990) દાયકાઓની જેમ નબળું રહેશે તો આપણે પણ નબળા રહીશું. અમિષ ત્રિપાઠી કહે છે કે, આ યુગમાં આપણે મોટા દેશો સાથે કરાર કરીને આપણા રાષ્ટ્રીય હિત માટેનાં પરિણામો મેળવીએ છીએ, જેમ કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું.

    અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં આપણાં દેશ અને અને આપણી સભ્યતાને ચાણક્ય નીતિ પર ચાલનારા નેતૃત્વની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં બન્યા રહે તે આપણી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના મતવિસ્તારમાં NDA ઉમેદવારને મત આપશે. નોંધનીય છે કે, ભારતમાં સાત તબક્કામાં લોકોસભા ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. ભાજપે આ વખતે ‘400 પાર’નો નારો આપ્યો છે અને વડાપ્રધાન મોદી પણ જોરદાર રેલીઓ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં