કાશ્મીરમાં જઈને પોતે વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાની ઓળખ આપીને આખા તંત્રને ચકડોળે ચડાવનાર ઠગ કિરણ પટેલ હાલ અમદાવાદ પોલીસની કસ્ટડીમાં છે. તેની સામે એક વ્યક્તિએ કરોડોનો બંગલો પચાવી પાડવાની ફરિયાદ નોંધાવ્યા બાદ કાશ્મીરથી અમદાવાદ લાવીને ધરપકડ કરવામાં આવી હતી. હવે કિરણ સામે લાલચ આપીને G20ના બેનર હેઠળ ઇવેન્ટ યોજવા મામલે વધુ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદની એક ઇવેન્ટ કંપનીના માલિકે કિરણ પટેલ સામે PMO અધિકારીની ખોટી ઓળખ આપી, કાશ્મીરમાં મોટી ઇવેન્ટ અપાવવાની લાલચ આપીને G20ના બેનર હેઠળ અમદાવાદમાં મોટો કાર્યક્રમ કરીને તેનો ખર્ચ ન આપીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે FIR દાખલ કરી છે.
FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં ફરિયાદી હાર્દિક ચંદારાણાએ જણાવ્યું કે, તેઓ RX ઈવેન્ટ્સ નામની એક કંપની ચલાવે છે. જાન્યુઆરી 2023માં કિરણ પટેલે તેમને ફોન કરીને પોતે એક ઇવેન્ટનું આયોજન કરવા માંગે છે અને તેનું કામ તેમને સોંપવા માંગે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ 10 જાન્યુઆરીએ તે તેમની ઓફિસે આવ્યો હતો અને પોતે PMO અધિકારી હોવાના ખોટા દાવા કરીને તેમને વિશ્વાસમાં લઈને ઇવેન્ટનું આયોજન ફાઇનલ કર્યું હતું.
કિરણ પટેલે પોતે PMOમાં કામ કરતો હોવાનું અને હાલ તેને કાશ્મીરમાં જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહીને હાર્દિક ચંદારાણાને કાશ્મીરમાં મોટી ઇવેન્ટ અપાવવાની લાલચ આપી હતી અને તેમને વિશ્વાસમાં લેવા માટે એડિશનલ ડાયરેક્ટર, PMO લખેલો વિઝિટિંગ કાર્ડ પણ બતાવ્યો હતો. ત્યારબાદ બંનેએ ઓફિસમાં બેસીને અમદાવાદની હયાત હોટેલ ખાતે કાર્યક્રમનું આયોજન નક્કી કર્યું હતું.
આયોજન બાદ કિરણ પટેલે એક વોટ્સએપ ગ્રુપ બનાવીને તેમાં ફરિયાદીને પણ એડ કર્યા હતા અને કાર્યક્રમના વિષય અને ચીફ ગેસ્ટના ફોટા સાથે એક બેનર પણ બનાવડાવ્યું હતું. પછીથી 29 જાન્યુઆરીના દિવસે અમદાવાદની હયાત હોટેલમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમાં 1 લાખ 91 હજાર 514નો ખર્ચ થયો હતો, જેની ચૂકવણી ઇવેન્ટ કંપનીના માલિકે કરી હતી.
કાર્યક્રમ બાદ કિરણ પટેલે ફરિયાદી હાર્દિક ચંદારાણાને 8મીથી 10 ફેબ્રુઆરી સુધી તેણે કાશ્મીરમાં એક મેડિકલ કોન્ફરન્સની ઇવેન્ટના આયોજન માટે જવાનું છે તેમ કહીને બંને માટે શ્રીનગરની એર ટિકિટ અને લલિત હોટેલમાં રૂમ બુક કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને શ્રીનગર ગયા હતા અને હોટેલ લલિત પેલેસમાં રોકાયા હતા, જેનો ખર્ચ 1,60,000 જેટલો આવ્યો હતો. 10 ફેબ્રુઆરીએ કિરણે હાર્દિકને કોન્ફરન્સ માટેની જગ્યા બતાવીને ત્યાં ઇવેન્ટનું આયોજન કરવા માટેની લાલચ આપી હતી. ફરિયાદી અનુસાર કિરણે આ રૂપિયા પણ પરત આપ્યા નથી.
ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલ સામે આઇપીસીની કલમ 406, 420 અને 170 હેઠળ કેસ દાખલ કરીને તેને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જે કાર્યક્રમને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે તે અમદાવાદની હયાત હોટેલમાં G20ના બેનર હેઠળ ‘સ્કોપ એન્ડ પ્રાયોરિટીઝ ફોર વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ’ વિષયથી યોજાયો હતો અને જેના બેનરમાં પેનલિસ્ટ તરીકે નિવૃત્ત IAS અધિકારી ડૉ. એસ કે નંદા, રાજ્ય સરકારના અધિકારી મનોજ કુમાર દાસ, સુરત ડાયમંડ એસોશિએશનના પ્રમુખ દિનેશ નાવડિયા અને ‘લેખક’, ‘મોટિવેશનલ સ્પીકર’ જય વસાવડા વગેરેનાં નામો લખવામાં આવ્યાં હતાં.