વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે ગયા છે. એક તરફ અમેરિકા સહિત વિશ્વભરમાં પીએમ મોદી અને ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ પાર્ટી વિરોધી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધવા માટે કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એક ટ્વિટ કર્યું હતું જેમાં વ્હાઈટ હાઉસના સુરક્ષા પ્રવક્તા જ્હોન કિર્બીને ટાંકવામાં આવ્યા હતા. શ્રીનેતે દાવો કર્યો કે, વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ છેલ્લાં નવ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરવા બદલ પીએમ મોદીની ટીકા કરી હતી.
“It is unusual for PM Modi to take questions from the media, beyond occasional interviews. 𝐇𝐞 𝐡𝐚𝐬 𝐧𝐨𝐭 𝐚𝐝𝐝𝐫𝐞𝐬𝐬𝐞𝐝 𝐚 𝐬𝐢𝐧𝐠𝐥𝐞 𝐩𝐫𝐞𝐬𝐬 𝐜𝐨𝐧𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐬𝐢𝐧𝐜𝐞 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐩𝐫𝐢𝐦𝐞 𝐦𝐢𝐧𝐢𝐬𝐭𝐞𝐫 𝐚𝐛𝐨𝐮𝐭 𝐧𝐢𝐧𝐞 𝐲𝐞𝐚𝐫𝐬…
— Supriya Shrinate (@SupriyaShrinate) June 22, 2023
સુપ્રિયા શ્રીનેતે જ્હોન કિર્બીને ટાંકીને ટ્વિટમાં લખ્યું, ‘પીએમ મોદી માટે પ્રાસંગિક ઇન્ટરવ્યૂ સિવાય મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા એ અસામાન્ય બાબત થઇ ગઈ છે. નવ વર્ષ પહેલાં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારથી તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નથી. મે, 2019માં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ એક પણ સવાલ લીધો ન હતો: જ્હોન કિર્બી, વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા.’ આટલું લખીને સુપ્રિયાએ કટાક્ષભર્યા સ્વરે લખ્યું, ‘આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સન્માન.’
શું છે સત્ય?
અહીં મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ પ્રવક્તાએ જે શબ્દો લખ્યા તે વાત વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ ક્યારેય પણ કહી નથી. તેમણે રોયટર્સના એક રિપોર્ટમાંથી આ વાક્યો લીધાં હતાં અને દાવો કરી દીધો કે જ્હોન કિર્બીએ આ વાત કહી છે. પરંતુ વાસ્તવમાં એવું ન હતું. સુપ્રિયા શ્રીનેતે રોયટર્સના જે રિપોર્ટમાંથી વાક્યો લીધાં હતાં એ જ્હોન કિર્બી દ્વારા બોલાયેલાં વાક્યો ન હતાં પરંતુ રિપોર્ટનો એક પેરેગ્રાફ હતો.
ઉલ્લેખનીય છે કે 22 જૂન, 2023ના રોજ વિદેશી ન્યૂઝ એજન્સી રોયટર્સે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીની સ્ટેટ વિઝીટ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડન સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોના સવાલ લેશે. આ જ રિપોર્ટમાં રોયટર્સે લખ્યું હતું કે, ‘‘પીએમ મોદી માટે પ્રાસંગિક ઇન્ટરવ્યૂ સિવાય મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા એ અસામાન્ય બાબત થઇ ગઈ છે. નવ વર્ષ પહેલાં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારથી તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નથી. મે, 2019માં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ એક પણ સવાલ લીધો ન હતો.’ આ એ જ શબ્દો છે જે કોંગ્રેસ પ્રવક્તાએ પોતાના ટ્વિટમાં લખ્યા હતા, પણ આ વાત રોયટર્સે પોતાના રિપોર્ટમાં લખી હતી, વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ આવું કશું કહ્યું નથી.
આ જ રિપોર્ટમાં આગળ કિર્બીને ટાંકવામાં આવ્યા હતા, જેમણે આ કાર્યક્રમને મહત્વની બાબત ગણાવતાં કહ્યું હતું કે, “પીએમ મોદી તેમની મુલાકાતને અંતે પ્રેસ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે તે બદલ અમે તેમના આભારી છીએ. અમારા માટે આ બહુ મહત્વની બાબત છે અને અમને આનંદ છે કે તેઓ પણ તે માટે ઉત્સુક છે.”