Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢનાં તોફાનમાં સામેલ આરોપીઓને જાહેરમાં ફટકારવા મામલે કોંગ્રેસ નેતાઓએ વાંધો ઉઠાવ્યો: મેવાણીએ...

    જૂનાગઢનાં તોફાનમાં સામેલ આરોપીઓને જાહેરમાં ફટકારવા મામલે કોંગ્રેસ નેતાઓએ વાંધો ઉઠાવ્યો: મેવાણીએ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી, ઇમરાન ખેડાવાલાએ કહ્યું- પોલીસ સામે એક્શન લો

    ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખ્યો, મેવાણીએ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી.

    - Advertisement -

    જૂનાગઢમાં મજેવડી ગેટ પાસેની દરગાહ હટાવવા મામલે નોટિસ અપાયા બાદ મુસ્લિમ સમુદાયના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. પથ્થરમારો અને આગચંપી થયા બાદ પોલીસે રાત્રે જ સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમુક ઉપદ્રવીઓને દરગાહની સામે જ મેથીપાક અપાયો હતો. કોંગ્રેસના અમુક નેતાઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને એક્શન લેનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

    કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તોફાનીઓને જાહેરમાં માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે પત્રમાં જૂનાગઢની ઘટનાને વખોડીને કહ્યું કે, પથ્થરમારો કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ સીસીટીવીમાં પાછળ ઉભેલા દેખાતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. સાથે પોલીસે પકડેલા આરોપીઓને જાહેરમાં મારવાની ઘટનાને લઈને કહ્યું કે, આ બાબત દુઃખદ છે અને આ પોલીસકર્મીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

    જીગ્નેશ મેવાણીએ કહ્યું- પોલીસે લોકોને જાહેરમાં માર્યા એ ગેરકાયદેસર

    જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી હતી. તેમણે લખ્યું કે, જૂનાગઢમાં જે ઘટના બની તે નિંદનીય છે અને પોલીસ પર હુમલો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું તે પણ ગેરકાયદેસર છે. ત્યારબાદ તેમણે ખેડાની ઘટનાને ટાંકીને લખ્યું કે, ખેડાની જેમ પોલીસે કાયદો હાથમાં લઈને જાહેરમાં લોકોને માર્યા એ પણ સંપૂર્ણ ગેરકાયદેસર છે. ઉલ્લેખનીય છે ગત વર્ષે ખેડામાં મુસ્લિમ યુવકોએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ત્યારે પોલીસે જાહેરમાં આરોપીઓને ફટકાર્યા હતા. આ કાર્યવાહીને લઈને પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે કરવામાં આવેલા ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો અને આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કરવામાં આવી હતી.

    - Advertisement -

    જૂનાગઢમાં ઘટેલી પોલીસ પર હુમલાની ઘટનામાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પણ ગુજરાત પોલીસનો વિરોધ કર્યો હતો. તેમણે પોલીસ પર આરોપ લગાવતાં ટ્વિટ કરીને લખ્યું કે, ‘હવે ગુજરાતની પોલીસને ન્યાયાલયો સાથે કોઈ જ લેવાદેવા નથી, તેઓ સીધા જાહેરમાં સજા આપે છે, ખુલ્લેઆમ માર મારે છે અને આરોપી ઘોષિત કરી દે છે. કોઈ તપાસ નથી કરતી, આ વિડીયો જુનાગઢનો છે, શું આ જ બંધારણનું પાલન છે?’ જોકે, તેમણે ટ્વિટમાં પથ્થરમારાની ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો કે તેને વખોડી ન હતી.

    નોંધવું જોઈએ કે કોંગ્રેસ નેતાઓના આ ટ્વિટ પર જવાબ આપતી વખતે મોટાભાગના યુઝરોએ તેમને યાદ કરાવ્યું હતું કે પોલીસ કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કાર્યવાહી કરી રહી હતી અને જેમની સામે કાર્યવાહી થઇ તેમણે પથ્થરમારો કરીને હિંસા આચરી હતી. ઘણાએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓએ પ્રતિક્રિયા પર બોલતાં પહેલાં ક્રિયા વિશે પણ કહેવું જોઈએ.

    શું હતી આખી ઘટના?

    નોંધનીય છે કે જૂનાગઢના મજેવડી ગેટની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ આવેલી છે, જે ગેરકાયદેસર હોવાથી મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને પાંચ દિવસમાં પુરાવાના કાગળો રજૂ કરવા કહ્યું હતું. શુક્રવારે (16 જૂન, 2023) બપોરે પાલિકાના અધિકારીઓએ દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ સાંજે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા માંડ્યા હતા અને રાત્રિ સુધીમાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં.

    દરમ્યાન હાજર પોલીસકર્મીઓએ હસ્તક્ષેપ કર્યો હતો અને સમજાવટ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ દસ વાગ્યાની આસપાસ અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી તો ખાનગી વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને મોટરસાયકલ પણ સળગાવી દેવામાં આવી હતી. આ તોફાનમાં રસ્તેથી પસાર થતી એસટી બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જૂનાગઢમાં થયેલી આ હિંસામાં પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી તો એક નાગરિકનું મૃત્યુ થયું હતું. જેને લઈને FIR દાખલ કરતી વખતે હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી.

    પરિસ્થિતિ વણસતાં પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા અને નિયંત્રણ મેળવ્યું હતું. ઘટના બાદ સમગ્ર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો હાલ સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ હવે જૂનાગઢ હિંસામાં સામેલ ઉપદ્રવીઓને દરગાહ સામે જ ફટકારવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતાઓએ પોલીસ પર એક્શનની માંગ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં